Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અમેરિકાના ૧૦ રાજ્યોમાં ભારે હીમવર્ષા : શિકાગોમાં નદી જામી ગઇ : તાપમાન માઇનસ ૭૦ ડીગ્રી થવા વકી

૨૭૦૦ ફલાઇટ રદ્દ : ૬ રાજ્યોમાં પોસ્ટ સેવા બંધ : શિકાગોનું તાપમાન - ૨૭ ડીગ્રી : આવતા દિવસોમાં એન્ટાર્કટિકાથી વધુ ઠંડુ થશે :અનેક રાજ્યોમાં કટોકટી જાહેર : લોકોને ઓછું બોલવા અપીલ

વોશિંગ્ટન તા. ૩૦ : અમેરિકાના ૧૦ રાજ્યોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. શિકાગો નદી જામી ગઇ છે. અમેરિકાના હવામાન વિભાગે તાપમાનને ૭૦ ડિગ્રી પહોંચાડવાની આગાહી કરી છે. પેટ્રોલિંગ કરતા અધિકારીઓ તેને અમેરિકાની ઐતિહાસિક ઠંડી ગણાવી રહ્યા છે. આવનારા દિવસોમાં એન્ટાર્કટીકાથી વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

અમેરિકામાં પોલાર વોર્ટેકસના કારણે (ધ્રુવીય વમળ)ના કારણે ૧ કરોડ લોકો સામે જોખમ ઉભું થયું છે. અમેરિકામાં ભારે હિમવર્ષાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને ૫ રાજયોમાં ડિલીવરી સિસ્ટમ અટકાવી દેવામાં આવી છે, ઉપરાંત ૨,૭૦૦ ફલાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. મિડવેસ્ટ સ્ટેટમાં ત્રાટકેલાં જેડન વાવાઝોડાંના કારણે ૪ લોકોનાં મોત થયા છે અને હવામાન વિભાગે અત્યંત ઠંડા હવામાનના કારણે મૃત્યુઆંક વધશે તેવી આશંકા વ્યકત કરી છે. યુએસ પોસ્ટલ સર્વિસે અત્યંત ઠંડી અને ભારે હિમવર્ષાના કારણે કુરિયર અને અન્ય ડિલીવરી સિસ્ટમ અટકાવી દીધી છે. મિનેસોટા, વેસ્ટર્ન વિન્સકોઇન, લોવા, નેબ્રાસ્કા અને વેસ્ટર્ન ઇલિનોઇસ સ્ટેટમાં ડિલીવરી અને અન્ય સર્વિસ ઠપ થઇ ગઇ છે. વોશિંગ્ટનમાં કોલ્ડ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. એટલાન્ટામાં ૩૦૦ ફલાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, શિકાગો એન્ટાર્કટિકા જેટલી જ ઠંડી પડશે. શિકાગોમાં અત્યંત ઠંડી હોવાના કારણે રેલવે ક્રૂએ પાટા પર આગ લગાવી દીધી હતી જેથી ટ્રેન સરળતાથી આગળ વધી શકે. એક માત્ર શિકાગોમાં ૧,૫૫૦ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસે લોકોને ઠંડી અને હિમવર્ષાના કારણે ઉંડા શ્વાસ નહીં લેવાની અપીલ કરી છે. હવામાન વિભાગ અનુસાર, આ ઠંડી હવાના કારણે ફેફસાને વધુ નુકસાન થવાની શકયતાઓ છે. જેના કારણે લોકોનાં મોત પણ થઇ શકે છે.ઙ્ગસબ-ઝીરો ટેમ્પરેચરના કારણે કેનેડા, મિડવેસ્ટ, ઇસ્ટ કોસ્ટ બરફની સફેદ ચાદરમાં ઢંકાઇ ગયું છે. મિડવેસ્ટમાં પ્રખર ઠંડીના કારણે વાવાઝોડું ત્રાટકયું હતું. પરિણામે આખા પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ હતી અને બે લોકોનાં મોત થયા હતા.ઙ્ગ

શિકાગોમાં બે દિવસ હિમપ્રલયની સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં બે દિવસ સુધી માઉન્ટ એવરેસ્ટ જેટલું તાપમાન રહેશે. આ સ્થિતિને લઇને સરકારે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. સંભાવના છે કે ૩૦ થી – ૫૫ જેટલું તાપમાન નીચું જશે. છેલ્લાં ૫૬ વર્ષનો ઠંડીનો રેકોર્ડ આ સાથે તૂટી શકે છે.

વર્ષ ૧૯૬૬ પછી શિકાગોમાં પહેલીવાર ઠંડીનું પ્રમાણ –  ૩૦  થી – ૫૫ ડિગ્રી સુધી નીચે જવા પામ્યું છે જેના પગલે શિકાગોમાં હાલ બે દિવસ સુધી હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શિકાગો શહેરની તમામ શાળા કોલેજો બે દિવસ ઠંડીનું પ્રમાણ વધતાં બંધ રહેશે, ઉપરાંત સરકારે ઉંમરલાયક તેમ જ ગર્ભવતી મહિલાઓને બહાર નહીં નીકળવા તેમ જ કામ સિવાય અન્ય કોઈ પણ વ્યકિતએ બહાર ન જવા નિર્દેશ કર્યો છે.ગ્લોબલ વોર્મિંગની અસર શિકાગો પર સીધી પડી રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે, મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી ગુરૂવારે બપોરે બાર વાગ્યા સુધી શિકાગોનું તાપમાન –  ૩૦ થી લઈને – ૫૫ ડિગ્રી સુધી જશે. આવી હાડ થીજવતી ઠંડીને પગલે શિકાગો સરકારે હાઈ એલર્ટ જાહેર કરી કોઈ પણ વ્યકિતને કામ સિવાય બહાર ન નીકળવા નિર્દેશ કર્યો છે. ઉપરાંત શહેરની તમામ શાળા કોલેજો પણ બંધ રહેશે. શિકાગોમાં છેલ્લે ૧૯૬૬ના વર્ષમાં આ પ્રકારની ઠંડીનો અનુભવ થયો હતો. આ ઠંડીનો અનુભવ એટલાન્ટિક તેમજ દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ પર જેટલી ઠંડીનું પ્રમાણ હોય છે તેટલી ઠંડી નો અનુભવ થશે.શિકાગોમાં બે દિવસ દરમિયાન હાડ થીજવતી ઠંડીને પગલે, ગરીબ અને હોમલેસ એવા વ્યકિતઓ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ કામે લાગી છે. આ સંસ્થાઓ  હોમલેસ વ્યકિતઓને હાલ ૪૩૨૨ હિટરવાળા રૂમમાં  રાખશે. અહીં વસતાં તમામ ભારતીયોએ પણ આ પ્રકારની ઠંડીનો અનુભવ પ્રથમ વખત થઈ રહ્યો હોવાનું સ્વીકાર્યું છે, અને ભારતીયોએ પણ એકબીજાને મદદ કરવાનું શરૂ કરી દીધું છે. શિકાગો શહેરમાં ગુરૂવાર પછી ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે નિયંત્રણમાં આવશે અને ત્યાર બાદ જનજીવન ફરી રાબેતા મુજબ થશે.(૨૧.૨૯)

(3:39 pm IST)