Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

IPL -2021 : પંજાબે બેંગ્લોરને 34 રને હરાવ્યુ : હરપ્રિત બ્રાર જબરદસ્ત પ્રદર્શન : કેએલ રાહુલે અણનમ 91 રન ફટકાર્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. બેંગ્લોર સામે પંજાબે શાનદાર જીત મેળવી હતી. જેમાં RCBના કેપ્ટન વિરાટ કોહલી એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

 કેપ્ટન કેએલ રાહુલે ઓપનીંગમાં આવીને 91 રનની અણનમ ઈનીંગ રમી હતી. 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને દિલ્હીએ 179 રન બનાવ્યા હતા. હરપ્રિત બ્રારની બોલીંગ સામે બેંગ્લોરની કમર તુટી ગઈ હોય એવી સ્થિતી સર્જાઈ હતી. બેંગ્લોરની સારી શરુઆત છતાં પણ 20 ઓવરમાં 8 વિકેટે 145 રન કરી 34 રને હાર મેળવી હતી.

આ પહેલા 6 મેચમાંથી પાંચ મેચ જીતનાર અને સિઝનમાં સતત જીત મેળવતી આરસીબીએ સારી શરુઆત કરી હતી, પરંતુ હરપ્રિત બ્રારની બોલીંગે RCBના તમામ ગણિત બદલી નાંખ્યા હતા. સિઝનમાં આજે બીજી હાર સહવી પડી હતી. વિરાટ કોહલી અને મેક્સવેલને બ્રારે સળંગ બે બોલમાં બંનેને ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલ્યા હતા. વિરાટ કોહલીએ 35 રન કરીને ક્લીન બોલ્ડ થઈ વિકેટ ગુમાવી હતી.

દેવદત્ત પડિક્કલે 7 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. ગ્લેન મેક્સવેલ કોહલીના આગળના બોલે જ ક્રિઝ પર આવી ક્લીન બોલ્ડ થતાં આઉટ થયો હતો. તે પોતાના આઉટને થઈને દંગ રહી ગયો હતો. એબી ડિવિલીયર્સ 3 રન કરી વિકેટ ગુમાવી હતી. શાહબાઝ અહેમદ 8 અને ડેનિયલ સેમ્સ 3 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. હર્ષલ પટેલે 13 બોલમાં 31 રન કર્યા હતા.

હરપ્રિત બ્રારે જબરદસ્ત જાદૂ દર્શાવ્યો હતો. પહેલા બેટીંગમાં કમાલ કર્યા બાદ તેણે બોલીંગમાં પણ જબરદસ્ત દેખાવ કર્યો હતો. તેણે ત્રણ વિકેટ ચાર ઓવર દરમ્યાન ઝડપી હતી. જેમાં વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને ડિવીલયર્સ જેવા દિગ્ગજ ખેલાડીઓની વિકેટ ઝડપીને પંજાબને મેચમાં એક તરફી બનાવી દેવા માફક ટર્નીગ પોઈન્ટ સર્જયો હતો.

તેણે એક ઓવર મેઈડન કરીને 19 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈએ 4 ઓવર કરીને 17 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મંહમદ શામી, રિલે મેરેડિથ અને ક્રિસ જોર્ડને એક એક વિકેટ ઝડપી હતી.

દિલ્હીએ ટોસ હારીને બેટીંગની શરુઆત કરતા પ્રથમ વિકેટ 19 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ કે એલ રાહુલ અને ક્રિસ ગેઈલે ભાગીદારી ઈનીંગ રમીને સ્કોર બોર્ડને આગળ ચલાવ્યુ હતુ. કેએલ રાહુલે અણનમ 91 રન 57 બોલમાં કર્યા હતા. તેણે 5 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા. ક્રિસ ગેઈલે 24 બોલમાં 46 રન કર્યા હતા. જ્યારે હરપ્રિત બ્રારે 17 બોલમાં 25 રનની રમત રમી હતી.

કાયલ જેમિસને 3 ઓવર કરીને 32 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ડેનિયલ સેમ્સે 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ ઝડપીને 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. શાહબાઝ અહમદે 2 ઓવરમાં એક વિકેટ ઝડપીને 11 રન કર્યા હતા.

(11:49 pm IST)