Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પાકિસ્તાનના ડોકટરોની હાલત તો જુઓ, પોલીથીન પહેરી દર્દીઓની સારવાર કરે છે

તબીબોને જ સંક્રમણ લાગશે તો દર્દીઓની સારવાર કોણ કરશે, ડોકટરોની વેદના સાંભળવાવાળુ કોઈ નથી : નર્સ પાસે ગ્લોઝ, માસ્ક કે સેનેટાઈઝર પણ નથી

નવી દિલ્હી : કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં ૧૫૦૦થી વધારે લોકોનો કોરોના વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને તેમાં ૧૨ લોકોના મોત થઇ ચુકયા છે. કોરોના વાયરસના આટલા કેસ વધતા હોવા છતાં પણ પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી ત્યાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું નથી. મહત્ત્વની વાત એ કહી શકાય કે હાલ પાકિસ્તાનમાં તમામ સરકારી હોસ્પિટલો ભગવાન ભરોસે ચાલી રહી છે કારણ કે, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતાં ડોકટરો પાસે માસ્ક, ગ્લોઝ અને સેનેટાઇઝરની સુવિધાઓ આપવામાં આવી નથી. સ્થાનિક ડોકટરે પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, અમે માથા પર અને હાથ પર પોલીથીન પહેરીને લોકોની સારવાર કરી રહ્યા છીએ એટલું જ નહીં ડાઙ્ખકટરે તેમના આવી રીતે દર્દીની સારવાર કરતાં ફોટાઓ લોકો સાથે શેર કર્યા હતા.  પાકિસ્તાનમાં ડોકટર અને નર્સની હાલત ખૂબ જ કફોડી છે. સ્થાનિક ડોકટર આમિર અલી ખાને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશ કોરોનાથી કેવી રીતે બચી શકશે કારણ કે દવા તો દૂરની વાત છે અહીં ડોકટર અને નર્સ પાસે ગ્લોઝ, માસ્ક અને સેનેટાઇઝર પણ નથી. આ પરિસ્થિતિમાં ડોકટર હાથમાં અને માથામાં પોલીથીન પહેરીને દિવસમાં ૪૦થી વધારે દર્દીઓને સારવાર કરવા મજબૂર બન્યા છે.

આ બાબતે ડોકટરે લોકલ અધિકારીને ઘણા પત્રો લખ્યા છે પરંતુ તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે ડોકટરે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે અમને સૌથી મોટા જોખમમાં મૂકી દીધા છે. ડોકટરોને કોરોનાનું સંક્રમણ લાગશે તો દર્દી સારવાર કોણ કરશે. આ પ્રશ્ન ખુબ ગંભીર છે અને ડોકટરોની વેદના સાંભળવા વાળુ કોઈ નથી.

(4:20 pm IST)