Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

લોકો સાથે સંપર્ક, પ્રતિક્રિયા મેળવવા મંત્રીઓને ભલામણ

કોરોનાની બીજી લહેરની સ્થિતિ પર ચર્ચા માટે બેઠક : સ્થાનીક સ્તર પર સમસ્યાની ઓળખ અને તેનું સમાધાન કરવા પર પીએમ નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં ભાર આપ્યો

નવી દિલ્હી, તા. ૩૦ : દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા કરવા માટે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે, કોરોનાની સ્થિતિનો સામનો કરવા માટે બધા વિભાગ એક થઈ કામ કરી રહ્યા છે. બેઠકમાં પ્રધાનમંત્રીએ મંત્રીઓને પોતાના સંબંધિત ક્ષેત્રના લોકોની સાથે સંપર્કમાં રહેવા, તેમની મદદ કરવા અને પ્રતિક્રિયા પ્રાપ્ત કરવાની ભલામણ કરી છે. તેમણે સ્થાનીક સ્તર પર સમસ્યાઓની ઓળખ અને તેનું સમાધાન કરવા પર ભાર આપ્યો હતો.

બેઠકમાં મંત્રીપરિષદના સભ્યો સિવાય કેન્દ્ર સરકારના મુખ્ય અધિકારીઓ પણ સામેલ થયા હતા. દેશમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક હતી. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને જનતાની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ અને મુદ્દા ઉકેલવાનું કહ્યુ છે. મહત્વનું છે કે દેશમાં ઉભા થયેલા કોરોના સંકટ વચ્ચે પીએમ મોદી રોજ અલગ-અલગ બેઠકો કરી રહ્યા છે. પહેલા પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે અનેક બેઠકો કરી ચુક્યા છે.

પીએમ મોદીએ બેઠકમાં થયેલી વાતચીત વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે. પીએમ મોદીએ કહ્યુ કે, મંત્રી પરિષદની બેઠક દરમિયાન કોરોના સંક્રમણથી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં રાજ્યોની સાથે સમન્વય, સ્વાસ્થ્ય ક્ષમતાને વધારવા અને ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે

પીએમ મોદીએ ગુરૂવારે ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે સાથે પણ બેઠક યોજી હતી. બેઠકમાં સેના પ્રમુખે જણાવ્યુ હતુ કે દેશમાં કોરોનાના વધતા કેસને જોતા સેના પણ જ્યાં સંભવ છે સ્થાનીક લોકો માટે પોતાની હોસ્પિટલોના દરવાજા ખોલી રહી છે. સેના પ્રમુખે પીએમ મોદીને કહ્યુ કે, સેનાના ચિકિત્સા કર્મચારી વિભિન્ન રાજ્ય સરકારોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. એટલું નહીં સેના દેશના વિવિધ ભાગમાં અસ્થાયી હોસ્પિટલ સ્થાપિત કરી રહી છે.

(7:40 pm IST)