Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

હવે જામશે શિયાળો : ગાત્રો થીજાવતી ઠંડી શરૂ

સમગ્ર ગુજરાત ટાઢુબોળઃ વ્‍હેલી સવારે ધુમ્‍મસ : એસી-પંખા ધીમા અથવા બંધ થવા લાગ્‍યા : સ્‍વેટર-જાકીટ-બ્‍લેન્‍કેટ કબાટમાંથી બહાર કાઢવા પડયા : ૧૩.૬ ડીગ્રી સાથે નલીયા રાજયનું સૌથી ઠંડુ શહેર : હજુ ઠંડી વધવાના એંધાણઃ ૧૩ શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીથી નીચું

અમદાવાદ,તા. ૨૯ : ગુજરાતમાં તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. મહત્‍વનું છે કે, માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર બન્‍યું છે. આંકડાઓ મુજબ ગુજરાતના ૧૩ શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછું નોંધાયું છે. નલિયા ૧૩.૬ ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર બન્‍યું છે. મહત્‍વનું છે કે, રાજયમાં હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર-સોમવારે કમોસમી વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં  માવઠા બાદ ઠંડીનો ચમકારો વધ્‍યો છે. વિગતો મુજબ રાજયના ૧૩ શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછું નોંધાયું છે. મહત્‍વનું છે કે, આગામી ૪-૫ દિવસ ઠંડીમાં આંશિક ઘટાડાની શક્‍યતા છે. નલિયા ૧૩.૬ ડિગ્રીએ રાજયનું સૌથી ઠંડુ શહેર બન્‍યું છે. આ સાથે રાજયમાં બીજા ક્રમે ભૂજમાં ૧૫.૮ ડિગ્રી તાપમાન તો કંડલામાં ૧૬, અમરેલીમાં ૧૭ ડિગ્રી તાપમાન અને પોરબંદર, રાજકોટ, સુરેન્‍દ્રનગરમાં ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં શિયાળો જામવા લાગ્‍યો છે. ગાત્રો થીજાવતી ઠંડીનો દોર શરૂ થતા જ લોકોએ એસી-પંખા ધીમા રાખવાની ફરજ પડી છે અથવા તો બંધ રાખવા પડયા છે તો બીજી તરફ ઠંડીથી બચવા સ્‍વેટર-મફલર-શાલ-જાકીટનો દોર પુનઃ શરૂ થયો છે.

આજે વ્‍હેલી સવાર રાજયના અનેક ભાગોમાં ધુમ્‍મસ જોવા મળ્‍યુ હતુ જેના કારણે રસ્‍તાઓ ભીના થઇ ગયા હતા. સંકેતો મળે છે કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે.

(11:14 am IST)