Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

'ચડે પડે તોય લડે પણ હારે નહિ, એ માણસ જાત' - શબ્દો વડે માનસિક સ્વાસ્થ્ય મજબુત કરવા અનોખી પહેલઃ સકારાત્મક ઉર્જા ભરે એવા લાગવા લાગ્યા બેનરો

હાલના સમયમાં કોરોના કરતા કોરોનાનાં ડરના કારણે કેટલાય લોકો આદ્યાતમાં આવીને બાદમાં કોરોના સંક્રમિત થઈને મરી રહ્યા છે. કોરોનાના આ કહેરથી બચવા માટે સૌપ્રથમ માનસિક સ્થિતિ સુધારવાની જરૂર છે. વ્યકિત માનસિક રીતે સ્વસ્થ હશે તો કોરોનામાં અડધી બાજી આપોઆપ જીતી જાય છે. લોકોને માનસિક રીતે મજબૂત બનાવવા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરતા માનવતા ગ્રુપ દ્વારા ભાભર શહેરના મુખ્ય માર્ગો પર સકારાત્મક ઉર્જા ભરે એવા બેનરો લગાવવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવાના હેતુસર માનવતા ગ્રુપ ભાભર દ્વારા એક નવી પહેલ શરૂ કરાઇ છે. સામાન્ય રીતે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘણા લોકો માનસિક રીતે ભાંગી પડે છે, તે સમયે તેઓને હિંમત, માનસિક હૂંફની ખૂબ જ જરૂર પડે છે, ત્યારે આવી સ્થિતિમાં લોકોનું મનોબળ મજબૂત બને તે માટે માનવતા ગ્રુપ દ્વારા ભાભરમાં બેનરોમાં શબ્દો વડે માનસિક સ્વાસ્થ્ય મજબુત બને એવા પ્રયત્નો કર્યા છે. 'હું જીતીશ કારણ કે હું આવી અનેક લડતો જીતી ચુકયો છું', 'આભને ટેકો દેવાની તાકાત રાખું છું', 'ભૂલતી નહીં ઓ મુસીબત, હું માણસ છું', 'હું પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છું', 'મને ઇશ્વરે શકિતઓ પ્રદાન કરી છે,' 'એમ થાકી હારી બેસુ શેનો, જીતુ નહીં તો હું માણસ શેનો', 'ચડે પડે તોય લડે પણ હારે નહી, એ માણસની જાત' આવા અનેક પ્રેરણા આપતા સંદેશા સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે. આ સંદેશા સાથેના બેનરો ભાભરની સોસાયટીના ગેટ પર, સર્કલ પર, આઇસોલેશન વોર્ડમાં, સ્મશાન ભૂમિમાં, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થાનો, હોસ્પિટલો સહિત વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા છે. આ સંદેશા સાથેના બેનરો ભાભરની સોસાયટીના ગેટ પર, સર્કલ પર, આઇસોલેશન વોર્ડમાં, સ્મશાન ભૂમિમાં, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થાનો, હોસ્પિટલો સહિત વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા છે. આ બેનરો વાંચીને પણ લોકોનો મનોબળ મજબૂત બનશે એવો ગ્રુપને વિશ્વાસ છે. કોરોનાથી બચવા માટે સૌપ્રથમ વેકિસન,  મજબૂત મનોબળ અને સકારાત્મક વિચારો હોવાનું ડોકટરો પણ કહે છે. તેથી આ સંદેશાઓ કંઇક અંશે પોઝિટિવ ઊર્જા ભરશે તેમ માનવતા ગ્રુપનું માનવું છે.

(11:49 am IST)