Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સ્‍વામી પ્રસાદનુ શિરચ્‍છેદ કરનારને ૨૧ લાખનું ઈનામ આપવા

હનુમાન ગઢીના મહંતે કરી જાહેરાત : હનુમાન ગઢીના મહંત રાજુ દાસે સપા સુપ્રીમો અખિલેશ યાદવ ઉપર પણ નિશાન સાધ્‍યુઃ અખિલેશ યાદવ કહેતા હતા કે અમે કોઈ ધર્મનું અપમાન નથી કરતાઃ પણ અહીં તેના કથન અને કાર્ય વચ્‍ચેનો તફાવત સમજાયો

નવી દિલ્‍હી, તા.૩૦: ઉત્તર પ્રદેશમાં સપા નેતા સ્‍વામી પ્રસાદ મૌર્યનું શિરચ્‍છેદ કરનારને ૨૧ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અયોધ્‍યામાં હનુમાન ગઢીના મહંત રાજુ દાસ દ્વારા કરવામાં આવી છે. સ્‍વામી પ્રસાદ હાલમાં શ્રી રામ ચરિત માનસ પર દ્વેષપૂર્ણ ટિપ્‍પણી કરીને સમાચારમાં ચમકયા છે. આ ટીપ્‍પણી બાદ ભલે સમાજવાદી પાર્ટીએ તેમને પ્રમોટ કરીને પાર્ટીના રાષ્‍ટ્રીય મહાસચિવ બનાવ્‍યા, પરંતુ તેઓ સતત સંતો-મહંતોના નિશાના પર છે. તેના બદલે હવે સપા સુપ્રીમો અખિલેશ યાદવ પણ તેમની સાથે સંતોના નિશાના પર આવી ગયા છે.

માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં, શ્રી રામ ચરિત માનસ પર કરેલી ટિપ્‍પણી માટે સ્‍વામી પ્રસાદની ટીકા થઈ રહી છે. મહંત રાજુ દાસે તેમના નિવેદનને સંતો અને હિન્‍દુઓનું અપમાન ગણાવ્‍યું હતું. કહેવાય છે કે આ પ્રકારનું નિવેદન આપનાર વ્‍યક્‍તિ પર વિશ્વાસ કરીને અખિલેશ યાદવે પણ નિરાશ કર્યા છે. સ્‍વામી પ્રસાદની ટીકા કરતા તેમણે કહ્યું કે જે વ્‍યક્‍તિ સ્‍વામી પ્રસાદનો શિરચ્‍છેદ કરશે તેને તેઓ ૨૧ લાખ રૂપિયાનું ઈનામ આપશે.

તેમણે કહ્યું કે સ્‍વામી પ્રસાદ પર ૨૧ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્‍યું છે. જે કોઈ તેનું માથું શરીરથી અલગ કરશે તેને આ ઈનામ મળશે. આ સાથે મહંત રાજુ દાસે ઉત્તરપ્રદેશ સરકાર પાસે શ્રી રામ ચરિત માનસનું દહન કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો સરકાર આમ કરવામાં નિષ્‍ફળ જશે તો હિંદુ જનતા તેના સન્‍માન-પ્રતિકોની રક્ષા માટે જાતે જ પગલાં લેશે.

મહંત રાજુ દાસે પણ સપા સુપ્રીમો અખિલેશ યાદવ પર નિશાન સાધ્‍યું છે. તેમણે કહ્યું કે અત્‍યાર સુધી અખિલેશ યાદવ કહેતા હતા કે અમે કોઈ ધર્મનું અપમાન નથી કરતા. પણ અહીં તેના કથન અને કાર્ય વચ્‍ચેનો તફાવત સમજાયો છે. તેમણે સ્‍વામી પ્રસાદ મૌર્યને ઋષિ-મુનિઓને આતંકવાદી કહેવા અને શ્રી રામ ચરિત માનસ પર અપમાનજનક ટિપ્‍પણી કરવા બદલ પ્રોત્‍સાહન આપીને પુરસ્‍કાર આપ્‍યો છે. તેમણે કહ્યું કે અખિલેશે પોતાના નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈતી હતી, પરંતુ તેમ કર્યું નહીં. જેના કારણે સંતો અને ઋષિમુનિઓમાં રોષ ફેલાયો છે.

શ્રી રામ ચરિત માનસ પર ટિપ્‍પણી કરીને વિવાદોમાં ફસાયેલા સપા નેતા સ્‍વામી પ્રસાદ મૌર્યનો ભાજપના સાંસદ અને સંઘમિત્રા મૌર્ય દ્વારા બચાવ કરવામાં આવ્‍યો હતો. સ્‍વામી પ્રસાદની પુત્રી સંઘમિત્રાએ કહ્યું હતું કે, આ પ્રકારની ટિપ્‍પણી અન્‍ય ઘણા નેતાઓએ પણ કરી છે. પરંતુ તેમને કયારેય નિશાન બનાવવામાં આવ્‍યા ન હતા. પરંતુ તેમના પિતા વિપક્ષમાં હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

(11:34 am IST)