Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનાને નીપટવા

ભારતમાં ૪૯ દિવસના લોકડાઉનની જરૂર

લંડન તા. ૩૦ દુનિયાભરના દેશો વર્તમાન સમયમાં કોરોના વાયરસના પ્રકોપ સામે નબળા સાબિત થઇ રહ્યા છે. એવામાં આ મહામારીને રોકવા માટે મોટાભાગના દેશોએ લોકડાઉન નીતિ અપનાવી છે. ભારતમાં પણ સરકારે કોરોના વાયરસ સામેની લડતમાં લોકડાઉન કરવાની અસરકારક નીતિ અપનાવી છે, પરિણામ રૂપે ભારત અન્ય દેશોની જેમ ઝપેટમાં આવ્યુ નથી, જોકે અહીં કેસો વધી રહ્યા છે, પરંતુ અન્ય દેશોની સરખામણીએ સ્થિતિ સુરક્ષિત છે.

ભારતમાં પીએમ મોદીએ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે, પરંતુ કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક ભારતીય મૂળ રિસર્ચર્સ એક નવા મોડલ સાથે આવ્યા છે જેમાં ભારતમાં ૪૯ દિવસનું દેશવ્યાપી લોકડાઉન અથવા સમયાંતરે છૂટ આપીને બે મહિનાના લોકડાઉનની સલાહ આપી છે. આ મોડલને કોરોના વાયરસને બીજીવાર ભારતમાં માથુ ઉચકતા રોકવા માટે  મહત્વનુ પગલુ દર્શાવવામાં આવી રહ્યુ છે.

આ રિસર્ચ મુજબ ભારતમાં ૨૧ દિવસનો લોકડાઉન છે, પરંતુ તેના અંતિમ દિવસોમં કોરોના ફરી માથુ ઉચકશે એવી આશંકા વ્યકત કરવામાં આવી છે. આ રિસર્ચને Age Structured impact of social distancing on the Covid19 epidemic in india શીર્ષક આપવામાં આવ્યુ છે. આ રિસર્ચમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના ઉપાયો જેવા કે, કામ કરવાની સ્થળમાં ગેર હાજરી, શાળા બંધ કરવી, લોકડાઉન અને તેનો સમયગાળો તથા તેની અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ છે.

(10:52 am IST)