Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

બિહારની હૃદયને હચમચાવતી ઘટના

પપ્પા મરી ચુકયા'તા.. બાળકી સમજી કે સુઇ ગયા છેઃ કલાક સુધી લાશને જગાડતી રહી ૮ વર્ષની પુત્રી

પટણા, તા.૩૦: કોરોનાએ ઘણા જીવ લીધા. ઘણા પરિવારો બરબાદ થયાં. હૃદયને હચમચાવી નાંખે તેવી ઘટનાઓ રોજેરોજ સામે આવી રહી છે. આવી જ એક દુખદાયક ઘટના બિહારની છે જયાં એક માસૂમ બાળકી તેના પિતાને ગુમાવ્યા હતા. એક અહેવાલ મુજબ, ૮ વર્ષની માસૂમ બાળકી રોજની જેમ તેના પિતાને ઉઠાડી રહી હતી. તે વારંવાર માથા ઉપર હાથ ફેરવતી હતી અને કહેતી હતી – ઉઠો પપ્પા, તમે કયાં સુધી સૂઈ રહેશો. કોઈક વાર તે પોતાનું પેટ પકડીને ભૂખનું બહાનુ કરતી તો કોઇ વાર તેણે કંઈક બીજું કહીને તેના પિતાને ઉઠાડવાનો પ્રયત્ન કરતી રહી, પણ તેના પિતા ઉઠ્યા જ નહીં. દીકરી એક વખત ભૂખની વાત કરતી, તો પિતા તરત ઉભા થઈને બેસી જતા, પણ આ વખતે તે જાણતી નહોતી કે તેના પિતા હવે આ દુનિયામાં નથી.

જણાવવામાં આવ્યું કે જયારે કોઈ સંબંધીએ વીડિયો કોલ કર્યો, ત્યારે બાળકીના પિતાના મોતની માહિતી મળી હતી. જયારે ૮-વર્ષની માસૂમે કોરોના ટેસ્ટ કરાવતી વખતે આ સમગ્ર ઘટના વર્ણવી ત્યારે ડોકટરોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. માસૂમ બાળકી કોઇને કોઈ બહાનાથી તેના પિતાને ૧૬ કલાક સુધી ઉઠાડતી રહી પરંતુ તેના પિતા મોતની ચાદર લપેટીને સૂઇ ગયા છે.

અહેવાલ મુજબ, હિલસાના રહેવાસી પ્રભાતકુમાર (૪૫ વર્ષ) પટનાના પૂર્વ રામ કૃષ્ણ નગરના મધુબન કોલોની રોડ નંબર ૫ માં એન.ટી.પી.સી. ના મનોહર કુમારના દ્યરે ભાડે રહેતો હતો. પ્રભાત પટનાના રાજા માર્કેટમાં ગોસ્વામી નામના વ્યકિત સાથે હાર્ડવેરની દુકાન ચલાવતો હતો. પાડોશીઓના જણાવ્યા અનુસાર પ્રભાતકુમારના તેની પત્ની સાથેના સંબંધ બરોબર નહતા. છૂટાછેડા માટે પણ કેસ ચાલતો હતો. પ્રભાતને એક ૮ વર્ષની પુત્રી છે, તેનું નામ રાધા રાની છે, તે તેની પુત્રી સાથે પટનામાં રહેતો હતો.

પ્રભાતકુમારના મકાનમાલિક મનોહરના જણાવ્યા મુજબ, ઘણા દિવસોથી પ્રભાતની તબિયત લથડતી હતી. શરદી, ખાંસી અને તાવ હોવા છતાં કોરોના ટેસ્ટ ન કરાવ્યો. તે ખાનગી ડોકટર પાસેથી દવાઓ લઈ રહ્યો હતો, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. તેનું શરીર ખૂબ નબળું પડી ગયું હતું. મકાનમાલિક મનોહરે જણાવ્યું કે તે ડાયાબિટીસનો દર્દી પણ હતો.

ગુરુવારે, કોરોના ટેસ્ટ માટે હોટલ પાટલીપુત્ર અશોકમાં ગયેલી પુત્રી રાધા રાનીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, મોહલ્લાના લોકો દાવો કરી રહ્યા છે કે રાધાના પિતાને કોરાનાના બધા લક્ષણો હતા અને આ કારણે તેમનું મોત પણ થયું છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન, બિહારમાં કોરોના વાયરસના ચેપથી ૮૯ વધુ લોકોનાં મોત નીપજયાં, જેના કારણે રાજયમાં ગુરુવારે ૨૪૮૦ લોકોનાં મોત નીપજયાં. આ સાથે હવે રાજયમાં સારવાર હેઠળ આવતા દર્દીઓની સંખ્યા ૧૦૦૮૨૧ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારમાં બુધવારે સાંજે ૪ થી ગુરુવારે સાંજ ૪ વાગ્યા દરમિયાન કોરોના વાયરસના ચેપના ૧૩૦૮૯ નવા કેસ આવ્યા છે.

વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૪૫૪૪૬૪ પર પહોંચી ગઈ છે, જેમાંથી ૩૫૧૧૬૨ દર્દીઓ સાજા થયા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૯૨૬ દર્દીઓ સાજા થયા છે. આ મુજબ, બિહારમાં ગુરુવારે ૪૫ વર્ષથી ઉપરના ૮૭૧૮૮ લોકોએ કોવિડ -૧૯ ની રસી લીધી હતી અને રાજયમાં અત્યાર સુધી ૭૦૫૩૩૪૭ લોકોએ રસી લીધી છે.

(4:12 pm IST)