Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

શ્રીનગરના વૃદ્ધના મોત બાદ દારૂલ ઉલૂમ દેવબંદ ઉપર નજરઃ મસ્જીદ સીલ કરાઇ

નવી દિલ્હી તા. ૩૦: એશિયાની અંદર સૌથી મોટા મદ્રેસા તરીકે ગણાતા દારૂલ ઉલૂમ દેવબંદમાં તબ્લીગ જમાતના પ્રચારકો દ્વારા કોરોના વાયરસ પહોંચી ગયો હોવાની શંકાથી દારૂલ ઉલૂમ દેવબંદના અનેક વિદ્યાર્થીઓ દેખરેખ હેઠળ છે.

ગત ર થી ર૦ માર્ચ દરમિયાન મલેશિયા અને ઇન્ડોનેશિયાથી દેવબંદ આવેલા તબ્લીગ જમાતના ૪૦ જેટલા પ્રચારકોના સંપર્કમાં આવેલા પૈકી કેટલાક પરિવાર અને વિદ્યાર્થીઓ દેવબંદ મદ્રેસામાં પઢે છે અને મોહંમદી મસ્જીદ આસપાસ રહે છે.

કાશ્મીરની ખીણમાં રહેતા ૬પ વર્ષના એક વૃદ્ધનું કોરોનાના લીધે મોત થયું છે. શ્રીનગરના આ વૃધ્ધે થોડા દિ' પહેલાં જ દેવબંદની મસ્જીદમાં યોજાયેલ મોટા પ્રસંગમાં ભાગ લીધો હતો આ ધાર્મિક પ્રસંગમાં ઘણા લોકો હતા જે પૈકી ૧૦ની ઓળખ થઇ છે જેમના ટેસ્ટ કરી સહાર નજીરમાં કવોરન્ટાઇન રખાયા છે.

સહારનપુરના કમિશ્નર સંજયકુમારે કહ્યા મુજબ દેવબંદની મસ્જીદને સીલ કરી દેવાઇ છે તેની આસપાસના એક કી.મી.ના વિસ્તારના મકાનો, દુકાનો, સ્કુલોને નિગરાનીમાં રખાયા છે. જે કાશ્મીરી વૃદ્ધનું કોરોનાના લીધે મૃત્યુ થયું છે તે પોતાની પાછળ જેને મળ્યો તેની સાંકળ રચી ગયો છે જેથી તેના પરિવાર, ડોકટર્સ તમામમાં સંક્રમણથી આશંકા છે. જો કે કાશ્મીરમાં જ તેના સંપર્કમાં આવેલા ૧૧ લોકોના રીપોર્ટ પ્રોઝીટીવ આવેલ છે અને ૭૦થી વધુને કોરોન્ટાઇન કરાયા છે.

કાશ્મીરી વૃદ્ધના મોતના લીધે ઉત્તર પ્રદેશ તંત્ર એલર્ટ થઇ ગયું છે કેમકે, આ વૃદ્ધ દેવબંદની મોહંમદી મસ્જીદમાં થોડા દિ' પહેલાં આવીને રહ્યો હતો.

(3:57 pm IST)