Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

દિલ્‍હીના આરોગ્‍ય પ્રધાનના નિવાસે સીબીઆઈના દરોડા

કેજરીવાલની માઠી દશા સતત ચાલુ : કેજરીવાલે પૂછયું - ‘પીએમ શું ઇચ્‍છી રહ્યા છે?': સત્‍યેન્‍દ્ર જૈનના ઘેર સવારથી તપાસ

નવી દિલ્‍હી, તા. ૩૦ :  દિલ્‍હીના આરોગ્‍ય પ્રધાન સત્‍યેન્‍દ્ર જૈનના નિવાસ સ્‍થાને બુધવાર ૩૦ મે ના રોજ સીબીઆઈ એ દરોડા પાડયા. સીબીઆઈમાં આપ નેતા વિરૂદ્ધ મળેલ માહિતીને ધ્‍યાનમાં લઈને ગયા વર્ષે ઓગષ્‍ટમાં જૈન અને બીજા પાંચ લોકો સામે કેસ નોંધાયો હતો. ૨૦૧૫-૧૬માં ૪.૬૩ કરોડ રૂપિયાના મામલામાં સીબીઆઈએ સબુતોના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આ પહેલા ૩ અને ૧૧ એપ્રિલે સત્‍યેન્‍દ્ર જૈનની પુછપરછ કરીને તેમનુ બયાન લેવામાં આવ્‍યુ હતું.

જૈન કોલકતાની પ્રયાસ ઈન્‍ફો પ્રાઈવેટ લીમીટેડ, અકી ચંદ ડેવલપર્સ અને મંગલાયતન પ્રોજેકટ પ્રાઈવેટ લીમીટેડ સંબંધીત એક ગોટાળામાં આરોપી છે. જૈન અને તેની પત્‍નિની કંપનીમાં એક તૃત્‍યાંશ ભાગીદારી હતી તેવો આરોપ છે. જૈન ઉપર આ કંપનીઓ અને દિલ્‍હીની એક કંપની ઈન્‍ડો-મેટલ ઈન્‍ડેક્ષ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા ૧૧.૭૮ કરોડના ગોટાળાનો આરોપ છે.

પ્રધાન પર પોતાના કર્મચારીઓ જાહેર સહયોગીઓની મદદથી કલકત્તાના એન્‍ટ્રી ઓપરેટરો અને ખોટી કંપનીઓને રૂપિયા દેવાનો આરોપ છે. ત્‍યાર પછી એન્‍ટ્રી ઓપરેટરોએ આ કાળા ધનને પ્રયાસ ઈન્‍ફો. પ્રા.લી., અકી ચંદ ડેવલપર્સ, મંગલાયતન પ્રોજેકટ પ્રા.લી. અને ઈંડો-મેટલ પ્રાઈવેટ લીમીટેડમાં રોકી દીધા હતા. આ બધી કંપનીઓમાં જૈનની માલિકી હતી. સીબીઆઈએ કહ્યુ કે, કંપનીના શેરની કિંમતો ૬૦ ગણી વધી ગઈ હતી.

(4:25 pm IST)