Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

૩૧ ઓકટોબરે PM નરેન્દ્રભાઇ કરશે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન!

નવી દિલ્હી તા. ૩૦ : સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યુ હશે, તે બનવાની તૈયારીમાં છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર, ૩૧મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના લોખંડ પુરુષ કહેવાતા સરદાર પટેલના માનમાં બનાવાવમાં આવી રહ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેકટ છે.

સરદાર સરોવર ડેમ પાસે આવેલી કેવડિયા કોલોની પાસે આ પ્રોજેકટનું ૭૦ ટકા કામ પતી ગયું છે અને પ્રોજેકટ અંતિમ ચરણમાં છે. જો કે સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે કામ પતવાની સંભાવના વ્યકત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૧૫માં આ ૨૯૮૯ કરોડ રૂપિયાના પ્રોજેકટનું કામ શરૂ કરવામાં આવ્યુ હતું.૫૬૦૦ મેટ્રિક ટન સ્ટીલ, ૬૦૦૦૦ મેટ્રિક ટન કોંક્રીટ અને ૧૯૦૦ મેટ્રિક ટન કાંસાનો ઉપયોગ કરીને આ સ્ટેચ્યુ બનાવવામાં આવશે. ૧૮૨ મીટર ઉંચાઈ વાળા પિલ્લરનું કામ સમાપ્ત થઈ ગયું છે અને બ્રોન્ઝને પેનલ્સ પણ લગાવી દેવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજીંગ ડિરેકટર અને ચેરમેન તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટના ઈન-ચાર્જ એસ.એસ.રાઠોડે જણાવ્યું કે, ટુંક સમયમાં સ્ટેચ્યુના ચહેરાનું કામ શરુ કરી દેવામાં આવશે.

રાઠોડે જણાવ્યું કે, સ્ટેચ્યુ અને મુખ્ય રોડને કનેકટ કરતા બ્રિજનું કામકાજ પણ સમાપ્ત થઈ ગયું છે. હાઈ-સ્પીડ એલિવેટરનું કામ પણ ચાલી રહ્યું છે. સરદાર પટેલના જીવન પર મ્યુઝિયમ અને ઓડિયો-વીઝયુઅલ ગેલેરીનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય લેસર, લાઈટ અને સાઉન્ડ શો, રીસર્ચ સેન્ટર વગેરે કામ ચાલી રહ્યા છે.(૨૧.૯)

(11:36 am IST)