Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ઓકસીજન - વેકસીન - દવા મામલે સુપ્રીમ આકરાપાણીએ

કેન્દ્ર સરકારને પૂછયા સણસણતા સવાલો : વેકસીન અને દવા નહિ હોય તો કઇ રીતે કરશો દર્દીઓની સારવાર : સોશ્યલ મીડિયા પર કોરોના - બેડ - ઓકસીજનની ફરિયાદ ખોટી નથી : આવી પોસ્ટ પર કોઇ કાર્યવાહી ન થાય : FIR નોંધાશે તો કોર્ટનો અનાદર ગણાશે : આપણે લોકોનો અવાજ સાંભળવો જોઇએ : કોર્ટ

નવી દિલ્હી તા. ૩૦ : સુપ્રીમ કોર્ટમાં કોરોના મામલે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછયું કે જરૂરી દવાઓનું ઉત્પાદન અને વિતરણ સુનિશ્ચિત કેમ થઇ રહ્યું નથી ? કેન્દ્રએ સોગંદનામામાં કહ્યું છે કે, દર મહિને અંદાજે ૧ કરોડ ૩ લાખ રેમડેસિવિર ઉત્પાદન કરવાની ક્ષમતા છે પરંતુ સરકારે માંગ અને પુરવઠાની જાણકારી આપી હતી.

કોરોના મહામારીના આ દોરમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં ઓકસીજનની અછતથી અમે વાકેફ છીએ. કેન્દ્રની સરકાર હોય કે રાજ્ય સરકારો ઓકસીજનની અછતનો દાવો જરૂર કરી રહી છે પરંતુ મૂળ વાસ્તવિકતા કાંઇક બીજી જ છે.

રસીના નિર્માણમાં તેજી લાવવા માટે કેન્દ્રને તેના દ્વારા રોકાણ દેખાડવું જોઇએ. સુપ્રીમનું કહેવું છે કે અમે તે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જો નાગરિક સોશ્યલ મીડિયા પર તેમની ફરિયાદ નોંધાવે છે તો તેને ખોટી જાણકારી કહી શકાય નહી અમે જાણકારીની કોઇ કલેપડાઉન કરવા માંગતા નથી. જો કાર્યવાહી માટે એવી ફરિયાદો પણ વિચાર કરવામાં આવે તો અમે તેને કોર્ટની અવમાનના માનીશું.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કેન્દ્રએ ફાળવણીની રીત પણ જણાવી નથી. કેન્દ્રએ ડોકટરોને એ કહેવું જોઇએ કે રેમડેસિવિર અથવા ફેવિફલુની જગ્યાએ અન્ય ઉપયુકત દવાઓ પણ દર્દીને જણાવે. મીડિયા રીપોર્ટ જણાવી રહી છે કે આરટીપીસીઆરથી કોરોનાના નવા રૂપની જાણકારી મળી રહી નથી. તેમાં પણ અનુસંધાનની જરૂરીયાત છે.

તેની સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછયું કે તમે ૧૮-૪૫ વર્ષના લોકોને રસીકરણની યોજના જણાવો. શું કેન્દ્ર પાસે કોઇ હિસાબ છે ? જેનાથી વેકસીનના ભાવ એક સમાન રાખવામાં આવે ? કેન્દ્ર સરકારે પણ જણાવું પડશે કે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટયૂટને કેટલું ફંડ આપ્યું છે.

જસ્ટિસ ડી વાઇ ચંદ્રચુડે કહ્યું કે મેં ગાજીયાબાદમાં ગુરૂદ્વારા લંગર વિશે વાંચ્યું. લોકો ચેરીટી કરી રહ્યા છે પરંતુ ફકત અમે ચિરીટી સુધી બાકી ન રાખી શકીએ. વેકસીનનું મુખ્ય નિર્ધારણનો મુદ્દો અસાધારણ રીતે ગંભીર છે. આજે તમે જણાવો છો કે કેન્દ્રને પ્રદાન કરેલા ૫૦ ટકા વેકસીનનો ઉપયોગ ફ્રન્ટલાઇન શ્રમિકો અને ૪૫થી વધુ ઉંમરના વર્ગના રસીકરણ કરવામાં આવશે. બાકીના ૫૦ ટકા રાજ્યો દ્વારા ઉપયોગ કરવામાં આવશે. ૫૯.૪૬ કરોડ ભારતીય ૪૫ વર્ષથી ઓછા છે. તેમાંથી અનેક ગરીબ અને હાંસીયા પર છે. તેમને વેકસીન ખરીદવા માટે પૈસા કયાંથી મળશે ?

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે અમને ખબર છે કે કેટલી રસી ઉત્પન્ન થાય છે, પરંતુ તમારે ખાતરી કરવી જરૂરી છે કે તમે ઉત્પાદન વધારશો. વધારાના ઉત્પાદન એકમો ઉમેરવા માટે લોક કલ્યાણ શકિતનો ઉપયોગ કરવાની જરૂર છે, રાજયો અને કેન્દ્રની ટીકા કરવાનો વિચાર નથી, આપણે જાણીએ છીએ કે આરોગ્ય માળખાગત વારસાગત છે, પરંતુ આપણે આપણા રાષ્ટ્રના સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ.

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે અમે નાગરિકોને ઓકિસજન સિલિન્ડરો માટે રડતો અવાજ પણ સાંભળ્યો છે, હકીકતમાં દિલ્હીમાં ઓકિસજન મળતું નથી, તે જ સ્થિતિ ગુજરાત, મહારાષ્ટ્રમાં છે. તમારે ભવિષ્યમાં અમને કહેવું પડશે કે હવે પછીની સુનાવણી અને આગળ શું સારું થયું ?

આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જે લોકો સોશ્યલ મીડિયા પર ઓકિસજન, બેડ, દવાઓ વગેરે પોસ્ટ કરે છે તેમના પર કોઈ પગલા લેવામાં આવશે નહીં, કોઈ નાગરિક દ્વારા સોશ્યલ મીડિયા પર મુકેલી માહિતી પર કોઈ સરકાર પગલા લેશે નહીં. કોર્ટે કહ્યું કે જો તે અફવા ફેલાવવાના નામે કાર્યવાહી કરે તો તે તિરસ્કારનો કેસ ચલાવશે.

(3:14 pm IST)