Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

૧૭૨૭ કરોડનું બજેટ

૪૪ કરોડનો બોજો પાણીવેરો બમણોઃ વાહન વેરો હવે ૨.૫૦ ટકા

રાજકોટ મ્યુ. કોર્પો.નું ૨૦૧૮-૧૯નું કરબોજવાળુઃ બજેટ મ્યુ. કમિ.એ સ્ટેન્ડીંગ કમિટીને સુપ્રત કર્યું : બજેટ સ્માર્ટ લીવીંગ અને સસ્ટેનેબલ થીમ પર બનાવાયાનો દાવોઃ વેસ્ટ ઝોનના ૬ વોર્ડમાં ૨૪ કલાક પાણી વિતરણનો પાઇલેટ પ્રોજેકટઃ કે.કે.વી. ચોકમાં અન્ડરબ્રીજ બનાવાશેઃ હોસ્પિટલ ચોકમાં ફલાયઓવર બ્રીજઃ લક્ષ્મીનગરના નાલામાં અન્ડરબ્રીજ બનશેઃ સોરઠીયાવાડી ચોકમાં ફલાયઓવર બ્રીજઃ મિલ્કત વેરો કારપેટ એરીયા મુજબ વસુલાશેઃ ૪૦૦ કરોડના ખર્ચે નવા ૭,૫૦૦ આવાસ બનશેઃ ન્યુ રાજકોટમાં ૨૦૦ કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષઃ ન્યારી ડેમ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક તથા આજી ડેમના ગાર્ડનમાં ફોરેસ્ટ પાર્કનું આયોજનઃ દસ નવા બગીચા, નવા આઠ સાયકલ શેરીંગ સ્ટેશન, સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કીંગ તથા વોંકળા રિ-ડેવલપમેન્ટની યોજનાઃ પ્રથમ ત્રણ માસ વેરા વળતર યોજનાનો લાભ લેનાર તમામ કરદાતાને લીલી-વાદળી રંગની કચરાપેટી વિનામુલ્યેઃ શહેરના ૧ હજાર સ્માર્ટ ડસ્ટબીન ખુલશેઃ જયુબેલી ખાતે મલ્ટી સ્ટોરી માર્કેટ બનાવાશેઃ રેલ્વે જંકશન વિસ્તારની કાયાપલટ થશેઃ ડિવાઇડરો બ્યુટીફીકેશનથી સજ્જ બનશેઃ પાણીવેરો ૮૪૦ લેવામાં આવે છે તે બમણો એટલે કે ૧૬૮૦ અને કોમર્શિયલ હેતુ માટે ૩૩૬૦નો વાર્ષિક વેરો વસુલવા સુચવાયું : આવક માટે ૫૦ કરોડના બોન્ડ પ્રસિધ્ધ થશેઃ ૪૫૦૦૦ મકાનમાં ૨૪ કલાક પાણીઃ રૈયા સ્માર્ટ સીટી ખાતે ડીસ્ટ્રીકટ કુલીંગ સેન્ટરો સ્થાપવામાં આવશેઃ વોર્ડ નં. ૧ માં નવી વેકયુમ અવર ડ્રેેનેજ : જન ભાગીદારીથી આજી ડેમ ખાતે ફોરેસ્ટ પાર્ક તથા ન્યારી ડેમ ખાતે મનોરંજન પાર્કઃ આવાસ યોજના અંતર્ગત રૂ. ૪૦ કરોડના ખર્ચે ૭પ૦૦ નવા મકાનો બનાવાશે

 

અબ તુમ્હારે 'હવાલે' બજેટ સાથીઓઃ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૭-૨૦૧૮નાવર્ષનું રિવાઇઝડ, બજેટ તથા વર્ષ ૨૦૧૮-૨૦૧૯વર્ષનું અંદાજપત્ર આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ રજુ કરેલ, જે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલએ સ્વીકારેલ. આ અવસરે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સ્થાયી સમિતિના સભ્ય તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય કશ્યપભાઈ શુકલ, અશ્વિનભાઈ મોલીયા, અનિલભાઈ રાઠોડ, બીનાબેન આચાર્ય, મીનાબેન પારેખ, જયોત્સનાબેન ટીલાળા, વિજયાબેન વાછાણી, વિજયભાઈ વાંક, ઘનશ્યામસિંહ જાડેજા તેમજ ડે. કમિશનર અરૂણ મહેશ બાબુ, જાડેજા, સી.કે.નંદાણી, ચીફ એકાઉન્ટન્ટ અમિતભાઇ સવજીયાણી, તેમજ જુદી જુદી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અશોક બગથરીયા)

 

રાજકોટ તા. ૩૦ : મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૮-૧૯નું બમણા પાણી વેરા અને વાહન વેરા વધારાના આકરા કરવેરા સહિત કુલ ૪૪ કરોડના કરબોજાવાળુ સામાન્ય બજેટ આજે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યું હતું.

બજેટ દરખાસ્ત અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે, 'આ બજેટ સ્માર્ટ લીવેબલ અને સસ્ટેનેબલ'ની થીમ ઉપર બનાવાયુ છે. કુલ ૧૭.૨૭ અબજનાં બજેટમાં પાણીવેરા બમણો અને વાહન વેરામાં ૧ાા ટકાનો વધારો કરવાની ફરજ પડી છે. કેમકે પાણી પાછળ ૧૧૮ કરોડનો ખર્ચ થઇ જાય છે તેની સામે પાણી વેરાની આવક માત્ર ૨૭ ટકા જેટલી જ થાય છે. કુલ ૧૭.૨૭.૫૭ કરોડના આ બજેટમાં ૪૪ કરોડનો કરબોજો દર્શાવાયો છે.

બજેટની કર દરખાસ્તો અંગે મ્યુ. કમિશ્નર પાનીને જણાવેલ કે, પાણીવેરો ૮૪૦ લેવામાં આવે છે તેનો બમણો એટલે કે ૧૬૮૦ અને કોમર્શિયલ હેતુ માટે ૩૩૬૦નો વાર્ષિક વેરો વસુલવા સુચવાયું છે. જ્યારે વાહનવેરો ૧ ટકો લેવામાં આવે છે તે હવેથી ૨ાા ટકા લેવા દરખાસ્ત કરાઇ છે. આ બંને વેરા વધારા સહિત કુલ ૪૪ કરોડનો વધારાનો કરબોજો લાદવામાં આવ્યો છે.

આ ઉપરાંત નવી કાર્પેટ વેરા પધ્ધતિનાં અમલથી આ વર્ષે ૨૭૦નું કરોડની વેરા આવક થશે. જ્યારે હોર્ડીંગ્સ બોર્ડના ચાર્જથી ૬ કરોડની આવક દર્શાવાઇ છે અને વ્યવસાય વેરાથી ૩૦ કરોડની આવક થવાનો અંદાજ મંડાયો છે.

કર પ્રસ્તાવ

૨૦૧૭-૧૮નું વર્ષ વેરા વસુલાત શાખા માટે ખૂબ જ મહત્વનું રહ્યું. આ વર્ષે વ્યાજ માફીની યોજના ન હોવા છતા અત્યાર સુધી માં રૂ.૧૮૦ કરોડ ની વસૂલાત કરવામાં આવી.આ વર્ષ શહેર માં ખાસ કરી ને રીયલ એસ્ટેટ માં ખુબજ મંદી હોવાના કારણે વસૂલાતમાં મૂશ્કેલી પડે છે. આમ છતાં ચાલુ વર્ષે રૂ.૨૫૦ કરોડ ની આવક થવાની આશા છે. આગામી વર્ષ માટે રૂ.૨૭૭ કરોડ નો અંદાજ રાખવામા આવેછે. ચાલુ વર્ષે દરમ્યાન અર્લી બર્ડ સ્કીમ હેઠળ એડવાન્સમાં વેરો. ૧૮૦૧૦૭ આસામીઓ એ કુલ રૂ.૧૩૧.૩૧ કરોડ ભરેલ છે. જે સાથે વળતર પેટે રૂ.૯.૦૮ કરોડ ચૂકવેલ છે.

નિયમીત કરદાતાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પન અર્લી બર્ડ સ્કીમ સુચવવામા આવેછે. અને મહિલા કરદાતાઓને વિષેશ ૫% વળતર આપવાની દરખાસ્ત છે.

કોર્પોરેશન ની મિલ્કત વેરાની આવક ૧૯૯૧ માં ૭ કરોડ હતી તે છેલ્લા પચીસ  વર્ષમાં ૨૦૦ કરોડ એટલે કે ૨૮  ગણી વસૂલ કરવામાં સફળ રહ્યા છીએ. જો કે રાજકોટ ની વસ્તી ૧૯૯૧ થી ૨૦૧૭   સુધી માં માત્ર ૩  ગણો જ વધારો થયેલ છે.

ગત વર્ષ દરમ્યાન કોઇપણ વેરા મા વધારો કરવામા આવેલ ન હતો છતા આયોજન મુજબ વસુલાત કરવામા આપણે સફળ રહ્યા છીએ.

કારપેટ એરિયા આધારીત  વેરા પધ્ધતિ

આગામી વર્ષથી કારપેટ એરિયા આધારિત પધ્ધતિ મુજબ વેરો વસૂલવામાં આવશે. અત્યાર સુધીમા ૪.૪૮ લાખ  જેટલી મિલકતોના સર્વે અને માપણી  ની કામગીરી પુર્ણ કરવામાં આવી છે જે પૈકી ૪.૦૦ લાખ જેટલી મિલકતોની માપણી સંબંધે રેન્ડમ ચકાસણી ની કામગીરી આપણા સ્ટાફ દ્વારા કરવાની કામગીરી પુર્ણ કરેલ છે. ૩૧ માર્ચ પહેલા આ કામગીરી પુર્ણ થવાની ધારણા છે. આ ઉપરાંત કારપેટ એરિયા આધારિત પધ્ધતિ માટેના નિયમો પણ બનાવવાની દરખાસ્ત આ સાથે અલગથી રજુ  કરવામા આવી છે. કારપેટ એરિયા આધારિત પધ્ધતિ નો અમલ થતા લોકોને ન્યાય સંગત અને પારદર્શક ગણતરીનો લાભ મળશે. કોઇને અન્યાય ન થાય તે રીતે અલગ અલગ પરિબળોની કિંમત નક્કી કરવામાં આવી છે.

વાહન વેરા

વર્ષ ૨૦૧૭-૧૮  મા આપણે આજીવન વાહન વેરો એડવોલેરમ પધ્ધતિ મુજબ વાહનની કિંમતના ૧્રુ મુજબ આપણી અંદાજિત આવક નો લક્ષ્યાંક રૂ.૮.૧૫ કરોડ છે. આજ સુધીમાં રૂ.૭.૮૦ કરોડ જેટલી વસુલાત થઇ ગઇ છે અને આ વર્ષના અંતે રૂ.૧૦ કરોડ થવાનો અંદાજ છે. આ કામમા આપણને શહેરના ઓટો ડીલરો અને RTO ઓફિસનો સારો સહકાર મળેલ છે તેની પણ નોંધ લઇએ.

આ વર્ષે શહેરમા ૫૦૦૦૦ થી વધુ વાહનોનો ઉમેરો થયો છે. વધતા વાહનોની સંખ્યા ના કારણે થતી ટ્રાફીક સમસ્યા ગંભીર થતી જાય છે. આ માટે શહેરમા નવા ૧૦  પે એન્ડ પાર્કની સગવડતા ઉભી કરવાનુ નક્કિ કરેલ છે. આ સમસ્યાના નિવારણ માટે વાહન વેરો હાલના ૧%ની જગ્યાએ ૨.૫્રુ કરવાની દરખાસ્ત છે. જેના કારણે અંદાજે રૂ.૧૦ કરોડ ની વધારાની આવક ઉભી થશે. આ ઉપરાંત દિવ્યાંગ લોકો માટેના વાહનોને ૧૦૦% મુકિત આપવાનુ પણ સુચન કરેલ છે. ઇલેકટ્રીક વાહનો ને પણ ૧૦૦% મુકિત આપી આવા પ્રદુષ્ણ મુકત વાહનોને પ્રોત્સાહન આપવાનુ  સુચવવામાં આવેલ છે.

પાણી ચાર્જ

હાલમાં પાણી ચાર્જના દર ૨૦૦૮-૦૯ના બજેટમાંથી મંજુર થયા પ્રમાણે વસુલ કરવામાં આવે છે. શહેરને પાણી પુરુ પાડવા માટે અલગ અલગ સ્ત્રોતોથી તથા નર્મદા યોજનાનુ પાણી જંગી ખર્ચથી મેળવવામાં આવે છે. ઘણી વખત અપુરતા વરસાદના સંજોગોમાં નિયમિત પાણી વિતરણ કરવુ પડકારરૂપ હોવા છતાં ગયા વર્ષે દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરેલ છે. આ માટે અલગ અલગ  જળાશયોથી પંપીગ કરવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે. સને ૨૦૧૮-૨૦૧૯ના વર્ષમાં આ સંબંધે કુલ ખર્ચ રૂ.૧૧૮ કરોડ જેટલો થવાનો અંદાજ છે. હાલના પાણીના દર મુજબ ગણતરી કરીએ તો માત્ર ૨૭્રુ જેટલી જ વસુલાત થાયછે. સ્માર્ટ સીટી યોજના હેઠળ અલગ અલગ યોજનાઓની સહાય મેળવવાની પાત્રતા પ્રાપ્ત કરવા પાણી સંબંધે થતો મહેસુલી ખર્ચ વસૂલ કરવા જરૂરી છે. આથી સને ૨૦૧૮-૨૦૧૯  ના વર્ષ માટે આ મુજબ ફેરફાર સુચવવામાં આવે છે.

રહેણાંકના અડધા ઇંચ ના કનેકશન માં પાણી વેરાના દર હાલના રૂપિયા ૮૪૦ ની જગ્યાએ ૧૬૮૦ અને બિન  રહેણાંકના દર હાલના રૂપિયા ૧૬૮૦ થી વધારી ૩૩૬૦ કરવાનુ સુચન કરવામાં આવે છે. જેના પરિણામે વોટર ચાર્જની આવક ૩૨ કરોડથી વધીને ૬૪ કરોડ જેટલી  થશે. આમ છતાં વાર્ષિક ૧૧૮ કરોડ ના ખર્ચને ધ્યાને લેતા હજુ ૪૭.૫% જેટલી સબસીડી થાય છે.

ડીજીટલ પેમેન્ટમાં વળતર

તાજેતરમાં ભારત સરકારે કાળા નાણાંને ડામવા સમગ્ર દેશમાં રોકડ લેવડ-દેવડની જગ્યાએ કેશલેસ/ઈલેકટ્રોનિક લેવડ-દેવડને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે. હાલ કુલ આવકના ૨૦% થી વધારે રકમ ડિજિટલ માધ્યમથી આવે છે. ભવિષ્યમાં ડિજિટલ ઉપયોગનો વ્યાપ વધે તે માટે તમામ WALLETS નો ઉમેરો કરી કરદાતાઓની સવલતમાં વધારો કરવામાં આવશે. આ બાબતમા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મિલકતધારકોને ઇન્ટરનેટના માધ્યમથી કે કોઇપણ પ્રકારના  ડીજીટલ  ટ્રાન્જેકશનથી વેરો ભરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી છે. રૂ.૧૦૦૦૦ સુધી રકમના ૧% , રૂ.૧૦૦૦૦ થી ૧ લાખ સુધીની રકમના ૦.૫% અને રૂ.૧ લાખથી  વધુની રકમના ૦.૨૫% વળતર અને ઓછામાં ઓછુ રૂ.૫૦  વળતર આપવા દરખાસ્ત છે.

વેરામાં મે-જુનમાં ૫થી ૧૦ ટકા વળતર યોજના

નિયમિત કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ ૧૦% અને ૫% અનુક્રમે મે અને જુન મહીનામાં વેરો ભરનારને વળતર આપવામાં આવશે. મહિલા કરદાતાઓને વધારાનુ ૫્રુ વળતર આપવાની દરખાસ્ત છે.

૫૦ કરોડના મ્યુનિસિપલ બોન્ડ

માત્ર રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં વધારો કરવા માટે જ નહી, પરંતુ નાગરિકોમાં પણ શહેરની વિકાસ પ્રક્રિયામાં સહયોગી બન્યાની લાગણી જન્મે તેવા ઉમદા આશયથી ચાલુ સાલે કુલ રૂ.૫૦ કરોડના મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરવાનો પ્રસ્તાવ બજેટમાં રજુ કર્યો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે, રાજકોટવાસીઓ મ્યુનિ. તંત્રની આ નવી પહેલને ઉમળકાથી આવકારશે. મ્યુનિસિપલ બોન્ડ સ્કીમમાં ભાગ લેનારા લોકો/સંસ્થાને બદલામાં પર્યાપ્ત વળતર મળે એવી તકેદારી રાખવામાં આવેલ છે.

ન્યુ રાજકોટના ૪૫ હજાર મકાનોમાં ૨૪ કલાક પાણી

રાજકોટમાં પ્રાયોગિકરીતે ૨૪*૭ ધોરણે ચોવીસે કલાક પીવાના પાણીનું વિતરણ કરવાના પ્રોજેકટ માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) દ્વારા રૂ. ૩૦૦ કરોડનો પ્રોજેકટ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી ચાલુ વર્ષે રૂ.૧૦૦ કરોડનો ખર્ચનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે વેસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નં. ૧,૮,૯,૧૦,૧૧, અને ૧૨ મા કુલ ૪૫,૦૦૦ ૩૩રમાં ચોવિસે કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ બનશે.

નવા વર્ષના બજેટમાં કોઇ નવી મોટી યોજનાઓ નથી. વોંકળાઓ રિ-ડેવલપમેન્ટ, વોર્ડ ઓફિસમાં જન્મ - મૃત્યુ નોંધ સર્ટી. મળી શકે તેવી વ્યવસ્થા કરવા વગેરે જેવી યોજનાઓની દરખાસ્તો કરાઇ છે.

ટુંકમાં હવે ચૂંટણીઓ પૂર્ણ થઇ છે ત્યારે પ્રજા ઉપર વેરા ઝીંકવાનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. જોકે, સ્ટેન્ડીંગ કમિટિ આ કરબોજો મંજુર કરશે કે કેમ? અથવા કરબોજો હળવો કરીને બજેટ મંજુર કરે તેવી શકયતાઓ છે.

રૂડાની ૧પ૮૬ આવાસ યોજનાનું  બીજુ પપ કરોડનું ટેન્ડર કાલે ખોલાશે...

રાજકોટ તા. ૩૦: રૂડાની અત્યંત મહત્વની એવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવાસ યોજનાનું બીજું ટેન્ડર આવતીકાલે બીલ્ડરોની હાજરીમાં ખોલાશે, આ માટે તમામ તૈયારીઓ કરી લેવાયાનું સાધનોએ ઉમેર્યું હતું.

તેમણે જણાવેલ કે, આ પહેલા ૭૮૪ આવાસ માટે પપ કરોડનું ટેન્ડર ખોલાયું હતું, હવે બીજા ૭૮૪ આવાસ માટે આવતીકાલે સવારે ૧૧ વાગ્યા બાદ પપ કરોડનું ટેન્ડર ખોલાશે. ત્યારબાદ ડ્રો-ફોર્મ સહિતની કાર્યવાહી થશે.

શહેરના BRTS રૂટ પર ઇલેકટ્રીક બસ દોડશેઃ  સીટી બસ સ્ટોપ આધુનિક બનાવાશે

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૫ નવી ઇલેકટ્રીક બસ ખરીદ કરવામાં આવશે. જેને શરૂના તબક્કે બીઆરટીએસ રૂટ ઉપર ચલાવવામાં આવશે.

    નવા ૧૦ સ્થળોએ નવા સાયકલ શેરીંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.

    રૂપિયા ૫૦ લાખના ખર્ચે નિધી સોસાયટીથી કાલાવડ સુધી નવો સાયકલ ટ્રેકનું આયોજન

    રૂપિયા ૧૭.૧ કરોડના ખર્ચે ૪૫ જંકશન ખાતે ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ

    ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુને વધુ ઉપયોગ કરાવવા ૪૦ સ્માર્ટ બસ સ્ટોપ બનાવવા પ્રસ્તાવ

    તમામ સ્માર્ટ બસ સ્ટોપને આધુનિક ડિઝાઇન તથા LED ડીસ્પ્લે, CCTV કેમેરા, સોલાર પેનલ તથા PIS

    શહેરના સર્વેશ્વર ચોક અને ત્રિકોણ બાગ ખાતે સ્માર્ટ પાર્કિંગ પ્રોજેકટ

    જન ભાગીદારીથી 'રાજકોટ મિત્ર' કાર્ડ,  

    શહેર સ્તરે ઓપ્ટીકલ ફાયબર કેબલ તથા સ્માર્ટ પોલ

    રાજકોટ આઇવે ફેઇઝ-૨ પ્રોજેકટ અંતર્ગત ૬૦૦થી વધુ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

૬ નવા આરોગ્ય કેન્દ્રઃ ૮૦ ફુટ રોડ પર ૨૪ કલાક  સેવાઃ રૈયા રોડ પર ગેસ આધારિત સ્મશાન

    શહેરના કોઠારીયા, છોટુનગર, વાવડી, મોરબી રોડ, સંતોષનગર અને પોપટપરા ખાતે નવા શહેરી જન આરોગ્ય કેન્દ્રો

    જન આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ તથા અન્ય આરોગ્ય માળખાને ઇન્ટીગ્રેટ કરવા સૂચિત ડેટાબેઇઝ

    ભગવતીપરા, હુડકો અને વિજય પ્લોટ ખાતે આવેલા હયાત આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે.

    તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે જન ઔષધી કેન્દ્ર, જન ઔષધી કેન્દ્રો બનાવવા માટે રાજકોટ મહાનગર પાલિકા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર પુરૃં પાડશે.

    જન્મ પ્રમાણપત્રની સેવાનું વિકેન્દ્રીકરણ

    શહેરના કોઠારીયા અને મોરબી રોડ ખાતે વિદ્યુત સ્મશાન.

    કબીર વન ખાતે પ્રપોઝડ આરોગ્ય તાલીમ કેન્દ્ર

    ૮૦ ફુટ ખાતે આવેલા જન આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૪/૭ સેવાઓ પુરી પાડવામાં આવશે.

    રૈયા રોડ ખાતે નવુ ગેસ આધારિત સ્મશાન

રાજકોટ ચોખ્ખુ ચણાક થશે

    ૧૦૦ નવા ટીપર વાહન ખરીદવામાં આવશે.

    શહેરમાં ૪૦ અદ્યતન શૌચાલયો બાંધવામાં આવશે.

    રૂ. ૭.૮ કરોડના ખર્ચે નવા ૬ વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટની અમલવારી કરવામાં આવશે.

    રૂ. ૮.૫ કરોડના ખર્ચે સોખડા ખાતેની જુની સાઇટનું કેપિંગ વર્ક પૂર્ણ કરવામાં આવશે.

    બાંધકામ અને ડીમોલીશન વેસ્ટ પ્રોસેસિંગ ફેસેલીટી ઉભી કરવામાં આવશે.

    પીપીપીથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાનું આયોજન

    જુના વ્હીલબરોને નવા વ્હીલબરોમાં રૂપાંતરિત કરવામાં આવશે.

    શહેરમાં ૧૦૦૦ સ્માર્ટ બિન લગાવવામાં આવશે.

    એડવાન્સ ટેકસ ભરનારને વિનામૂલ્યે 'ડસ્ટબીન યોજના' હેઠળ ડસ્ટબીન આપવામાં આવશે.

સ્વચ્છતા તરફ  કોર્પોરેશનનો વધુ પ્રયાસ

રૂપિયા ૧૫ કરોડના ખર્ચે કોઠારીયા ખાતે નવુ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન

રૂપિયા ૩.૭૫ કરોડના ખર્ચે નવા ૨૫ ગ્લુટોન મશીન લગાવવામાં આવશે.

રૂપિયા ૯ કરોડના ખર્ચે નવા ૧૨ મીકેનિકલ વેકયુમ સ્વીપિંગ મશીન ખરીદવામાં આવશે

તમામ ઝોન ખાતે 'મોબીટ્રેસ' વાહનનું વિકેન્દ્રીકરણ

વધુ ૮ સ્થળોએ સાયકલ  શેરીંગ પ્રોજેકટ

કાલાવડ રોડ સ્નાનાગાર

પેડક રોડ સ્નાનાગાર

રેસકોર્ષ સ્નાનાગાર

શ્રોફ રોડ લાયબ્રેરી

અમીન માર્ગ લાયબ્રેરી

પારૂલ ગાર્ડ

સ્માર્ટ સોસાયટી વોર્ડ નં. ૪

પ્રદ્યુમન પાર્ક ઝુ

રેસકોર્ષ, ત્રિકોણ બાગ, સર્વેશ્વર ચોક તથા ઢેબર રોડ પર મલ્ટી લેવલ કાર પાર્કિંગ

રાજકોટ તા. ૩૦:  શહેરમાં મુખ્ય માર્ગો પર પે એન્ડ પાર્કની વ્યવસ્થા હાલ કુલ રપ સ્થળોએ ચાલુ કરવામાં આવેલ છે. જે પૈકી રેસકોર્ષ, ત્રિકોણબાગ, સર્વેશ્વર ચોક અને ઢેબર રોડ પર આવેલ જૂની ટ્રાફિક પોલીસ ચોકીની જગ્યા ખુલ્લી કરાવીને કુલ ચાર સ્થળોએ આધુનિક બી.ઓ.ટી.ના ધોરણે મલ્ટી લેવલ કાર પાર્કિંગ ડેવલપ કરવા માટે ડીઝાઇન હાથ ધરવામાં આવશે. તેમજ શહેરના જુના વિસ્તારોમાં આવેલ મુખ્ય બજારો પૈકી ૧૦ જેટલી જગ્યાઓમાં તથા લાખાજીરાજ રોડ પર જૂની સ્કૂલના ખુલ્લા પ્લોટ પર પ્રાયોગિક ધોરણે પાર્કિંગની સગવડતાઓ ઉભી કરવામાં આવનાર છે.

(4:02 pm IST)