Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

છેલ્લા 20 વર્ષમાં ઘણા દેશોમાંથી પરત લવાઈ 107 પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ:સરકારે લોકસભામાં આપી માહિતી

મંત્રાલયના જણાવ્યા અનુસાર 2015 અને 2021 વચ્ચે વિવિધ રાજ્યોમાંથી લગભગ 14 કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓની ચોરી થઈ

નવી દિલ્હી :છેલ્લા 20 વર્ષમાં વિવિધ દેશોમાંથી 107 પ્રાચીન વસ્તુઓ પરત લવાઈ છે, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે લોકસભામાં આ માહિતી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર 2015 અને 2021 વચ્ચે વિવિધ રાજ્યોમાંથી લગભગ 14 કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓની ચોરી થઈ છે.

કેન્દ્રીય પર્યટન, સંસ્કૃતિ અને પુર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જી. કિશન રેડ્ડી દ્વારા એક પ્રશ્નના જવાબમાં શેર કરેલા ડેટા અનુસાર 2001-2021 સુધીમાં અન્ય દેશોમાંથી 107 પ્રાચીન વસ્તુઓ ભારતમાં પરત લાવવામાં આવી છે. ડેટા દર્શાવે છે કે 2021માં મોટાભાગની પ્રાચીન વસ્તુઓ અમેરિકાથી પરત લાવવામાં આવી છે. આ વર્ષે ભારત દ્વારા અમેરિકા પાસેથી 63 વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવી છે.

રેડ્ડીએ કહ્યું ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) એ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની યુએસ મુલાકાત દરમિયાન હિન્દુ ધર્મ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંબંધિત 157 પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ સોંપી હતી. 157 પ્રાચીન વસ્તુઓમાંથી 63 પ્રાચીન વસ્તુઓનો પ્રથમ જથ્થો ભારતમાં પહોંચ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાંથી 9 પ્રાચીન વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસેથી સ્વદેશ પરત ફર્યા, ત્યારે તેઓ પોતાની સાથે 157 પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ લાવ્યા હતા. અમેરિકાએ વડાપ્રધાનને આ કલાકૃતિઓ અને વસ્તુઓ ભેટ કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને વસ્તુઓ 11મીથી 14મી સદીની છે. વડાપ્રધાન મોદીએ આ કલાકૃતિઓ પરત કરવા બદલ અમેરિકાનો આભાર પણ માન્યો હતો.

તેમણે જણાવ્યું કે છેલ્લા 20 વર્ષો દરમિયાન અલગ-અલગ દેશોમાંથી 107 પ્રાચીન વસ્તુઓ ભારત પરત લાવવામાં આવી છે. જ્યારે 2015 અને 2021 વચ્ચે વિવિધ રાજ્યોમાંથી લગભગ 14 કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓની ચોરી થઈ છે. રેડ્ડીએ લોકસભામાં કહ્યું કે અમેરિકા સિવાય એવા અન્ય દેશો છે જ્યાંથી પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ પરત લાવવામાં આવી છે. તેમાં હોલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જર્મની, યુકે, કેનેડા અને સિંગાપોરનો સમાવેશ થાય છે.

(11:10 pm IST)