Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સેંસેક્સ ૪૩ પોઇન્ટ ગગડીને ૩૪૯૦૬ની નીચી સપાટીએ

શેરબજારમાં પ્રવાહી સ્થિતિ વચ્ચે ફ્લેટ કારોબાર :નિફ્ટી ૧૯ પોઇન્ટ ઘટી ૧૦૬૧૪ની નીચી સપાટી ઉપર ઇટાલીમાં રાજકીય કટોકટીની બજાર પર પ્રતિકુળ અસર

મુંબઇ,તા. ૩૦ : શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. કારોબારના અંતે મૂડીરોકાણકારોની સાવચેતી વચ્ચે સેંસેક્સ ૪૩ પોઇન્ટ ઘટીને ૩૪૯૦૬ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૫૦૦૦ની સપાટી ગુમાવી દીધા બાદ આ સપાટી હજુ સુધી હાસલ કરી શકાય નથી. નિફ્ટી ૧૯ પોઇન્ટ ઘટીને ૧૦૬૧૪ની સપાટીએ પહોંચ્યો છે. ઇન્ડિયન ઓઇલ્સ રિફાઈનર્સ અને રિટેલર્સમાં અફડાતફડી જોવા મળી રહી છે. ઇન્ડિયન ઓઇલે પેટ્રોલ અને ડીઝલ માટે પંપની કિંમતો ઘટાડી દીધી છે. આઈઓસી, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભારતમાં મોટાભાગના રિટેલ ફ્યુઅલ માર્કેટ ઉપર અંકુશ ધરાવે છે. બીજી બાજુ ફોર્ટિઝ હેલ્થકેરના શેરમાં ૪.૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં અંધાધૂંધી જોવા મળી રહી છે. યુએસ ક્રૂડની કિંમત સતત છઠ્ઠા કારોબારી સેશનમાં ઘટી ગઈ છે. તેની કિંમત હવે ૦.૨ ટકા ઘટીને ૬૬.૫૮ ડોલર પ્રતિબેરલ રહી હતી. વેનેઝુએલા અને ઇરાન તરફથી સપ્લાયને લઇને પણ સ્થિતિ જટિલ બની ગઈ છે. એશિયન શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. યુરો ૧૦ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. તેલ કિંમતો દબાણ હેઠળ રહી છે. સાઉદી અને રશિયાએ સ્થિતિ હળવી કરવાના સંકેત આપ્યા છે.  શેરબજારમાં નવા કારોબારી સેશનમાં આઠ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. જે આઠ પરિબળોની અસર રહેનાર છે તેમાં વિદેશી પરિબળોનો પણ સમાવેશ થાય છે. જીડીપી ડેટા, કમાણીના આંકડા, એફએન્ડઓ પૂર્ણાહૂતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ઓટો શેરના આંકડા, માઇક્રો ડેટા જેવા પરિબળોની અસર બજાર ઉપર થનાર છે. આ ઉપરાંત અમેરિકી

જોબ ડેટાના આંકડાની પણ અસર જોવા મળશે.જીડીપીના ડેટા જાન્યુઆરી અને માર્ચના ગાળા માટે ૩૧મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. ભારતનો જીડીપી દર ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિમાં તેજીના લીધે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૭.૨ ટકા રહ્યો હતો. મે ૨૦૧૮ એફએન્ડઓ કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારે પૂર્ણ થશે. આ વર્ષે ડોલર સામે રૂપિયા છ ટકા સુધી ઘટી ગયો છે. એફએન્ડઓ પૂર્ણાહૂતિને લઇને પણ કારોબારીઓ નજર રાખી રહ્યા છે. બીજી બાજુ ઓટો કંપનીઓના શેર તેજીમાં રહી શકે છે. કારણ કે, પહેલી જૂનથી મે મહિના માટેના વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. મારુતિ સુઝુકી, હુન્ડાઈ મોટર્સ, તાતા મોટર્સના વેચાણના આંકડા હાલમાં આશાસ્પદ રહી ચુક્યા છે. બજારમાં પ્રવાહી સ્થિતી છે. મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઘટીને ૩૪૯૪૯ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૫૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૫૫ પોઇન્ટ ઘટીને ૧૦૬૩૩ની સપાટીએ રહ્યો હતો. તેમાં ૫૫ પોઇન્ટનો ઘટાડો રહેતા કારોબારીઓ નિરાશ દેખાયા હતા. બેંકિંગ અને ફાયનાન્સિયલ શેરોમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં ઇટાલીમાં કટોકટીની અસર દેખાઈ રહી છે.

(7:33 pm IST)