Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

શું કહે છે ડોકટરો? શું સલાહ છે?

રસીનો પહેલો ડોઝ લીધા પછી કોરોના થઈ જાય તો બીજો ડોઝ કયારે લેવો જોઈએ?

નવી દિલ્હી, તા.૩૦: કોરોનાને કારણે દેશ અત્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. રસીકરણની પ્રક્રિયા આ કોહરામને અટકાવે તેવી એક આશા છે. ઘણાં લોકો એવા છે જે અત્યાર સુધી કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ ચૂકયા છે અને પહેલો ડોઝ લીધા પછી સંક્રમિત થયા છે. આ પરિસ્થિતિમાં ઘણાં લોકોમાં એવી ગેરસમજ ઉભી થાય છે કે, રસી લીધા પછી કોરોના પોઝિટિવ થાય તો બીજો ડોઝ છોડી દેવો જોઈએ. આ બાબતે નિષ્ણાંતો શું જણાવે છે તે વાંચો.

SGPGIના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ પ્રોફેસર ઉજ્જવલા ઘોષાલનું કહેવું છે કે જો તમે અથવા તમારા સ્વજનોમાંથી કોઈ એવી વ્યકિત છે જેને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય અને પછી તરત તે કોરોનાથી સંક્રમિત થયું હોય તો પણ જેણે બીજો ડોઝ ચોક્કસપણે લેવો જોઈએ. જો કે કોરોના સંક્રમિત વ્યકિતને બીજો ડોઝ ત્યાં સુધી આપવામાં નથી આવતો જયાં સુધી તે સંપૂર્ણપણે સ્વસ્થ ના થઈ જાય.

આ પરિસ્થિતિમાં દર્દીએ પહેલા સંપૂર્ણપણે સાજા થઈ જવું જોઈએ પછી કોરોનાની રસીનો બીજો ડોઝ લેવો જોઈએ. નિષ્ણાંતોનું કહેવું છે કે ભલે કોરોનાથી રિકવર થનાર વ્યકિતમાં અમુક એન્ટીબોડી બની ગઈ હોય. પરંતુ તેણે વેકિસનનો બીજો ડોઝ લેવો જોઈએ.. માત્ર રસીની મદદથી જ શરીર સંપૂર્ણપણે એન્ટીબોડી પ્રાપ્ત કરી શકે છે. જે લાંબા સમય સુધી તમને ફરીથી વાઈરસની ચપેટમાં આવવાથી બચાવી શકે છે.આ સિવાય નિષ્ણાંતોની સલાહ છે કે જે રસીનો પહેલો ડોઝ લીધો હોય, તે જ કંપનીની રસીનો બીજો ડોઝ પણ લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ભારતમાં બે પ્રકારની રસી આપવામાં આવી રહી છે. એક છે ભારત બાયોટેકની કો-વેકસીન અને બીજી છે કોવી શીલ્ડ, જે સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે તમે બન્ને ડોઝ કોવિશીલ્ડના લો અથવા બન્ને ડોઝ કો-વેકિસનના લો.

રસીકરણના બન્ને ડોઝ વચ્ચે અમુક અઠવાડિયાઓનું અંતર રાખવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન જો તમને કોરોના થઈ જાય તો ડરવાની જરૂર નથી. રિકવર થયા પછી તમે બીજો ડોઝ લઈ જ શકો છો. કોરોનાની રસી અને દવાઓને લગતા તમામ નિર્ણયો ડોકટરની સલાહ અનુસાર લેવા જોઈએ. ભ્રામક વાતોમાં આવીને નિર્ણયો લેવા હાનિકારક સાબિત થઈ શકે છે.

(11:52 am IST)