Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રેલવે સ્ટેશન માત્ર ૪૦ રૂપિયામાં મેળવવા માંગો છો એસી રૂમઃ આ રહી બુકીંગ પ્રક્રિયા

આ સુવિધા કન્‍ફર્મ ટિકીટ અને આરએસી ઉપર મળી શકશે

નવી દિલ્હીઃ રેલ્‍વે દવારા મુસાફરોને મળતી સુવિધાઓમાં ઉતરોતર વધારો કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે નજીવા દરેસ્‍ટેશનરે એસી-નોન એસી રૂમ બુક કરાવી શકાય છે.

ભારતીય રેલવેની એક ખાસ સર્વિસનો ફાયદો ઉઠાવીને તમે હજારો રૂપિયાની બચત કરી શકો છો. ઘણી વાર કુદરતી કે કૃત્રિમ કારણોસર ટ્રેનો કલાકો મોડી દોડતી હોય છે, પરિણામે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમે પણ આવી સ્થિતિનો ભોગ ન બનો તે માટે અહીં રેલવેની સુવિધા અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં તમે 20થી 40 રૂપિયામાં આલીશાન રૂમ લઈ શકો છો.

શિયાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. આવી સ્થિતિમાં મુસાફરને ઘણી મુશ્કેલી પડે છે. રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો પરેશાન છે. લોકોને 2, 4 કે 8 કલાક જેટલી મોડી પડેલી ટ્રેનના કારણે પારાવાર મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો મોંઘી હોટલોમાં જાય છે, પરંતુ મોટાભાગના લોકોને સ્ટેશન પર ઠંડા પવનનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે રેલ્વેના રિટાયરિંગ રૂમનો લાભ લઈ શકો છો. અહીં તમે 48 કલાક સુધી રહી શકો છો અને સૌથી ખાસ વાત એ છે કે, અહીં તમારે ખૂબ ઓછો ચાર્જ આપવો પડે છે. અહીં તમારી પાસેથી માત્ર 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવશે.

મોટાભાગના મુસાફરોને પ્રશ્ન થાય છે કે, રિટાયરિંગ રૂમ કેવી રીતે બુક કરાવવો, ક્યાં બુકિંગ કરાવવું? આ માટે તમારે PNR નંબરની જરૂર પડશે કારણ કે રિટાયરિંગ રૂમનું બુકિંગ PNR નંબરથી થાય છે, મોટાભાગના મોટા સ્ટેશનો પર તમને એસી અને નોન-એસી (AC/ Non AC) રૂમ મળશે. તમે આ રૂમ વેબસાઇટ પર બુક કરાવી શકો છો.

જો તમે 500 કિમીથી વધુની મુસાફરી કરવા જઈ રહ્યા હોવ તો જનરલ ટિકિટ પર પણ આ સુવિધાનો લાભ લઈ શકાય છે. PNR નંબરથી માત્ર એક જ રૂમ રજિસ્ટર થઈ શકશે. અહીં બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવે છે. ધ્યાન રહે કે ઓનલાઈન બુકિંગ કરાવ્યા બાદ તમારી પાસે આધાર કાર્ડ કે પાન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજ માંગવામાં આવશે. આ સુવિધા દેશના મોટા રેલવે સ્ટેશનો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ પર ઉપલબ્ધ થશે.

(10:34 pm IST)