Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રોટોમેક કેસમાં ઇડીએ રૂા. ૧૭૭ કરોડની મિલકતને ટાંચ મારી

રોટોમેક ગ્‍લોબલ પ્રા. લિ. અને એના ડિરેક્‍ટરોની કાનપુર, દહેરાદૂન, અમદાવાદ અને ગાંધીનગર અને મુંબઈ સહિતની સંપત્તિ ટાંચમાં લેવા આદેશ

નવી દિલ્‍હી તા. ૩૦ : કાનપુરની રોટોમેક જૂથે બેંક સાથે ઋણ મામલે કરેલી કથિત રૂ. ૩૬૯૬ કરોડની છેતરપિંડીના કેસમાં એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ઇડી)એ રૂ. ૧૭૭ કરોડની સંપત્તિ પર ટાંચ મારી હોવાની વાત જાહેર કરી હતી. મે. રોટોમેક ગ્‍લોબલ પ્રા. લિ. અને એના ડિરેક્‍ટરોની કાનપુર (ઉત્તર પ્રદેશ), દહેરાદૂન (ઉત્તરાખંડ), અમદાવાદ અને ગાંધીનગર (ગુજરાત) અને મુંબઈ (મહારાષ્ટ્ર)માં આવેલી અંદાજે રૂ. ૧૭૭ કરોડની સંપત્તિ પર ટાંચ મારવા માટે પીએમએલએ એક્‍ટ હેઠળ ઇડીએ સોમવારે આદેશ બહાર પાડયા હતા.

ગેરકાનૂની રીતે નાણાં કૌભાંડ કરીને આ સંપત્તિ ઊભી કરાઇ હોવાનો આરોપ ઇડીએ મૂક્‍યો હતો.

ઇડીની તપાસમાં જણાયું હતું કે મર્યાદિત પ્રમાણના ગ્રાહકો અને વેચાણકારો સાથે મે. રોટોમેક ગ્‍લોબલ પ્રા. લિ. વેપારમાં સંડોવાઇ હતી અને એ દોઢથી બે ટકા કમિશન કાપીને વિદેશી ગ્રાહકો કે ખરીદદારો કંપનીને લેટર ઓફ ક્રેડિટ આપતા હતા અથવા કંપનીના માલિક વિક્રમ કોઠારીના વિદેશી ખાતામાં રકમ સીધી જમા કરાવી દેવાતી હતી. કમિશન બાદની રકમ કંપની ફિક્‍સ્‍ડ ડિપોઝીટ રશીદ, આયર્ન ઓરની ખરીદી અને રીયલ એસ્‍ટેટમાં રોકાણ જેવા અન્‍ય વ્‍યાપારલક્ષી કામો માટે વાપરતી હતી. આરોપીઓ કોઇ ચોક્કસ ધંધો જ નહોતા કરતા અને બેંકમાંથી વેપારના નામે ખોટી રીતે ઋણ લઇને ત્‍યાર બાદ એનો ઉપયોગ અન્‍યત્ર કરતા હતા.

સીબીઆઇની એફઆઇઆરને આધારે ઇડીએ પીએમએલએ એક્‍ટ હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. બેંક ઓફ બરોડાની ફરિયાદને આધારે ઇડી અને સીબીઆઇને કેસ કંપનીના માલિક વિક્રમ કોઠારી, એની પત્‍ની સાધના કોઠારી, પુત્ર રાહુલ કોઠારી અને અજ્ઞાત બેંક અધિકારીઓ સામે નોંધવામાં આવ્‍યો હતો.

(4:51 pm IST)
  • કૈરાના,ભંડાર-ગોંદિયા અને નાગાલેન્ડના 123 બુથો પર મતદાન :યુપીના કૈરાના અને મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા અને નાગાલેન્ડની એક લોકસભા સીટ પર આજે બુધવારે મતદાન ;આ બેઠક પર 28મીએ પેટ ચૂંટણી કરાવાય હતી પરંતુ ત્રણ સીટના કેટલાક બુથ પર મતદાન થશે access_time 1:19 am IST

  • હિલ સ્ટેશન સિમલામાં અભૂતપૂર્વ પાણીની સમસ્યા :છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરતા લોકો ફરી રસ્તામાં ઉતર્યા :પાણીની તંગીને કારણે 30 રેસ્ટોરન્ટ બંધ :નપા અને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ; રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું :નળને બદલે ટેંકરોથી પાણીનું વિતરણ :કાળાબજારી અને તંત્રની બેદરકારી સામે લોક રોષ access_time 1:38 am IST

  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST