Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

એશિયન વિકાસ બેંકનું તારણ

ભારતનો વિકાસ દર ૧૧ ટકા રહેશે : કોરોનાની બીજી લહેરથી આર્થિક રીકવરી ખતરામાં પડશે

નવી દિલ્હી તા. ૩૦ : એશિયાઇ વિકાસ બેંક (એડીબી)એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતીય અર્થવ્યવસ્થાના ૧૧ ટકા વિકાસદરનો અંદાજ મુકયો છે. બેંક અનુસાર આગામી નાણાકીય વર્ષમાં આ વિકાસદર ૭ ટકા રહેશે. એડીબીએ બુધવારે કહ્યું કે, દેશમાં રસીકરણ અભિયાન જોરદાર ચાલી રહ્યું છે, જેનાથી અર્થવ્યવસ્થામાં સુધારાને જોર મળ્યું છે. જો કે બેંકે એ પણ કહ્યું છે કે કોરોનાની બીજી લહેરથી દેશની આર્થિક રીકવરી જોખમમાં પડી શકે છે.

એશીયન ડેવલપમેન્ટ આઉટ લુક (એડીઓ) ૨૦૨૧માં બેંકે કહ્યું કે, આવતા વર્ષના ૩૧ માર્ચે પુરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસદર ૧૧ ટકા રહેવાનો અંદાજ છે. તેનું મુખ્ય કારણ છે ઝડપભેર ચાલી રહેલું રસીકરણ અભિયાન. પણ કોરોના સંક્રમણના કેસોમાં આવેલ ઉછાળાએ રીકવરીની ઝડપને જોખમમાં મુકી દીધી છે. એડીબીએ આ વર્ષે ચીનનો વિકાસદર ૮.૧ ટકા અને આગામી વર્ષે ૫.૫ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. બેંકનું કહેવું છે કે ચીનના નિવકાસના આંકડા બહુ જોરદાર છે અને ઘરેલુ માંગ પણ ઝડપથી વધી રહી છે જેનો લાભ તેને મળશે. એડીબીનું કહેવું છે કે દક્ષિણ એશિયાનો વિકાસદર આ વર્ષે ૯.૫ ટકા રહેવાનું અનુમાન છે. આ વિસ્તારના આર્થિક વિકાસદરમાં ૨૦૨૦માં ૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

(11:51 am IST)