Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મહામારીમાંથી નીકળતા દુનિયાને વર્ષો લાગશે : ઓઇસીડી

આર્થિક ઝટકો કોઇ નાણાકીય સંકટથી વધુ ગંભીર છે

નવી દિલ્હી તા. ૩૦ : ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કો-ઓપરેટિવ એન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી)એ ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ મહામારીમાંથી બહાર નીકળતાં વિશ્વને વર્ષો લાગશે. ઓઈસીડીના મહાસચિવ એન્કેલ ગુરિયાએ કહ્યું કે કોરોનાને કારણે લાગી રહ્યું છે કે આર્થિક ઝટકો કોઈ નાણાકીય સંકટથી વધુ ગંભીર છે.

તેઓએ બીબીસીને કહ્યું કે એ માનવું સપના સમાન હશે કે વિશ્વ આ સ્થિતિમાં જલદી બહાર આવી જશે. ઓઈસીડીએ બધા દેશોની સરકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના ખર્ચ વધારે, જેથી વધુમાં વધુ લોકોની ચકાસણી અને દર્દીઓના ઇલાજમાં જલદી થઈ શકે.

એન્કેલ ગુરિયાએ હાલમાં જ કહ્યું હતું કે કોરોનાએ મહામારીનું રૂપ લીધું છે તો વિશ્વનો આર્થિક વિકાસદર ૧.૫ ટકા ધીમો થઈ જશે, પણ હવે તે વધુ લાગી રહ્યો છે.

તેઓએ કહ્યું કે આ કારણે કેટલી નોકરી ખતમ થઈ જશે અને કેટલી કંપનીઓ બંધ થઈ જશે એ વિશે ચોક્કસ કશું કહી ન શકાય, પરંતુ આવનારા દિવસોમાં આને કારણે અર્થવ્યવસ્થાને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

તેમનું કહેવું હતું કે આવનારા મહિનાઓમાં દુનિયાના મોટા મોટા દેશોએ મંદીનો સામનો કરવી પડી શકે તેમ છે.એટલે કે સતત બે ત્રિમાસિક સુધી અર્થવ્યવસ્થામાં ઘટાડો ચાલુ રહેશે.

તેઓએ કહ્યું, 'આખા વિશ્વમાં નહીં તો વિશ્વની ઘણી અર્થવ્યવસ્થાઓમાં- ખાસ કરીને મોટી અર્થવ્યવસ્થાઓમાં વિકાસદરમાં કોઈ વધારો નહીં થાય અથવા તો ઘટાડો નોંધાશે. એને અર્થ એ કે ન માત્ર વિશ્વનો વિકાસદર ઓછા થશે, પરંતુ ભવિષ્યમાં પાટા પર ચડતાં લાંબો સમય લાગશે.'

(3:45 pm IST)