Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કપરા સમયમાં ઈસ્લામિક દેશો ભારતની મદદે આગળ આવ્યા

કોરોના સામે ભારતની આર-પારની લડાઈ જારી : સાઉદી અરેબિયાએ ૮૦ મેટ્રિક ટન ઓક્સિજન મોકલ્યો, કુવૈતે પણ ભારતને મેડિકલ પુરવઠાની મદદ કરી

નવી દિલ્હી, તા. ૩૦ : કોરોનાની બીજી લહેર સામે ભારત આર-પારની લડાઈ લડી રહ્યું છે. ભારતમાં વિકારળ બની રહેલા કોરોના સંકટના કારણે ઓક્સિજન ઉપરાંત દવાઓ અને ટેસ્ટ કિટની પણ તંગી વર્તાઈ રહી છે. ઓક્સિજન અને દવાઓની તંગી વચ્ચે અનેક હોસ્પિટલોમાં દાખલ દર્દીઓએ પોતાની દવા અને ઓક્સિજનની સગવડ જાતે કરવી પડે છે. હોસ્પિટલ પોતાના ત્યાં પહેલેથી દાખલ હોય તેવા દર્દીઓ માટે ઓક્સિજન મેળવવા ઈમરજન્સી મેસેજ મોકલી રહી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે પણ ભારતમાં કોરોનાની સ્થિતિ વિચલિત કરનારી હોવાનું જણાવ્યું હતું. કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, સંયુક્ત આરબ અમીરાત, નેધરલેન્ડ સહિત અનેક દેશોએ ભારતથી વિમાની સેવાઓ પર થોડા દિવસનો પ્રતિબંધ મુકી દીધો છે. કોરોનાના કારણે મચેલા હાહાકાર વચ્ચે વિશ્વના અનેક દેશો ભારતના મદદગાર બનીને સામે આવ્યા છે જેમાં અનેક ઈસ્લામિક દેશો સામેલ છે.

ભારતમાં ઓક્સિજનની તંગીને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાએ ૮૦ મેટ્રિક ટન ઓક્સિજન મોકલ્યો છે. યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લાએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમનો દેશ કોરોના સંકટનો સામનો કરવા ભારતની દરેક સ્તરે મદદ કરશે તેમ જણાવ્યું હતું. યુએઈએ દુબઈ ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી ઈમારત પર ભારતના ઝંડા સાથે 'સ્ટે સ્ટ્રોંગ ઈન્ડિયા' લખીને ભારતને મજબૂતાઈથી કોરોનાનો સામનો કરવાનો મેસેજ આપ્યો હતો.

કુવૈતે પણ ભારતને મેડિકલ પુરવઠાની મદદ કરી છે. તો કતારના અમીર તમીમ બિન હમાદે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરીને તમામ સંભવિત સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું હતું. કતાર એરવેઝે કોઈ ચાર્જ વગર અન્ય દેશોમાંથી ભારતને મેડિકલ સપ્લાય પહોંચાડવાની જાહેરાત કરી છે.

બહરીન પણ ભારતની મદદ માટે આગળ આવ્યું છે. બહરીને ભારતને મેડિકલ ઉપકરણો અને ઓક્સિજન મોકલવાનો નિર્ણય લીધો છે. કુવૈતે ૧૮૫ મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન ભારત મોકલી આપ્યો છે તથા ,૦૦૦ ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન કન્સનટ્રેટર મોકલવાની જાહેરાત કરી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને સાઈડમાં રાખીને પાકિસ્તાને પણ મદદની રજૂઆત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મેડિકલ સપ્લાય મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ઈમરાન ખાને આને વૈશ્વિક પડકાર ગણાવીને સૌએ સાથે મળીને મુકાબલો કરવા જણાવ્યું હતું.

(7:40 pm IST)