Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકોનું પલાયન રોકવું જ પડશે, કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરો લોકોમાં ડર અને અફડાતફડીના માહોલનોઃ સુપ્રિમ કોર્ટે કેન્‍દ્ર સરકાર પાસે એફિડેવિટ દાખલ કરીને ઉઠાવાયેલા પગલાની જાણકારી માંગી

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું સજ્જડ લોકડાઉન છે. આ બધા વચ્ચે કોરોના સામે યુદ્ધ સ્તરે લડાઈ લડી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે મજૂરોનું પલાયન એક મોટી મુસીબત બની ગઈ છે. મજૂરોના પલાયન મામલે સુનાવણી કરતા સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોનું પલાયન રોકવું જ પડશે.

દિલ્હીથી પલાયન કરતા મજૂરોને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગણી પર આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરો લોકોમાં ડર અને અફરાતફરીના માહોલનો છે. કોર્ટે કેન્દ્ર પાસે એફિડેવિટ દાખલ કરીને સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાની જાણકારી માંગી છે.

કોર્ટે કહ્યું કે અમે આ અરજીને વિરોધાત્મક માનતા નથી. પરંતુ આ અરજીનો એ પ્રકારે પ્રચાર ન થવો જોઈએ કે કોર્ટ પલાયનને મંજૂરી આપવા માટે કોઈ તરકીબ કાઢશે. પલાયનને તો રોકવું જ પડશે. જેના પર હવે આગામી સુનાવણી મંગળવારે થશે.

અત્રે જણાવવાનું કે અરજીમાં પલાયન કરી રહેલા મજૂરોને ભોજન અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગણી કરવામાં આવી છે. આ સાથે જ બધાને તરત સરકારી ઈમારતોમાં આશ્રય આપવાની માગણી પણ અરજીમાં કરાઈ છે.

(4:57 pm IST)