Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

મોદીની ઉમેદવારી રદ કરોઃ ટીએમસી ફરિયાદ લઇને ચૂંટણીપંચ પાસે પહોંચ્યું

૪૦ સભ્યો સંપર્કમાં છે એ નિવેદન ખરીદ - વેચાણને પ્રોત્સાહન આપે છે

કોલકત્તા તા. ૩૦ : તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) દ્વારા વડાપ્રધાન મોદી વિરુદ્ઘ ચૂંટણીપંચમાં ફરિયાદ કરવામાં આવી છે અને વડાપ્રધાનની ઉમેદવારી રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ટીએમસીના ૪૦ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તે તમામ ભાજપમાં જોડાઈ જશે. ટીએમસીએ આરોપ મુખ્યો છે કે, વડાપ્રધાનનું આ નિવેદન ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખરીદ-વેંચાણને પ્રોત્સાહન આપે તેવું છે.

પીએમ મોદીએ બંગાળના સેરમપુરમાં આયોજિત રેલીમાં કહ્યું હતું કે, દીદી આપની જમીન ખસકી ચૂકી છે અને જોઈ લેજો ૨૩ મેના રોજ પરિણામ આવશે તો આપના ધારાસભ્યો પણ આપને છોડીને ભાગી જશે. આજે પણ આપના ૪૦ ધારાસભ્યો મારા સંપર્કમાં છે.

વડાપ્રધાને કહ્યું કે, દીદી તમે વિશ્વાસઘાત કર્યો છે, આજે જે પશ્યિમ બંગાળમાં ગુસ્સો છે તે આપના વિશ્વાસઘાતનો છે અને આ વિશ્વાસઘાતની કિંમત અહીંના યુવાઓ લઈને રહેશે. જનતાની આંખોમાં એક જ સપનું જોવા મળી રહ્યું છે. જનતાના દિલમાં એક જ સંકલ્પ છે અને તે છે- ચૂપે-ચાપ કમલ છાપ, ચૂપે-ચાપ કમલ છાપ.

(3:59 pm IST)