Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

જથ્થાબંધમાં બટેટા ૨ થી ૩ રૂપિયે કિલો

નવી દિલ્હી તા. ૨૯ : બટાટાની ખેતી કરતા ખેડૂતોની શરૂઆતથી જ માઠી દશા બેઠી હતી. શરૂઆતમાં બટાટાના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને તેને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ફરજ પડી હતી. કેટલાક ખેડૂતોના બટાટા વેપારીઓ દ્વારા પણ ખરીદ કરી સંગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ષ પુરૂ થવા આવ્યું હોવા છતાં બટાટાના ભાવો સુધરવાના બદલે દિવસેને દિવસે વધુ ગગડી રહ્યા હોવાથી બમણો માર સહન કરવાની નોબત આવી છે. દહેગામ પંથકમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરાયેલા બટાટા પૈકી હજુ પણ કોલ્ડ સ્ટોરેજમાં આશરે સાત લાખ કટ્ટાનો સ્ટોક હયાત છે. છેલ્લા એક મહિનાથી બટાટા માર્કેટમાં વેચી રહેલા ખેડૂતો અને વેપારીઓને બટાટાનો સંગ્રહ ખર્ચ કટ્ટે ૧૦પ ની સાથે જથ્થાબંધ માર્કેટમાં કટ્ટે ૩૦ થી ૬૦ રૂપિયાનો ભાવ મળી રહ્યો હોવાથી બટાટા ખરીદનાર અને સંગ્રહ કરનાર ખેડૂતોએ નફાની વાતતો બાજુમાં રહી પરંતુ બટાટા પકવવા માટે કરેલ હજારો રૂપિયા ખર્ચ અને કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ માથે પડયુ છે. બટાટા માર્કેટમાં કફોડી હાલતને જોતા સરકાર દ્વારા તત્કાલીન સમયે ખેડૂતોને કિલો દિઠ એક રૂપિયા સબસિડી અને રાજય બહાર નિકાસ પર એક રૂપિયો સબસિડીની જાહેરાત કરી હતી તેની મુદત પણ ૩૦ મી ડિસ્મ્બરના રોજ પુરી થઈ રહી છે તે જોતા ખેડૂતો અને વેપારીઓની હાલત વધુ ફકોડી બનશે અને ખેડૂતો લાખો રૂપિયાના દેવાના ડુંગર નીચે દબાઈ જવાની નોબત આવશે તે દિવસો દૂર નથી.બટાટાના મામલે સરકારનું વલણ પ્રથમ દિવસથી ઉદાસિન રહેતાં ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારે બટાટા પર સબસિડી જાહેર કરી વાહવાહી લૂંટવામાં કોઈ કસર બાકી રાખી ન હતી પરંતુ સબસિડી જાહેર થયા બાદ પણ બટાટાને અન્ય દેશોમાં નિકાસ કરવાની દિશામાં કોઈ કાર્યવાહી ન કરતાં બટાટાના ભાવો દિન-પ્રતિદિન વધુને વધુ તળીયે બેસી જવા પામ્યા હતા.દહેગામ પંથકના મોટાભાગના ખેડૂતો બટાટાની ખેતી પર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બટાટાની ખેતી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે. આ વર્ષે પણ શરૂઆતથી બટાટાના પોષણક્ષમ ભાવો ન મળતાં બટાટા ફેંકી દેવાના ભાવમાં વેચવાની ફરજ પડી રહી છે.

દહેગામ પંથકમાં આવેલા કોલ્ડ સ્ટોરેજોમાં હજુ સ્ટોક હયાત છે ત્યારે ૧પ થી ર૦ દિવસમાં નવા બટાટાની આવકો માર્કેટમાં શરૂ થઈ જનાર છે. હાલ કોલ્ડ સ્ટોરેજમાં રહેલા બટાટાનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચોકડીમાં ફેંકવાની નોબત આવશે તે દિવસો પણ હવે દૂર નથી. બીજી તરફ હજુ પણ આ વિસ્તારમાં લાખો બોરી બટાટાનો સ્ટોક છે ત્યારે રાજય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી ખેડૂતોની મદદરૂપ થવા માટે કોઈ મોટી જાહેરાત કરવાની સાથે સાથે સબસિડીની મુદત પણ જાન્યુઆરી અંત સુધી વધારવામાં આવે તો ખેડૂતોને થોડી રાહત મળી રહે નહીં તો દેવામાં ડૂબી રહેલા ખેડૂતોને આપઘાત કરવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ખેડૂતોએ બટાટાનો પાક તૈયાર કરવા માટે વિઘા દીઠ હજારો રૂપિયા ખર્ચ કર્યું હતું. તૈયાર થયેલા બટાટાનો ભાવ ન મળતાં તેનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ફરજ પડી હતી. જે ખેડૂતોએ બટાટાનો સંગ્રહ કર્યો હતો તેઓને ઉત્પાદન ખર્ચ સિવાય સ્ટોર ભાડાનો કટ્ટે રૂ.૧૦પ જેટલો ખર્ચ ઉઠાવો પડયો છે તેની સામે હાલ માર્કેટમાં બટાટાના કટ્ટા દિઠ રૂ.૩૦ થી ૬૦ મળતા હોવાથી હાલત દયનિય બની જવા પામી છે.એટલેકે, જથ્થાબંધ બજારમાં બટાટા એક કિલોના ૨થી ૩ રૂપિયે વેચાઇ રહ્યા છે. બટાટાને ગાડીમાં ભરીને અમદાવાદ માર્કેટ સુધી લઈ જવામાં કટ્ટે ૧પ રૂપિયા ભાડું થતું હોવાથી ખેડૂતોને તો માંડ કટ્ટે ૧પ થી ૪પ રૂપિયા ચોખ્ખા મળી રહ્યા છે. ત્યારે બટાટાની ખેતી કરતા ખેડૂતોએ દેવામાં ડૂબતા બચાવી લેવા રાજય સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરી કોઈ ઠોસ પગલાં ભરવામાં આવે તેવી સર્વત્ર માંગ ઉઠી રહી છે.માર્કેટમાં બટાટાના પોષણક્ષમ ભાવો મળતાં નથી અને આ બટાટા લોડ કરી માર્કેટ સુધી લઈ જવામાં પણ કટ્ટે ૧પ થી ર૦ રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે જેથી કેટલાક સ્ટોર માલિકો દ્વારા પશુઓને ખવડાવવા માટે સ્ટોર બેઠા રપ રૂપિયે બટાટાનું કટ્ટુ વેચવાનું શરૂ કર્યું છે. હાલ આ પરિસ્થિતિ હોવા છતાં પુરતા પ્રમાણમાં બટાટાનો નિકાલ થઈ રહ્યો નથી તે જોતા આગામી દિવસોમાં સ્ટોર ખાલી કરવા માટે બટાટાની બોરીઓ રોડ સાઈડની ચોકડીઓમાં ફેંકવાની નોબત આવશે તે દિવસો હવે દૂર નથી.

(4:03 pm IST)