Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મેના મધ્ય સુધીમાં ઓકસીજનની અછત દૂર થશે

૨૫ ટકા પ્રોડકશન વધશેઃ ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા પણ મજબૂત બની જશે

નવી દિલ્હી, તા. ૩૦ :. કોરોનાની બીજી લહેરે ભારતને હલબલાવી નાખ્યુ છે. હોસ્પીટલોમાં ભારે ભીડ છે અને દર્દીઓને બેડ માટે રાહ જોવી પડે છે. મેડીકલ ઓકસીજન અને જીવન રક્ષક દવાઓની અછતને કારણે અનેક દર્દીઓના જીવ ચાલ્યા ગયા છે. એટલુ જ નહિ પોતાના સ્વજનોના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. જો કે સરકારે તેને નિપટવા માટે પોતાની તાકાત લગાવી છે અનેક દેશો ભારતની મદદે પણ આવ્યા છે. ભારત સરકારે દુનિયાના અનેક દેશોમાંથી ઓકસીજન સહિતની ચીજવસ્તુઓ મંગાવી છે. આશા છે કે મેના મધ્ય સુધીમાં ભારતમાં મેડીકલ ઓકસીજનના પુરવઠાનું સંકટ સમાપ્ત થઈ જશે. એક ટોચના ઉદ્યોગે જણાવ્યુ છે કે ઉત્પાદનના ૨૫ ટકાની વૃદ્ધિની સંભાવના છે. સાથોસાથ પરિવહનનું માળખુ મજબૂત થવાથી ઓકસીજનની ડીમાન્ડનો સામનો કરવો ભારત સજ્જ છે.

નવી દિલ્હી, મુંબઈ સહિત અનેક શહેરોમાં ઓકસીજનની અછત જોવા મળી હતી. હાલ ડીમાન્ડ ૮ ગણી વધી ગઈ છે. રોજ ૯૦૦૦ ટનથી વધુ ઓકસીજન ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થઈ જશે.

ઉદ્યોગના કહેવા મુજબ મેના મધ્ય સુધીમાં આપણી પાસે ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા. હશે જે ડિમાન્ડ પુરી કરવામાં મદદરૂપ બનશે. ભારત ૧૦૦ ક્રાયોજેનીક કન્ટેનરની આયાત કરી રહ્યુ છે. દરેકમાં ૮૦થી ૧૬૦ ટન ઓકસીજન પહોંચાડી શકાશે.

(10:50 am IST)