Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ભારતની સ્થિતી વધુ બિહામણી થશે ?

એક અનુમાન મુજબ દેશને ૫ લાખ ICU બેડ તથા ૩.૫૦ લાખ તબીબી સ્ટાફની જરૂર પડશે

નવી દિલ્હી,તા.૩૦: સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબીત થઇ રહી છે અને ભારત હાલ કોરોનાનું એપિસેન્ટર બની ગયું છે. દિન પ્રતિદીન કોરોનાના કેસના આંકડાઓ જે રીતે સામે આવી રહ્યા છે તેને લઇને દેશમાં ઓકિસજન, ઇન્જેકશન અને બેડ્સની અછત સર્જાઇ છે. દેશની હાલની કોરોનાની પરિસ્થિતિનું આંકલન કરી એકસપર્ટે ચેતવણી આપી છે તે અનુસાર આગામી કેટલાક અઠવાડીયામાં વધારાના ૫ લાખ આઇસીયુ બેડ્સની જરૂરત પડશે.

વિખ્યાત સર્જન ડો. દેવીપ્રસાદ શેટ્ટીનું કહેવું છે કે હાલની કોરોનાની લહેરને જોતા આગામી અઠવાડીયામાં ૫ લાખ ઓકિસજન બેડ્સ સાથે ૨ લાખ નર્સ અને દોઢ લાખ ડોકટર્સની પણ જરૂર પડશે. ભારત પાસે હાલમાં ૭૫ થી ૯૦ હજાર જેટલા આઇસીયુ બેડ્સ છે જેમાંના મોટાભાગના ભરાઇ ગયા છે અને હજુ કોરોનાની પીક આવવાની બાકી છે. હાલ ભારતમાં ટેસ્ટીંગ ઓછું થઇ રહ્યું છે છતાં દરરોજ ૧૦-૧૫ લાખ કોરોના પોઝિટિવ લોકો સામે આવી રહ્યા છે એવામાં નવા બેડ્સની વ્યવસ્થા યુદ્ઘના ધોરણે થાય તે જરૂરી છે. ડો. શેટ્ટીએ વધુમાં જણાવ્યું કે આવી સ્થિતિ નર્સ અને ડોકટર્સની સંખ્યામાં પણ વધારો થાય તે જરૂરી છે.

જોય ભટ્ટાચાર્ય નામના બુદ્ઘિજીવીએ જણાવ્યું હતું કે, દેશમાં રસીકરણની કામગીરી માટે ૩૦,૦૦૦ કરોડની જરૂર પડે, જયારે આપણો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ ૨૦,૦૦૦ કરોડનો છે. તેમણે એવું પણ જણાવ્યું કે, એવી કયાંય જોગવાઈ ન હોવી જોઈએ કે દેશના નાગરિકો નક્કી કરી શકે કે તેમની મહેનતની કરવેરાની રકમ સરકાર દ્વારા કેવી રીતે ખર્ચી શકાશે. લોકોએ એવું નક્કી ન કરી શકે કે તેમણે જે રકમ વેરારૂપે સરકારને આપી છે તે રસી બનાવવામાં વપરાય કે પછી નવી બિલ્ડિંગો બનાવવામાં.

(10:24 am IST)