Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સરકારી મહેમાન

કોરોના વાયરસે 199 દેશોમાં તરખાટ મચાવ્યો છે, 3 માસમાં 6.80 લાખ કેસ, 31800નાં મોત

નખ વધારવાની ફેશન રાખી હોય તો ઝડપથી નખ કાપી નાંખજો, સંક્રમણ થઇ શકે છે: મોબાઇલ ફોનને સ્વચ્છ રાખો, બેકકવર કર્યું હોય તો હમણાં કાઢી નાંખજો, નહીં તો જોખમ: પશુથી ફેલાતો નથી, સિગારેટ પીતા હોવ તો હમણાં બંધ કરી દો, ઝડપથી ચેપ લાગે છે

કોરોના વાયરસના વિશ્વમાં 6.80 લાખ કેસ થયેલા છે. અત્યાર સુધીમાં 31800 લોકોના મોત થયાં છે. રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1.50 લાખ જેટલી થવા જાય છે. વિશ્વના 199 દેશોમાં આ રોગ ફેલાયેલો છે જેને વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ચાઇનાના વુહાનથી શરૂ થયેલા કોરોનાના સૌથી વધુ 1.25 લાખ કેસ અમેરિકામાં જોવા મળ્યા છે.  અમેરિકામાં મૃત્યુઆંક વધીને 2500 થયો છે. કોરોનાના સૌથી વધુ કેસો જ્યાં થયાં છે તેવા દેશોમાં અમેરિકા પછી ઇટાલીમાં 92472, ચાઇનામાં 81439, સ્પેનમાં 78797, જર્મનીમાં 58247, ઇરાનમાં 38309, ફ્રાન્સમાં 37575, યુકેમાં 17089 અને સ્વિટ્ઝર્લેન્ડમાં 14352નો સમાવેશ થાય છે. કોરોનાથી સૌથી વધુ 10,000 કરતાં વધુ મૃત્યુ ઇટાલીમાં થયાં છે. સ્પેનમાં 9528, ચીનમાં 3300 અને ફ્રાન્સમાં 2315 છે.

સરકારે પાન-સિગારેટના ગલ્લા કેમ બંધ કરાવ્યા...

લોકડાઉનની હાલતમાં સરકારે પાન-સિગારેટ અને તમાકુ વેચતી દુકાનો અને ગલ્લા બંધ કરાવ્યા છે તેની પાછળ મહત્વનું કારણ કોરોના વાયરસનો ઝડપથી ચેપ લાગી શકે છે. સરકાર સમક્ષ એવી સવાલ આવ્યા હતા કે શરાબ અને સિગારેટ પિનારા લોકોને વાયરસનો ચેપ લાગી શકે છે ત્યારે નિષ્ણાંતોનો જવાબ એવો હતો કે વ્યસનોના સંદર્ભમાં નિવ્યસની લોકોની સરખામણીએ વ્યસનીને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. સિગારેટ પીવામાં હોઠ અને હાથનો ઉપયોગ વધારે થાય છે અને ફેફસામાં પણ ધુમાડા જાય છે તેથી ખાંસી થવાની સંભાવના વધે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ સ્પષ્ટ કર્યું છે કે દારૂ અને સિગારેટનું સેવન કરનારી વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. આ યોગ્ય સમય છે કે તમે તમારૂં વ્યસન છોડી શકો છો. સારૂં ખાવ, પુરતી ઉંઘ લેવી અને શરીરને સતત એક્ટિવ રાખો...

વિષાણું માથાના વાળથી 900 ગણો નાનો છે...

વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસથી બચવાના અનેક ઉપાયો છે  જે પૈકી લોકડાઉનનું માધ્યમ સૌથી શ્રેષ્ઠ છે. અગાઉ પણ ભયાનક રોગચાળા આવ્યા છે ત્યારે લોકડાઉન એ જ સર્વશ્રેષ્ઠ ઉપચાર હતો. સોશ્યલ ડિસ્ટન્સિંગ હોવું જરૂરી છે. કોરોના વાયરસનો ચેપ લાગે નહીં તે માટે માસ્ક અને સેનેટાઇઝરની ભલામણ કરવામાં આવે છે. ઘર થી બહાર નિકળતાં માસ્ક અને પાછા આવ્યા પછી સેનેટાઇઝર વાપરવું જરૂરી છે. આપણો હાથ મોંઢા પર જવો ન જોઇએ તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે પરંતુ તેની સાથે કેટલીક બીજી બાબતો છે જેની પ્રત્યે તકેદારી રાખવી જોઇએ. અનુભવી ડોક્ટરો કહે છે કે વાયરસના વિષાણુંઓ હાથ પર જ નહીં, તમે પહેરેલા કપડાં પર, માથાના વાળ પર, ખરીદી વખતે ચલણી નોટો અને સિક્કાની હેરફેર વખતે, મોબાઇલના ઉપયોગ સમયે કે ક્રેડીટ-ડેબીટ કાર્ડના ઉપયોગથી પણ ફેલાય છે. પ્રત્યેક ચીજવસ્તુ માટે એવો સમય નક્કી છે કે આ વિષાણુંઓ કેટલા સમય માટે જીવિત રહે છે. આ વાયરસ હવામાં તરી શકતા નથી પરંતુ કોઇપણ સપાટી પર સ્થિર થાય છે. માથાના વાળની સરખામણીએ 900 ગણો નાનો છે.

કોરોના વાયરસના હકીકતમાં કેવા છે લક્ષણો...

સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી વિષાણુંયુક્ત કણ શ્વાસના રસ્તે શરીરમાં પ્રવેશ કરે છે. વ્યક્તિના શરીરમાં ફેફસા એવી જગ્યા છે કે જ્યાંથી ઓક્સીજન શરીરમાં દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નિકળે છે, પરંતુ કોરોનાના બનેલા નાના એરસૈકમાં પાણી જામવા લાગે છે તેથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સ્થિતિમાં દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના મુખ્ય લક્ષણોને ટકાવારી પ્રમાણે વહેંચ્યા છે જેમાં 88 ટકા તાવ, 68 ટકા ખાંસી અને કફ, 38 ટકા થાક, 18 ટકા શ્વાસ લેવામાં તકલીફ, 14 ટકામાં શરીર અને માથામાં દુખાવો, 11 ટકામાં ઠંડી લાગવી અને ચાર ટકામાં ડાયરિયાનો સમાવેશ કર્યો છે. નાકમાંથી પાણી વહેવું એ કોરોનાના દર્દીઓમાં મળ્યું નથી. ભારતના ડો. અંશુલ વાષ્ણેયનું કહેવું છે કે કોઇપણ વ્યક્તિને સુકી ખાંસી અને વધુ તાવ હોય તો તેણે એકવાર કોરોના વાયરસ અંગેનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ. લંડનની કિંગ્સ કોલેજની ડોક્ટર નૈટલી મૈક્ડરમોટ કહે છે કે વાયરસના કારણે રોગ પ્રતિકારક તંત્રનું સંતુલન બગડે છે અને સોજો દેખાય છે પરંતુ અમે હજી સુધી એ શોધી શક્યા નથી કે આ વાયરસ કેવી રીતે કામ કરે છે.

કેવી રીતે ખબર પડે છે કે કોરોના વાયરસ છે...

કોરોના વાયરસની અસર ફેફસાં પર થાય છે પરંતુ તે પહેલાં શરૂઆત તાવ અને સુકા કફથી થતી હોય છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. વૈજ્ઞાનિકોના મતે વાયરસ સંક્રમણના લક્ષણો દેખાવામાં પાંચ દિવસ થતાં હોય છે. જે વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થયું હોય તેને ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા આ પાંચ દિવસમાં થાય છે. ડબલ્યુએચઓના કહેવા પ્રમાણે વાયરસના શરીરમાં પ્રવેશ તેમજ લક્ષણો દેખાવવામાં 14 દિવસનો સમય લાગી શકે છે. વાયરસની શરૂઆત તાવથી થાય છે પછી સુકી ખાંસી આવે છે અને સપ્તાહ બાદ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કેટલાક કેસોમાં માથામાં અને સ્નાયુનો દુખાવો રહેતો હોય છે. બને ત્યાં સુધી કાચું ખાવાનું ટાળવું જોઇએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 56 હજાર જેટલા દર્દીઓના ડેટાનો અભ્યાસ કર્યો હતો અને તેમાં જણાયું હતું કે છ ટકા લોકો ગંભીર બિમાર પડ્યા હતા. જેમાં ફેફસા નકામા થવા, સેપ્ટિક શોક, ઓર્ગન ફેલિયોર અને મૃત્યુનો ખતરો હતો. 14 ટકા લોકોમાં શ્વાસ લેવાની તકલીફ સામે આવી જ્યારે 80 ટકા લોકોને તાવ, શરદી અને ન્યૂમોનિયા જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

પાલતુ પ્રાણીઓથી કોરોનાનો ચેપ ખાસ કિસ્સામાં લાગે...

આપણે ત્યાં પાલતું પ્રાણીઓ પાળવાનો લોકોને ક્રેઝ હોય છે. સામાન્ય રીતે વિવિધ પ્રકારના ડોગ્સ લોકો પાળતા હોય છે પરંતુ તેમણે થોડી તકેદારી લેવાની જરૂર છે. આ રોગ ગાય કે ભેંસ જેવા પ્રાણીઓમાંથી માનવીમાં આવતો નથી. કોરોના વાયરસ કોઇપણ પ્રાણીમાં ફેલાયો હોય તેવા કોઇ પુરાવા હજી સુધી મળ્યા નથી. આ વાયરસ માનવીઓમાં જોવા મળે તેમ પશુઓમાં જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે એક જ જાતિના જીવમાં સંક્રમિત થાય છે. અલગ અલગ જાતિઓ વચ્ચે તેનો ફેલાવો થતો નથી. એટલે કે પાળેલા પ્રાણીઓથી માનવીને ચેપ લાગતો નથી પરંતુ પ્રાણીની જીભના સ્પર્શ કે સંક્રમણ ધરાવતી વ્યક્તિની ખાંસીથી આ વાયરસ ફેલાય છે. હંમેશા પાળેલા પ્રાણીઓને સ્પર્શ કર્યા બાદ હાથ સાબુથી ઘોવા જોઇએ.

ચલણી નોટો અને સિક્કાથી પણ ચેપ લાગી શકે છે...

કોરોના વાયરસનો ચેપ ચલણી નોટોથી પણ લાગી શકે છે. ચલણમાં રહેલા સિક્કાથી પણ લાગે છે. ચીનની સરકારે બિમારીને ફેલાતી અટકાવવા માટે તમામ બેન્કોની રોકડ ગ્રાહકોને પાછી આપવામાં આવે તે પહેલાં સ્ટરીલાઇઝ્ડ કરી દીધી હતી. ભારતીય રીઝર્વ બેન્ક પણ કહે છે કે ચલણી નોટો કે સિસ્સા હાથમાં લેવાથી ચેપની શક્યતા રહેલી છે તેથી લોકોએ ઓનલાઇન પેમેન્ટનો આગ્રહ રાખવો જોઇએ. લોકો પાસે રહેલા ક્રેડીટ કે ડેબીટ કાર્ડ પર કોરોના વાયરસનું વહન શક્ય હોવાથી કાર્ડ પણ મર્યાદિત વાપરવાની સલાહ આપવામાં આવે છે. બની શકે તો પેટીએમ, ફોન-પે કે ગુગલ પે જેવી એપ્લિકેશનની મદદથી ટ્રાન્ઝક્શન કરવાની સલાહ આપવામાં આવે છે.

શૂન્ય થી નવ વર્ષના બાળકોમાં ઝીરો મૃત્યુઆંક છે...

કોરોના વાયરસથી નાના બાળકો બચી શકે છે, કારણ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે. સૌથી વધુ જોખમ 80 વર્ષ અને તેની વધુ ઉંમરની વ્યક્તિઓને રહેલું છે. એટલું જ નહીં બ્લડપ્રેશર, હાર્ટ કે ડાયાબિટીશ પેશન્ટને કોરોના વાયરસનો ચેપ ઝડપથી લાગી શકે છે તેથી તેમને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. વર્લ્ડોમીટરે કરેલા સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે શૂન્ય થી નવ વર્ષ સુધીના બાળકોને કોરોના પોઝિટીવ હોય અને તે સારવારમાં હોય ત્યારે મૃત્યુઆંક શૂન્ય છે. 10 થી 19 વર્ષની વય, 20 થી 29 વર્ષની વય તેમજ 30 થી 39 વર્ષની વયમાં મૃત્યુઆંક 0.02 ટકા જોવા મળ્યો છે, જ્યારે 50 થી 59 વર્ષની વયમાં મૃત્યુઆંક 1.3 ટકા છે. કોરોના વાયરસના કારણે ક્રિટીકલ કન્ડીશનમાં થતાં મોતમાં સૌથી મોટો આંકડો 80 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓનો જોવા મળ્યો છે. આ ઉંમરની વ્યક્તિઓના મોતની ટકાવારી 14.8 જોવા મળી છે.

મોબાઇલ ફોનથી પણ ચેપ લાગી શકે છે...

તમારા મોબાઇલ ફોનને સુરક્ષિત રાખવો જરૂરી છે. તમે હાથ સાફ કર્યા છે પરંતુ તે હાથે મોબાઇલ પકડો છો પરંતુ જો તેમાં આ વિષાણું ચોંટ્યા હોય તો તેની સીધી અસર થઇ શકે છે. કોરોના વાયરસનું સંક્રમણ ઉઘરસ અને છીંકના શૂક્ષ્મ બિંદુઓ મારફતે ફેલાતું હોય છે. જો તે બિંદુઓ મોબાઇલ ફોન પર હોય તો તેમને ખ્યાલ પણ આવતો નથી. મોબાઇલ ફોન સ્વચ્છ રાખવા એ પણ જરૂરી છે. મોબાઇલ ફોન બનાવતી કંપનીઓ કહે છે કે ફોનને આલ્કોહોલ, સેનેટાઇઝર કે સ્ટેલિંઝિંગ વાઇપથી સાફ કરવો નહીં, કારણ કે તેમ કરવાથી તેની સ્ક્રીનના કોટીંગને નુકશાન થાય છે. આ નુકશાન પછી કોરોનાના વિષાણુંઓ તેની પર ચોંટી જવાની સંભાવના વધી જાય છે. વોટર રેઝિસ્ટન્ટ ટેકનોલોજી ધરાવતા મોબાઇલને સાબુ કે પાણી અથવા સિંગલ યુઝ પેપર ટોવેલથી સાફ કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓ જે મોબાઇલ ફોન વાપરે છે તેમાં રસોડાની ચિકાશ આવતી હોય છે તેથી વાપરતા પહેલાં તેના પર રહેલી ચિકાશને દૂર કરવી હિતાવહ છે.

કપડાં પર નવ કલાક, મોબાઇલ પર 48 કલાક...

નિષ્ણાંતો કહે છે કે કોરોના વાયરસના વિષાણુંઓ કપડાં પર નવ કલાક સુધી જીવિત હોય છે જ્યારે મોબાઇલ ફોન પર નવ દિવસ સુધી જીવતાં હોય છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસ શરીર બહાર નવ દિવસ સુધી જીવતો હોય છે. આ વાયરસ કોઇપણ મેટલ પર 12 કલાક સુધી જીવે છે. ચામડી પર 10 મિનીટ જીવે છે. મોબાઇલ સ્ક્રિન પર 48 કલાક સુધી જીવિત હોય છે પરંતુ જો મોબાઇલ પાછળ પ્લાસ્ટીકનું કવર હોય તો તેના પર સૌધી વધુ નવ દિવસ સુધી જીવિત હોય છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ મોબાઇલને સ્વચ્છ રાખવાની સલાહ આપી છે. કપડાં પરનો વાયરસ નવ કલાક તો હોય છે પરંતુ કપડાં જો સૂર્યના તડકામાં સૂકવવામાં આવે તો સૂર્યપ્રકાશની ગરમીથી તે કમજોર પડી જાય છે. કોરોના વાયરસને ઉંચું તાપમાન માફક આવતું નથી તેથી ગરમીનો પારો 35 ડીગ્રીથી વધે ત્યારે તે નાશ થાય છે. કેટલાક વિસ્તારોમાં અત્યારે તાપમાન ઉંચુ હોવાથી ત્યાં કોરોનાના કેસો ઓછા જોવા મળ્યા છે.

નખ વધારવા ફેશન જોખમી બની શકે છે...

અત્યારે નખ વધારવાની ફેશન થઇ છે. નખ વધારવાનો સૌથી વધુ શોખ યુવતીઓને હોય છે પરંતુ હવે તો યુવાનો પણ આ શોખ પોષી રહ્યાં છે. કોરોનાથી બચવા માટે તમે જ્યારે સેનેટાઇઝર કે સાબુથી હાથ ધુવો છો ત્યારે હાથ તો સાફ થાય છે પરંતુ નખમાં અંદર રહેલો કોઇપણ પદાર્થ સાફ થતો નથી. એટલે કે કોરોનાના સંક્રમણ સમયમાં આંગળીઓને નખ કાપી નાંખવા જોઇએ, કેમ કે હાથ ધોતી વખતે સેનેટાઇઝર નખની અંદરની બાજુએ જઇ શકતું નથી. આવા સમયે ફેશન છોડીને યુવતીઓએ તેમના નખને કાપી નાંખવા જોઇએ, કેમ કે તે કોરોના પોઝિટીવ કેસના સંપર્કમાં આવ્યા પછી ક્યારેક જોખમી બની શકે છે. વાયરસને સાદા માસ્કની મદદથી પણ રોકી શકાય છે, એટલે માસ્ક ન મળે તો ચોખ્ખો હાથરૂમાલ પણ મોંઢા પર બાંધી શકાય છે. યુવતીઓની એક ફેશન આજે બહું કામ લાગે છે અને તે વાહન ચલાવતી વખતે મોંઢા પર બાંધેલો દુપટ્ટો છે. સામાન્ય રીતે ચહેરા પર આવતી ગરમીને રોકવા માટે તે પહેરવામાં આવે છે પરંતુ આ દુપટ્ટો કોરોના વાયરસના સંક્રમણ સમયે માસ્કનું કામ કરે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:35 am IST)