Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉનને કારણે ઘરમાં બંધ રહેવાથી ઘરેલુ હિંસાના કેસોમાં વધારો થવાની ભીતિ

મહિલાઓ અને બાળકો સામે ઘરેલુ અને જાતીય હિંસાનું જોખમ વધી રહ્યું છે

બર્લિન તા. ૩૦ : કોરોનાવાઇરસના પ્રસારને રોકવા માટે યુરોપના મોટાભાગના દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હોવાથી તમામ પરિવારો તેમના ઘરોમાં કેદ થઈને રહી ગયા છે જેને કારણે ઘરેલું હિંસામાં વધારો વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.

ચીનમાં કોરોનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ અને દુનિયાભરના લોકો આ રોગનો શિકાર બન્યા હતા અને બર્લિન, પેરિસ, માડ્રિડ અને રોમ જેવા દેશોમાં ઘરેલુ હિંસાના પીડિતોના સંગઠને ઘરેલુ હિંસાના મામલા વધી ગયા હોવાની પુષ્ટિ કરી હતી.

મહિલાઓ માટેના જર્મન ફેડરલ એસોસિયેશન અને સલાહકાર કેન્દ્રે જણાવ્યું હતું કે ઘણાં લોકો માટે પોતાનું ઘર એ સલામત સ્થાન નથી. મહિલાઓ અને બાળકો સામે ઘરેલું અને જાતીય હિંસાનું જોખમ વધી રહ્યું છે અને આ જોખમ એવા ઘરો સુધી મર્યાદિત નથી જયાં હિંસાની ઘટના પહેલા પણ બનતી હતી. ઘરમાં કેદ રહેવાને કારણે લોકોના માનસિક તણાવ વધી ગયો છે અને નોકરીની સુરક્ષા તથા આર્થિક મુશ્કેલીઓ વગેરેના કારણે પણ ઘરમાં અશાંતિ સર્જાવાની સંભાવનાઓ વધી રહી છે.

ફ્રાન્સે પણ આ બાબતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તાળાબંધીને કારણે પહેલા કોઈ ઘરેલું સમસ્યાના ધરાવતા પરિવારોમાં પણ છેલ્લાં કેટલાક અઠવાડિયાથી અશાંતિની પરિસ્થિતિ પેદા થઈ છે.

ચીનમાં પણ મહિલાઓના અધિકાર માટેના સંગઠને મહિલાઓ પરના હિંસામાં વધારો થયો હોવાના અહેવાલ નોંધાવ્યા હતા.

યુરોપમાં ઇટાલી બાદ કોરોનાવાઇરસના ફેલાવાનો મુખ્ય દેશ બનેલા સ્પેનમા પણ ૩૫ વર્ષની અને બે બાળકોની માતાની તેના પતિએ હત્યા કરી હોવાની ઘટના નોંધાઈ હતી.

માનસિક અથવા શારીરિક ઘરેલુ હિંસાનો શિકાર બનતા બાળકો મહિલાઓ અને સ્ત્રીઓ હાલમાં લોકડાઉનને કારણે તેમના ઘરોમાં છે પરિણામે તેમના પર હિંસા થવાનુ જોખમ વધી ગયું છે એમ મહિલા અધિકાર સમિતિએ જણાવ્યું હતું

કોરોનાવાયરસને કારણે સ્કૂલ સ્પોર્ટ્સ કલબ અને યુથ સેન્ટર્સ પણ બંધ થઈ ગયા છે અને બાળકોને ઘરમાં પુરાઈ રહેવાનો વખત આવ્યો છે અને આ પરિસ્થિતિમાં બાળકો પર થતા અત્યાચારો પર ધ્યાન આપવા કોઇ નથી. સરકાર અર્થતંત્ર અને તબીબી સેવાઓ ચાલુ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે પરંતુ તેમણે સમાનતા અને મૂળભૂત માનવ અધિકારના મહત્વનું પણ ધ્યાન રાખવું જોઈએ, એમ સમિતિએ જણાવ્યું હતું. ટર્કી અને ઓસ્ટ્રિયા જેવા દેશોમાં પણ મહિલાઓ સામેના ગુનામાં વધારો નોંધાયો છે.

(10:18 am IST)