Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

રાજકોટની પ્રજા ઉપર ૧૬II કરોડનો કરબોજ નવો વોટર ટેક્ષ ઝીંકાયો : ૨૦૫૭ કરોડનું બજેટ

સ્ટેન્ડીંગ કમિટિને ૨૦૧૯-૨૦નું ટ્રાફિક - પ્રદૂષણ નિવારણ પર ભાર મુકતુ :અંદાજપત્ર સુપ્રત કરતાં કમિશ્નર બંછાનિધી પાની : શહેરના રેસકોસ રીંગરોડ સહિત ૧ર માર્ગો ઉપર પાર્કિગ ચાર્જ લેવા દરખાસ્તઃ દસ્તૂર માર્ગ, આજી ચોકડી, બીઆરટીએસ ટ્રેક ઉપર હેપી સ્ટ્રીટ સ્ટેન્ડીંગ કમિટિને ૨૦૧૯-૨૦નું ટ્રાફિક - પ્રદૂષણ નિવારણ પર ભાર મુકતુ :અંદાજપત્ર સુપ્રત કરતાં કમિશ્નર બંછાનિધી પાની : શહેરના રેસકોસ રીંગરોડ સહિત ૧ર માર્ગો ઉપર પાર્કિગ ચાર્જ લેવા દરખાસ્તઃ દસ્તૂર માર્ગ, આજી ચોકડી, બીઆરટીએસ ટ્રેક ઉપર હેપી સ્ટ્રીટ :સ્ટે. કમિટી દ્વારા કાલથી બજેટના અભ્યાસનો ધમધમાટઃ આવતા સપ્તાહે મંજુર કરાશે : નવો કરબોજ રાખશે કે કાઢશે ?

સ્વચ્છ રાજકોટ માટે નાની યોજનાઓનું મોટુ બજેટ :આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નું ર૦પ૭.૪૭ કરોડનું બજેટ સ્ટેન્ડીંગ કમીટીને સુપ્રત કર્યા બાદ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ બજેટની વિસ્તૃત વિગતો પત્રકાર પરીષદમાં રજુ કરી તે વખતની પ્રથમ તસ્વીરમાં શ્રી પાની દર્શાય છે. અન્ય તસ્વીરમાં આ તકે ઉપસ્થિત ડે. કમિશ્નર ચેતનભાઇ ગણાત્રા, શ્રી જાડેજા, ચેતનભાઇ નંદાણી, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી, સીટી ઇજનેર ભાવેશ જોષી, શ્રી દોઢીયા, શ્રી કાલીયા, ટી.પી.ઓ. શ્રી સાગઠીયા, આસી. કમિશ્નર હર્ષદ પટેલ, સમીર ધડુક, શ્રી કગથરા અને નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડ વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦ : મ્યુ. કોર્પોરેશનનું આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું કુલ રૂ. ૨૦૫૭.૪૨ કરોડનું રૂ. ૧૬.૫ કરોડનો કરબોજો ઝિંકતુ બજેટ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ આજે સવારે ૧૧ વાગ્યે સ્ટેન્ડીંગ કમિટિને મંજુરી માટે રજુ કર્યું હતું. ત્યારબાદ કમિશ્નર શ્રી પાનીએ આ નવા બજેટની વિસ્તૃત વિગતો પત્રકાર પરિષદમાં રજૂ કરી હતી.

'ફાઇવ' એસ સ્ટ્રેટેજી સાથેનું બજેટ

કમિશ્નરશ્રી પાનીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના સહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની તસ્વીર અને તાસીરમાં બદલાવ લાવવા પ્રતીતિજનક પ્રયાસો કર્યા, જેની ફલશ્રુતિ રૂપે 'સ્માર્ટ સિટી' તરીકે રાજકોટ શહેર વિકાસ અને પ્રગતિના પંથે આગળ ધપવા લાગ્યું છે. આ તબક્કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બજેટમાં રાજકોટ શહેર માટે મુખ્ય પાંચ બાબતોને આવરી લેતી '5S' સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. જેમાં સેઇફ એન્ડ સિકયોર સ્માર્ટ, સસ્ટેનેબલ, સ્ટાર્ન્ડરાઇઝ, સેન્સેટીવ આ પાંચ બાબતો ઉપર ભાર મુકતી યોજનાઓ મુકાઇ છે.

શ્રી પાનીએ વધુમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાએ આ મૂળભૂત વિચાર સાથે શહેરને પ્રગતિના પથ પર સતત આગેકૂચ કરાવવા ગહન અભ્યાસ, ચિંતન અને વિચાર વિમર્શ પછી ભાવી વિકાસની રૂપરેખા કંડારી છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં દરેક શહેરીજનોને તેની પણ સુખદ પ્રતીતિ થાય તેવું કુલ રૂ. ૨,૦૫,૭૪૨.૦૨ લાખનું બજેટ પ્રસ્તુત કરવાનું મને સતત ત્રીજા વર્ષે સદ્ભાગ્ય સાંપડયું છે તેનો ખૂબ આનંદ છે.

રાજકોટ મહાનગરપાલિકાએ આ બજેટમાં મુખ્યત્વે ૬ ક્ષેત્રને અગ્રીમતા આપી છે, જેમ કે, (૧) સ્માર્ટ સિટી (ર) ટ્રાફિક મેનેજમેન્ટ (૩) સેન્સિટીવ ટુ ચિલ્ડ્રન એન્ડ ડીફરન્ટલી એબલ્ડ (૪) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ બ્યુટીફીકેશન (૫) વોટર સપ્લાય મેનેજમેન્ટ (૬) ડ્રેનેજ સપ્ટેજ મેનેજમેન્ટ

આ ઉપરાંત સ્માર્ટ સિટી મિશનના વિવિધ પ્રોજેકટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, પાર્કિંગ, સ્વચ્છ ભારત મિશન, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, શહેરમાં નવા ભળેલા કોઠારીયા અને વાવડીની વિકાસ પ્રક્રિયા, રેસકોર્ષ પાર્ટ-૨ અને અટલ સરોવર, પાયાની મૂળભૂત સુવિધાઓનું મજબૂત માળખું, મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર, જાહેર પરિવહન સેવા, આરોગ્યલક્ષી સેવાઓ વગેરે બાબતો આવરી લઇ તેની ઉપર વિશેષ ભાર મુકયો છે.

જ્યારે અગાઉ કાઢી નાંખવામાં આવેલા કન્ઝર્વન્સી ટેક્ષ ફરીથી નંખાશે. કમિશ્નરશ્રીએ જણાવેલ કે, કારપેટ એરીયા આધારીત પધ્ધતિના અમલ કરતી વખતે કન્ઝર્વન્સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડ્રેનેજ ટેક્ષ અને દિવાબત્તી ટેક્ષ રદ કરવામાં આવેલ. લોકો સફાઇ બાબતમાં વધુ જાગૃત બન્યા છે અને ખર્ચને પહોંચી વળવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ અને રીફોર્મ્સના ભાગરૂપે સને ૨૦૧૯-૨૦૨૦ના વર્ષ માટે જી.પી.એમ.સી. એકટની કલમ ૧૪૧-કક અંતર્ગત સામાન્ય કરના ૧% લેખે કન્ઝર્વન્સી ટેક્ષ દાખલ કરવાનું સુચવવામાં આવે છે જેના કારણે વધારાની ૫ કરોડ જેવી નવી આવક ઉભી થશે.

તેવી જ રીતે ભુગર્ભ ગટર વ્યવસ્થાપન માટે ૨૯.૧૪ કરોડ જેટલો વાર્ષિક ખર્ચ થાય છે. આ ખર્ચને પહોંચી વળવા અને રીફોર્મ્સના ભાગરૂપે સને ૨૦૧૯-૨૦૨૦ના વર્ષ માટે જી.પી.એમ.સી. એકટની કલમ ૧૪૧-કક અંતર્ગત સામાન્ય કરના ૧% લેખે ડ્રેનેજ ટેક્ષ દાખલ કરવાનું સુચવવામાં આવે છે જેના કારણે વધારાની ૫ કરોડ જેવી નવી આવક ઉભી થશે.

નવા કરવેરા સહિત ૧૬II કરોડનો કરબોજો

મ્યુ. કમિશ્નરશ્રીએ નવો વોટર ટેક્ષ, ડ્રેનેજ અને કન્ઝર્વન્સી ટેક્ષ સહિત કુલ ૧૬II કરોડના કરબોજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરમાં ઘણા મિલકત ધારકો નળ કનેકશન લેતા નથી અને ગ્રાઉન્ડ વોટરનો અથવા અન્ય નેચરલ સોર્સમાંથી પાણી મેળવે છે જેની માલિકી સરકારની છે. આથી આવા આસામીઓ પાસેથી પણ વસૂલ કરવો જરૂરી જણાય છે.

આથી સને ૨૦૧૯-૨૦ના વર્ષ માટે જી.પી.એમ.સી. એકટની કલમ ૧૪૧-કક અંતર્ગત સામાન્ય કરના ૧૦% લેખે વોટર ટેક્ષ સુચવવામાં આવે છે.

જે મિલકતધારકો પાણી ચાર્જ ભરે છે તેઓને વોટર ટેક્ષ અને વોટર ચાર્જમાંથી જે વધુ હોય તે એક રકમ ભરવાની રહેશે. જેના કારણે વધારાની ૫ કરોડ જેવી નવી આવક ઉભી થશે. ટુંકમાં નળ કનેકશન હોય કે ન હોય તમામ ઉપર નવો ૧૦ ટકાનો વોટર ટેક્ષ નાંખી દેવા સૂચવાયું છે.

નવી સ્કૂલો અને સુવિધાઓ

મ્યુ. કમિશ્નરશ્રીને નવા બજેટમાં નવી સુવિધાઓ અને યોજનાઓ અંગે જણાવેલ કે, આગામી વર્ષે ભગવતીપરા - કોઠારીયા ખાતે બે નવી હાઇસ્કુલો, કન્યા શાળાઓમાં સેનેટરી પેડ વેન્ડીંગ મશીનો મુકવા, વોર્ડ નં. ૬માં નવી લાયબ્રેરી, ૭૭ સ્માર્ટ પ્રા.શાળા બનાવાશે.

બે નવા ફલાઇ ઓવર તથા ફૂટ બ્રીજ

સિવિલ હોસ્પિટલ ચોકમાં ૩૦ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજ તથા આમ્રપાલી ફાટક પાસે પણ ૩૦ કરોડના ખર્ચે અંડરબ્રીજ તેમજ રૈયા ચોકડી તથા મવડી ચોકડી પાસે અનુક્રમે ૩૪ કરોડ અને ૩૧.૯૦ કરોડના ખર્ચે ફુટ બ્રીજ બનાવાશે.

અંતમાં કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું કે, આપણે રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા સખત જહેમત ઉઠાવી રહ્યા છીએ ત્યારે મહાનગરપાલિકાની ભૂમિકા વધુને વધુ વ્યાપક બની છે. લોકો પોતાના વિચારો અને અભિગમમાં બદલાવ લાવી મહાનગરપાલિકાની સાથે હાથ મિલાવે ત્યારે જ પરિવર્તનલક્ષી પડકારોને સફળતાપૂર્વક પહોંચી વળીશું. જેમાં વહીવટી તંત્ર પદાધિકારીશ્રીઓ સહિતના તમામ ચૂંટાયેલા નગરસેવકશ્રીઓના સહિયારા પ્રયાસોથી આપણા શહેરને વિકાસના ક્ષેત્રમાં નમૂનેદાર અને અગ્રેસર બનાવવાની અપેક્ષા સાથે બજેટ ૨૦૧૯-૨૦ની તમામ દરખાસ્તો સ્થાયી સમિતિ સમક્ષ સાદર રજુ કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. અહીં મારા કાર્યકાળનું આ ત્રીજું બજેટ રજુ કરવાનું મને સદ્ભાગ્ય સાંપડયું છે તેનો મને આનંદ અને સંતોષ છે. શહેરની વિકાસ યાત્રામાં રાજકોટ મહાનગરપાલિકાને કોઇને કોઇ પ્રકારે સાથ સહકાર પ્રદાન કરનાર કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી, પદાધિકારીશ્રીઓ સહિતના તમામ નગરસેવકશ્રીઓ, શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના તમામ પ્રતિનિધિશ્રીઓ અને નામી - અનામી સૌ નાગરિકોનો હું ઋણી રહીશ.

આ ૧ર રસ્તાઓ ઉપર વાહન પાર્ક કરશો તો સ્થળ પર જ પાર્કીંગ ચાર્જ લેવાશે

(૧) કુવાડવા રોડ (હોસ્પિટલ ચોકથી કેસરી હિંદ પુલ થઇ કુવાડવા રોડ જકાત નાકા સુધી)

(ર) જામનગર રોડ (હોસ્પિટલ ચોકથી જામનગર રોડ જકાત નાકા સુધી)

(૩) ગોંડલ રોડ (હોસ્પિટલ ચોકથી હરીહર ચોક, લીમડા ચોક, માલવિયા ચોક થઇ ગોંડલ રોડ જકાત નાકા સુધી)

(૪) કાલાવડ રોડ (કિશાનપરા ચોકથી મહિલા કોલેજથી કોટેચા ચોક થઇ કાલાવડ રોડ જકાત નાકા સુધી)

(પ) યાજ્ઞિક રોડ (રેસકોર્સ ચોકથી માલવિયા ચોક થઇ ત્રિકોણ બાગ સુધી)

(૬) ઢેબર રોડ (રા.ના. બેંક ચોકથી ત્રિકોણ બાગ, ભુતખાના ચોક, મધુરમ હોસ્પિટલ, થઇ કોઠારીયા રીંગ રોડ સુધી)

(૭) જવાહર રોડ (હોસ્પિટલ ચોકથી ત્રિકોણ બાગ સુધી)

(૮) ટાગોર રોડ (મહીલા કોલેજ ચોકથી, એસ્ટ્રોન ચોક, વિરાણી હાઇસ્કૂલથી ભકિતનગર સ્ટેશન થઇ ગોંડલ રોડ સુધી)

(૯) રૈયા રોડ (કિશાનપરા ચોકથી રૈયા ગામ સુધી)

(૧૦) યુનિવર્સિટી રોડ (કોટેચા ચોકથી યુનિવર્સિટી સુધી)

(૧૧) રેસકોર્ષ રીંગ રોડ તથા રેસકોર્ષ અંદરનો એરીયા

(૧ર) ગોંડલ રોડ ચોકડીથી ૧પ૦ ફુટ રીંગ રોડ

રેકડી ધારકો માટે આ સ્થળોએ મોડલ હોકર્સ ઝોન વિકસાવાશે

* અમીન માર્ગના છેડે, ૧પ૦ ફુટ રીંગ રોડ

* ભકિતનગર સર્કલ પાસે, ગીતા મંદિર પાછળ

* પુષ્કરધામ મેઇન રોડ

* લક્ષ્મીનગર, નાના મવા રોડ,

* ચંદ્રેશનગર, ઇ. એસ. આર. પાસે,

* પેડક રોડ, ઓડીટોરીયમ પાસે

* વાંકાનેર સોસાયટી, બજરંગવાડી પાસે

* સોરઠીયા પાર્ક, મવડી રોડ

* પ્રમુખનગર, ફોર્ચ્યુન હોટલ પાછળ, મવડી

* ગુરુજીનગર આવાસ પાસે, સાધુ વાસવાણી રોડ

* જયુબેલી ફ્રુટ માર્કેટ, ડિસ્કો માર્કેટ પાસે

* યુનિવર્સિટી રોડ, એસ. એન. કે. પાસે, નવા કોમ્યુ. હોલ પાસે

* કુરજીભાઇ વેકરીયા શાક માર્કેટ કમ્પાઉન્ડ

* આમ્રપાલી ફાટક પાસે, રેલ્વે ટ્રેક સાઇડ

* ૩ નવલનગર, મવડી રોડ

મહાત્મા ગાંધી મ્યુઝિયમનું મેદાન સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ભાડે અપાશે

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનના નવા બજેટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમનું મેદાન ભાડે આપી તેમાથી નવી આવક ઉભી કરવાની જોગવાઈ કરાયાનું મ્યુ. કમિશ્નર શ્રી પાનીએ જણાવ્યુ હતુ. તેઓએ સ્પષ્ટ કર્યુ હતુ કે 'આ મ્યુઝિયમના મેદાનમાં ગાંધી વિચારો અંગેના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માટે ભાડે અપાશે.

રાજકોટ વેટ દ્વારા ૪ સ્થળે દરોડાનો દોરઃ બીજે દિવસે પણ તપાસ ચાલુ

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટ વેટ દ્વારા ગઈકાલ બપોરથી અન્ય ડિવીઝન દ્વારા થયેલ રીપોર્ટ બાદ રાજકોટમાં ૪ સ્થળે દરોડાનો દોર શરૂ કરાયો છે. ગઈકાલે મોડી રાત સુધી તપાસ બાદ આજે સતત બીજા દિવસે પણ ખરીદ-વેચાણ-સ્ટોક અંગે તપાસ ચાલુ રખાઈ છે. જોઈન્ટ કમિશ્નર શ્રી ત્રિવેદીની સૂચના બાદ ટીમો દ્વારા લોખંડ-મશીનરી અને મશીનરીના પાર્ટસના ઉત્પાદકોને ત્યાં ક્રોસ તપાસ હાથ ધરાઈ હતી. અનેક પ્રકારની ગેરરીતિ બહાર આવ્યાનું અધિકારી સૂત્રો ઉમેરી રહ્યા છે.

(3:23 pm IST)