Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સેવાને સલામ : પત્નીના દાગીના વેચી રિક્ષાને બનાવી એમ્બ્યુલન્સ : કોરોના ગ્રસ્ત દર્દીઓની કરે છે ફ્રીમાં મદદ

ભોપાલના જાવેદની મદદ જોઇ ઘણા લોકોમાં પણ હિમ્મત આવી

ભોપાલ : કોરોનાનું સંક્રમણ દેશભરમાં સત્તત વધી રહ્યું છે અને કેટલાય લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે આવા કપરા કાળમાં ઘણી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને ઘણા ટ્રસ્ટો દ્વારા લોકોની સેવામાં કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ મળતી માહિતી મુજબ એક રિક્ષાચાલક વિનામૂલ્યે કરી રહ્યો છે લોકોની મદદ.

ભોપાલના જાવેદની મદદ જોઇ ઘણા લોકોમાં પણ હિમ્મત આવી છે. જાવેદે સાબિત કરી દીધુ કે જ્યા ચાહ હોય ત્યાં રાહ જરુર નીકળે છે. હવે સોશિયલ મીડિયા પર તેમના વખાણ થઇ રહ્યા છે. કારણ કે કોરોનાએ લોકોને સંપૂર્ણપણે લાચાર કરી દીધા છે.

ભોપાલમાં રહેતા એક રિક્ષાચાલક જાવેદે કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ કરવા માટે પોતાની પાસે રહેલી ઓટોરિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી છે. એટલું જ નહી પરંતુ તેમને રીક્ષામાં ઓક્સીજન સીલીન્ડરની સાથે સેનિટાઈઝરની પણ સુવિધા કરી છે. આ રિક્ષાચાલક દર્દી પાસેથી 1 પણ રૂપિયો લીધા વગર નિસ્વાર્થ ભાવે આ સેવા કરી રહ્યો છે.રિક્ષાચાલક એક દિવસના માંડ માંડ 200 થી 300 રૂપિયા કમાતો હતો. તેમની પાસે પૈસા પણ ન હતા જેથી હવે પોતાની ઓટો એમ્બ્યુલન્સનો ખર્ચ વધી જવાને કારણે રિક્ષાચાલકે સેવાને શરૂ રાખવા માટે પોતાની પત્નીના દાગીના પણ વેચી નાખ્યા છે.

જાવેદે કહ્યું છે કે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં લોકોની મદદ કરવી એ જ સૌથી મોટી માનવતા છે અને આ માટે મારે જે કઈ પણ કરવું પડે તે કરવા માટે તત્પર છું. દિલથી નમન છે આ વ્યક્તિને જે પોતાની પાસે પૈસા ન હોવા છતાં લોકોની મદદ કરે છે.

(11:53 pm IST)