Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનાએ વેગ પકડયોઃ રોજ ૧ લાખ લોકો બની રહ્યા છે શિકાર

વિશ્વના સેંકડો દેશોમાં સંકટમાં મુકી દીધા કોરોના વાયરસેઃ અત્યાર સુધીમાં ૩૩૦૦૦થી વધુ લોકોના મોતઃ ૭ લાખથી વધુ કોરોનાના દર્દીઓઃ અમેરિકામાં ૨૪૦૦ લોકોના મોતઃ ટ્રમ્પે ૩૦મી સુધી સોશ્યલ ડીસ્ટન્સીંગ વધાર્યુઃ ૧.૩૭ લાખ દર્દીઓઃ વિશ્વમાં ૧૦૦ લોકો આ વાયરસથી બિમાર હતા આજે ૭ લાખથી વધુ

નવી દિલ્હી, તા. ૩૦ :. કોરોના વાયરસે વિશ્વભરના અનેક દેશોને સંકટમાં મુકી દીધા છે. ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસના કેસ યુરોપ, અમેરિકા, બ્રિટન જેવા અનેક દેશોમાં ઝડપથી વધી રહ્યા છે. કોરોનાએ ભારતમાં પણ કાળોકેર મચાવ્યો છે. આ વૈશ્વિક મહામારીના સિકંજામાં વિશ્વભરના ૭ લાખથી વધુ લોકો આવી ગયા છે. જ્યારે ૩૩૦૦૦ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાએ પોતાની ઝડપ વધારી છે અને રોજ ૧ લાખ નવા લોકોને તે શિકાર બનાવી રહ્યો છે.

આ ખતરનાક મહામારીથી વિશ્વભરમાં ૧૯મી જાન્યુઆરી સુધી માત્ર ૧૦૦ લોકો પ્રભાવિત હતા પરંતુ ગઈકાલ સુધીમાં આ આંકડો વધીને ૭ લાખ સુધીનો થઈ ગયો છે. આ મહામારી વિશ્વમાં કેટલી ઝડપથી વધે છે તેનો અંદાજ આ આંકડાથી સ્પષ્ટ થાય છે.

સમગ્ર વિશ્વમાં ૧૯ જાન્યુઆરી સુધી માત્ર ૧૦૦ કેસ હતા, ૨૪ જાન્યુ. સુધી આ આંકડો ૧૦૦૦ થયો તે પછી ૩૧ જાન્યુ. ૧૦,૦૦૦, ૬ માર્ચના રોજ ૧ લાખ, ૧૮ માર્ચે ૨ લાખ, ૨૧ માર્ચે ૩ લાખ, ૨૪ માર્ચે ૪ લાખ, ૨૬ માર્ચે ૫ લાખ અને ૨૯ માર્ચ સુધી ૭ લાખથી વધુ સંક્રમિત કેસ થયા છે.

ઈટાલીમાં કોરોનાથી મોતનો આંકડો ૧૦,૦૦૦ થયો છે. લોકડાઉનનો ગાળો વધારવાનો નિર્ણય લેવાશે. અમેરિકામાં ૧ લાખથી વધુ કોરોના પીડીતો છે. ફ્રાન્સ અને સ્પેનમાં ૨૦૦૦થી વધુના મોત થયા છે. સ્પેનમાં ૬૦૦૦થી વધુ લોકો મર્યા છે.

દરમિયાન અમેરિકામાં કોરોનાથી ૨૪૦૦ લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશ્યલ ડીસ્ટન્સીંગ ૩૦મી સુધી લંબાવ્યુ છે. અમેરિકા આ વાયરસથી પ્રભાવિત સૌથી મોટો દેશ બન્યો છે. કુલ ૧ લાખ ૩૭ હજાર કેસ થયા છે.(૨-૨)

ભારતમાં કોરોનાનુ સંકટ વધી રહ્યુ છેઃ કુલ ૩૦ના મોતઃ ૧૧૦૦થી વધુ દર્દીઓ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીનું સંકટ વધી રહ્યુ છેઃ કોરોનાના કુલ ૧૧૦૦ દર્દીઓ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં ૩૦ લોકોના મોત થયા છેઃ આજે લોકડાઉનનો છઠ્ઠો દિવસ છેઃ હજુ રોજેરોજ નવા નવા કેસ સામે આવી રહ્યા છે

(10:50 am IST)