Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

એર એશિયાના સીઈઓની વિરૂદ્ધ અંતે કેસ દાખલ થયો

લાયસન્સ હાસલ કરવાને લઇને નિયમોનો ભંગ : ઇન્ટરનેશનલ ફ્લાઇંગ લાયસન્સ મેળવવા માટે નિયમો સાથે ચેડા કરાયા : એર એશિયાના અનેક સ્થળ પર દરોડા

નવી દિલ્હી,તા. ૨૯ : સીબીઆઈએ ખાનગી વિમાન કંપની એર એશિયા ગ્રુપના સીઈઓ ટોની ફર્નાન્ડિઝ અને અન્યની સામે એક કેસ દાખલ કર્યો છે. આ મામલો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લાયસન્સ મેળવવાના સંદર્ભમાં નિયમોનો ભંગ કરવા સાથે સંબંધિત છે. એર એશિયાના સીઈઓ પર કેસ દાખલ કરવામાં આવ્યા બાદ કોર્પોરેટ જગતમાં આની જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. સીબીઆઈએ આને લઇને તૈયારી પણ પહેલાથી જ કરી હતી. અધિકારીઓએ આજે કહ્યું હતું કે, આ મામલો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંચાલનના લાયસન્સ મેળવવા માટે કંપનીના અધિકારીઓ દ્વારા નિયમોના ભંગ સાથે સંબંધિત છે. આ ઉપરાંત તેમાં વિદેશી મૂડીરોકાણ બોર્ડના નિયમોના ભંગનો પણ મામલો રહેલા છે. પાંચ વર્ષના અનુભવ અને ૨૦ વિમાનો હોવાની સ્થિતિમાં જ કોઇ એરલાઈન્સ ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઓપરેટ કરી શકે છે. એર એશિયા મલેશિયાના ગ્રુપ સીઈઓ એન્થોની ફ્રાન્સિસ ટોની ફર્નાન્ડિઝ ઉપરાંત ટ્રાવેલ ફુડના માલિક સુનિલ કપૂર, એર એશિયાના નિર્દેશક આર વેંકટરામન, દીપક તલવાર, સિંગાપોરની એસએન્ડઆર ટ્રેડિંગના નિર્દેશક રાજેન્દ્ર દુબે અને સરકારી કર્મચારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર સહિત છ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈએ આક્ષેપ કર્યો છે કે, ફર્નાન્ડિઝે લાયસન્સ મેળવવા માટે સરકારી અધિકારીઓ સાથે મળીને લોબી ચલાવી હતી અને નિયમો દૂર કરવા માટે કહ્યું હતું. એર એશિયાના સીઈઓ ટોની અને અન્યો સામે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ એર એશિયા ગ્રુપ તરફથી હજુ સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ એર એશિયા સામે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ તેની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. ટૂંકમાં જ સીબીઆઈ વધુ તપાસ કરશે.

(12:00 am IST)