Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

વેપારીઓના ર૦૧પ- ૧૬, ૧૬-૧૭ના વાર્ષિક ટર્નઓવરના ડેટા મેચ કરાશે

મુંબઇ, તા. ૩૦ : વેપારીઓ દ્વારા સર્વિસ ટેકસ અને ઇન્કમટેકસના રિટર્નમાં અલગ અલગ ટર્નઓવર બતાવીને કરચોરી કરતા હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમ્સ વિભાગને ધ્યાને આવતા વર્ષ ર૦૧પ-૧૬ અને વર્ષ ર૦૧૬-૧૭ના સર્વિસ ટેકસના અને ઇન્કમટેકસના રિટર્નનના ડેટા મેચ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે.

૧ જુલાઇ ર૦૧૭થી જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. તે પહેલા સર્વિસ ટેકસ લાગુ હોવાથી વેપારીઓએ સર્વિસ ટેકસ અને વેટના રિટર્ન ભરવા પડતા હતા. તેમાં પણ વેપારીઓ સર્વિસ ટેકસમાં સમગ્ર વર્ષ દરમિયાન કરેલા ટર્નઓવરના આંકડા અને ઇન્કમટેકસ ભરતી વખતના આંકડા અલગ અલગ દર્શાવ્યા હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમને ધ્યાને આવ્યું હતું. તેના કારણે જીએસટી લાગુ થયા તે પહેલાના સર્વિસ ટેકસ અને ઇન્કમટેકસના રિટર્નના ડેટા મેચ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે.

પાન નંબરના આધારે તપાસ કરાશે

વેપારીએ સર્વિસ ટેકસ અને ઇન્કમટેકસમાં રિટર્ન ભરતી વખતે પાન નંબર આપ્યા હશ આ પાન નંબરના આધારે સર્વિસ ટેકસ અને ઇન્કમટેકસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે જેથી વેપારીઓએ એક જગ્યાએ ઓછું ટર્નઓવર દર્શાવીને ટેકસ ચોરી કરી હશે તો તે માટે દંડ સહિતની રકમ ભરવા માટે આગામી દિવસોમાં નોટીસ અપાશે.

ટર્નઓવરમાં ૧ર હજાર કરોડના ગેપના કારણે તપાસ

સર્વિસ ટેકસ અને ઇન્કમટેકસમાં વેપારીઓએ જે ટર્નઓવરના આંકડા દર્શાવ્યા છે. તેમાં વર્ષ ર૦૧પ-૧૬ અને ર૦૧૬-૧૭માં ૧ર હજાર કરોડનો તફાવત ટર્નઓવરમાં આવે છે તેના કારણે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સર્વિસ ટેકસમાં છેલ્લા ચાર વર્ષના રિટર્નની જ તપાસ થઇ શકતી હોય છે. જયારે ત્યાર પછીના કેસની તપાસ કરવામાં આવતી નથી. જયારે કોર્ટ કેસ હોય તો તેની તપાસ કેસ પત્યા બાદ થતી હોય છે.

(11:59 am IST)