Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આંધ્રના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીને લઇ જહી રહેલ અેક વિમાનનું ઇમરજન્‍સી લેન્‍ડીંગ કરવું પડ્યુઃ ટેકનીકલ ખામીને લીધે આવુ કરવું પડયું

મહારાષ્ટ્રના CM, ડેપ્યુટી CMનું પ્લેન પણ પરત ફર્યું હતું

નવી દિલ્હીઃ  આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીને લઈ જઈ રહેલા એક વિમાનનું સોમવારના રોજ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

ટેક-ઓફના થોડા સમય બાદ ટેક્નિકલ ખામીના કારણે વિમાનને ગન્નાવરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેન સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું. મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી આજે દિલ્હી જઈ રહ્યા હતા.

મુખ્યમંત્રી વાય.એસ જગન મોહન રેડ્ડી અને અધિકારીઓની ટીમ સાંજે 5:03 કલાકે દિલ્હી પ્રવાસ માટે રવાના થઈ હતી. થોડા સમય બાદ પાયલોટને વિમાનમાં ટેક્નિકલ ખામી જણાતા ફ્લાઇટને 5:27 વાગ્યે વિજયવાડાના એરપોર્ટ પર લેન્ડ કરાઈ હતી.

આ પછી સીએમ જગન મોહન રેડ્ડી તેમના તાડેપલ્લી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા. પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ અધિકારીઓ મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છે. આ પહેલા સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જલગાંવ લઈ જતું વિમાન ખરાબ હવામાનના કારણે મુંબઈ પરત ફર્યું હતું.

ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ પરત આવી

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ બંજારા કુંભ 2023ની ઈવેન્ટમાં ભાગ લેવા મુંબઈથી લગભગ 415 કિમી દૂર આવેલા જલગાંવ જિલ્લાના જામનેર જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીએ જણાવ્યું કે વિમાને મુંબઈથી ઉડાન ભરી હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે પરત ફરવું પડ્યું હતું. અધિકારીએ કહ્યું કે શિંદે અને ફડણવીસ બાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં જોડાયા હતા.

(9:18 pm IST)