Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

તમિલનાડુનું નાગનાથસ્‍વામી મંદિર અદ્વિતિયઃ ભક્‍તો દ્વારા ચડાવવામાં આવેલા દૂધનો રંગ બદલી જાય

કેતુ ગ્રહના દોષથી પીડિત લોકોના દુધનો કલર બદલાતો હોવાની માન્‍યતા

નવી દિલ્‍હીઃ દેશના દરેક ગામમાં તમને લગભગ એક મંદિર જોવા મળશે. તમામ મંદિરોનું કોઈને કોઈ પૌરાણિક મહત્વ હોય છે. કેટલાક મંદિરોને ચમત્કારિક મંદિર કહેવામાં આવે છે. આ મંદિરોના ચમત્કારોનો જવાબ વૈજ્ઞાનિકો નથી શોધી શક્યા.

આ મંદિર તમિલનાડુના કીજાપેરુમપલ્લમ ગામમાં આવેલું છે. નાગનાથસ્વામી મંદિરને કેતી સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર કાવેરી નદીના કિનારે આવેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે મંદિરમાં ભક્તો શિવલિંગ પર દૂધ ચઢાવે છે ત્યારે તેનો રંગ વાદળી થઈ જાય છે.

ચોંકાવનારી વાત એ છે કે આજ સુધી કોઈને તેના વિશે ખબર નથી. લોકો નથી સમજી શક્તા કે આવું કેમ થાય છે. જોકે આ દુર્લભ દ્રશ્ય દર વખતે નથી દેખાતું. એવું માનવામાં આવે છે કે જે લોકો કેતુ ગ્રહના દોષથી પીડિત હોય અને તેમના દ્વારા ચઢાવવામાં આવતા દૂધનો રંગ વાદળી થાય છે. પછી દૂધનો રંગ ફરી સફેદ થઈ જાય છે.

વૈજ્ઞાનિકો પણ આજ સુધી એ નથી જાણી શક્યા કે દૂધનો રંગ કેમ વાદળી થઈ જાય છે. આશ્ચર્યજનક બાબત એ છે કે તે ફરીથી સફેદ કેવી રીતે થાય છે તે અંગે વૈજ્ઞાનિકો જાણી શક્યા નથી. આ મંદિરમાં દૂધ ચઢાવ્યા પછી તેનો રંગ બદલાવાને લોકો ચમત્કાર કહે છે. લોકો દૂરદૂરથી મંદિરમાં દર્શન કરવા આવે છે.

મંદિર સાથે માન્યતા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે એક વખત કેતુએ મહાન ઋષિના શ્રાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરી હતી. આ પછી કેતુની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે શિવરાત્રિના દિવસે કેતુને શ્રાપમાંથી મુક્ત કર્યો. ત્યારથી કેતુને સમર્પિત આ મંદિરમાં ભગવાન શિવને માનવામાં આવે છે.

(5:37 pm IST)