Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પ્રવાસી મજૂરો અંગે સરકાર પહેલાથી કામ કરી રહી છે, અમે દખલ નહીં કરીએ

સુપ્રિમમાં હિજરત અંગે ટળી સુનાવણી : કેન્દ્ર દાખલ કરશે સોગંદનામુ

નવી દિલ્હી તા. ૩૦ : કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન લાગુ છે. જોકે, આ બધાની વચ્ચે ભારતમાં નવા પ્રકારનું સંકટ ઊભું થઈ ગયું છે. આ સંકટ રાજધાની સહિત દેશના અનેક વિસ્તારોથી પ્રવાસી મજૂરોના સામૂહિક સ્થળાંતરથી ઊભું થયું છે. એવામાં દેશભરમાં પ્રવાસી મજૂરોના સ્થળાંતરના મામલે સુપ્રીમ કોર્ટમાં સોમવારે એક જાહેર હીતની અરજી પર સુનાવણી થઈ. આ મામલે હવે આગામી સુનાવણી બુધવારે થશે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ભારતના સંઘ અને તમામ રાજય સરકારો સ્થિતિને ઠીક કરવા તમામ જરૂરી પગલાં ઉઠાવી રહી છે. તેઓએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ સંબંધમાં ટૂંક સમયમાં એક એફિડેવિટ દાખલ કરવા માંગે છે. તેની પર કોર્ટે કહ્યું કે પ્રવાસી મજૂરોના સ્થળાંતરને રોકવા માટે સરકાર પહેલાથી જ અનેક કામ કરી રહી છે. એવામાં કોર્ટ તેમાં દખલ નથી કરવા માંગતી. સ્ટેટસ રિપોર્ટ મળે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

ચીફ જસ્ટિસ એસ.એ. બોબડને અધ્યક્ષતાવાળી બેન્ચે અરજીકર્તાના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવને કહ્યું કે, અમે બધાનો ઉકેલ શોધી લઈશું, પરંતુ કેન્દ્ર જે કરી રહી છે તેનાથી નહીં. અમે તેમાં કારણ વગર દખલ નથી કરવા માંગતા. CJIએ કહ્યું કે, પહેલા અમે સરકાર તરફથી તે એફિડેવિટને જોવા માંગીશું, તેને દાખલ કરવાની છે, પછી અમે તેની પર બુધવારે સુનાવણી કરી શકીએ છીએ.

કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી બંધના કારણે બેરોજગાર અને ઘરવિહોણા થયેલા લોકો હવે પોતાના વતન અને ગામ જવા માટે નીકળી પડ્યા છે. એવામાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના કારણે લોકડાઉન થવાથી હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના પરિવારની સાથે હજારો કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. તેમની પાસે ન તો રહેવાની સુવિધા છે અને ન તો ઘરે પહોંચવાનું સાધન. તે લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અરજીમાં સુપ્રીમ કોર્ટને અપીલ કરવામાં આવી છે કે કોર્ટ રાજય સરકારોને આદેશ આપે કે તઆ લોકોને શેલ્ટર હોમમાં રાખીને સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

(3:46 pm IST)