Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

૨૧ દિવસના લોકડાઉનમાં દિલ્હીમાં બે - બે સરકારો ન ચાલે

કેજરીવાલ સરકારને સસ્પેન્ડ કરીને સૈન્યની મદદ લો : ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની સ્પષ્ટ વાત

નવી દિલ્હી તા. ૩૦ : ભાજપાના સીનીયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકતા કહ્યું છે કે ૨૧ દિવસના લોકડાઉનના બાકીના દિવસોમાં આપણે દિલ્હીમાં બે - બે સરકારો સહન ન કરી શકીએ. એટલે દિલ્હી સરકારને સસ્પેન્ડ કરવી જોઇએ અને બધા લોજીસ્ટીક સૈન્યને સોંપી દેવા જોઇએ. સ્વામીએ ટવીટમાં આગળ કહ્યું 'દિલ્હી પોલિસ રાજ્યમાં ગુનાના કેસો જોવાની સાથે લશ્કરને લોજીસ્ટીક સપોર્ટમાં પણ મદદ કરી શકે છે. આખરે તો દિલ્હી દેશની રાજધાની અને દેશને રાષ્ટ્રીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનું કેન્દ્ર છે.'

સ્વામીએ કેજરીવાલ પર આ હુમલો એવા સમયે કર્યો છે. જ્યારે ભાજપા નેતાઓ પહેલા જ કેજરીવાલ પર લોકડાઉન દરમિયાન રોજમદાર મજૂરોને દિલ્હીમાં ન રોકી શકવા અને ડીટીસી બસો દ્વારા જાણી જોઇને ઉત્તરપ્રદેશ બોર્ડર પર ભીડ એકઠી કરવાનો આક્ષેપ મુકી ચૂકયા છે. સોશ્યલ મીડિયા પર લોકોનું કહેવું છે કે દિલ્હીમાં રહેતા પ્રવાસી મજૂરોને ન રોકીને કેજરીવાલ બીજા રાજ્યોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારી રહ્યા છે. જો કે આ આક્ષેપોના જવાબમાં દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું છે કે, તેમણે રોજમદાર મજૂરોને રોકાવાની ઘણી અપીલો કરી હતી પણ તેઓ પોતાના ઘરે જવા મક્કમ છે અને રોકાવા નથી માંગતા.

(3:48 pm IST)