Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથે મનરેગા હેઠ આવતા મજૂરોને આર્થિક મદદ કરીઃ ૨૭.પ લાખ બેન્ક ખાતામાં ૬૧૧ કરોડ ટ્રાન્સફર કર્યા

લખનઉ: કોરોના વાયરસ પર આમ તો કાબુ મેળવી શકાય નથી પરંતુ તેના કારણે આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદ માટે સરકાર તત્પર છે. ભારત સરકાર જ્યાં મોટા રાહત પેકેજની જાહેરાત કરી ચૂકી છે ત્યાં પીએમ રાહત કોષની મુહિમ ચલાવીને પણ લોકો પાસે મદદ માંગી રહી છે. જ્યારે રાજ્ય સરકારો પણ લોકોને લઈને જાગૃત જોવા મળે છે. અનેક પગલાં લેવાયા છે. ભારત સરકારની સાથે સાથે અનેક રાજ્ય સરકારો પણ ગરીબ વર્ગના લોકો માટે કામ કરી રહી છે. આ જ કડીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અગાઉ રાહત પેકેજની જાહેરાત કરી હતી. અને હવે આજે તેમણે મનરેગા હેઠળ આવતા મજૂરોને આર્થિક મદદ કરી છે. યોગીએ લગભગ 27.5 લાખ મનરેગા મજૂરોના બેંક ખાતામાં ડાઈરેક્ટ 611 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. યોગીએ આ રકમ એટલા માટે ટ્રાન્સફર કરી કારણ કે જેથી કરીને આવા કપરા સમયમાં તેમને જરૂરિયાતની વસ્તુઓ મળી શકે.

એટલું જ નહીં યોગીએ આર્થિક મદદ બાદ મનરેગા લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી. તેમને આ યોજના સંબંધિત જાણકારીઓ આપી. ત્યારબાદ યોગી આદિત્યનાથે આજે અધિકારીઓ પાસેથી નોઈડામાં કોરોના સંક્રમિત દર્દીઓની સ્થિતિ અંગે જાણકારી પણ મેળવી. અત્રે જણાવવાનું કે યુપીના નોઈડામાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યાં છે.

અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે મનરેગા મજૂરોની મજૂરી 182 રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરી નાખી છે. વધેલી મજૂરી મુજબ જ યોગી સરકારે મનરેગાના મજૂરોને પૈસા ટ્રાન્સફર કર્યાં છે. લોકડાઉનના કારણે મજૂરોને ખાસી મુશ્કેલી પડી રહી છે. રોજબરોજની જરૂરિયાતો માટે તેઓને ફાંફાં પડી ગયા છે.

(5:00 pm IST)