Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના મહામારી વચ્ચે તમામ બેન્ક અને એટીએમ ખુલ્લા રહેશે

કોરોનાના ચેપથી બચાવવા માટે બ્રાંચો બંધ કરી રહી હોવાની વાતને નાણા મંત્રીએ પાયવોહોની ગણાવી : સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે પણ તમામ બેંક તેમજ એટીએમ ખુલ્લા રહેશે.તેમ નાણામંત્રી નિર્મલા સીતારામણએ જણાવ્યું હતું સાથે જ તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે જ્યાં પણ જરૂર લાગી રહી છે ત્યાં સેનિટાઇઝર પૂરું પાડવામાં આવી રહ્યું છે.

          આજે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરતા નિર્મલા સીતારમણે લખ્યું છે કે, "તમામ બેંકો એ વાતનો ખાસ ખયાલ રાખે કે તેની તમામ બ્રાંચ અને એટીએમ ખુલ્લા રહે. બેંકો એ વાતની પણ ખાતરી કરે કે તેમના એટીએમમાં પૈસા ભરેલા હોય અને તે ચાલુ સ્થિતિમાં હોય. બેંક કૉરસપૉન્ડન્ટ્સ સક્રિય બન્યા છે."
        અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બીજી વખત આવો ખુલાસો કર્યો છે કે બેંક અને એટીએમ ખુલ્લા જ રહેશે. આ પહેલા એવા અહેવાલો વહેતા થયા હતા કે બેંકો તેમના કર્મચારીઓને સુરક્ષિત રાખવા માટે પોતાની કેટલીક બ્રાંચો બંધ કરી શકે છે. અમુક કિલોમીટરના અંતર પર જ બ્રાંચો ખુલ્લી રાખી શકે છે.
          આ પહેલા ગુરુવારે નાણા મંત્રીએ એવા રિપોર્ટને નકારી દીધા હતા કે કોરોના વૈશ્વિક મહામારીને પગલે મોટાભાગની બેંકો પોતાની બ્રાંચો બંધ કરી રહી છે.
  નાણામંત્રીનો આ ખુલાસો ન્યૂઝ એજન્સી રોઇટર્સના એવા રિપોર્ટ બાદ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બેંકોના પ્રતિનિધિઓ પોતાના કર્મચારીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે મોટાભાગની બ્રાંચો બંધ કરી દેવાની વિચારણ કરી રહ્યા છે. રોઇટર્સે સૂત્રોના હવાલેથી પોતાના રિપોર્ટમાં ટાંક્યું હતું કે શહેરી વિસ્તારોમાં દર પાંચ કિલોમીટર પર એક બ્રાંચ ખુલ્લી રહે તેવી યોજના પર વિચારણા ચાલી રહી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બેંકો દર એક દિવસ ચાલુ અને એક દિવસ બંધ રહેશે.
         આ અંગે નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, બેંકોને ખાસ કહેવામાં આવ્યું છે કે તેઓ તમામ બ્રાંચો અને એટીએમ ચાલુ રાખે. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર પી.કે. ગુપ્તાએ પણ આવા અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ યોજના નથી. આ વાત પાયાવિહોણી છે.

(10:57 pm IST)