Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બાળકોને રસીકરણ માટેની યોજના ટૂંકમાં જાહેર કરાશે

કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના અધ્યક્ષનું નિવેદન : એનટીએજીઆઈ એન્ટી-કોવિડ રસીના બૂસ્ટર, વધારાના ડોઝ પર એક વ્યાપક નીતિ સાથે બહાર આવવા જઈ રહ્યું છે

નવી દિલ્હી, તા.૨૯ : કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરા વચ્ચે, કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉ. એન.કે. અરોરાએ સોમવારે કહ્યું કે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (એનટીએજીઆઈ) આગામી બે અઠવાડિયામાં વધારાની માહિતી આપશે. અને બૂસ્ટર ડોઝ સંબંધિત વ્યાપક નીતિ જાહેર કરવામાં આવશે. એટલું નહીં, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૪૪ કરોડ બાળકોને રસીકરણ માટેની વ્યાપક યોજના પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ડૉ. એન.કે. અરોરાએ માહિતી આપી હતી કે એનટીએજીઆઈ ખૂબ ટૂંક સમયમાં એન્ટી-કોવિડ રસીના બૂસ્ટર અને વધારાના ડોઝ પર એક વ્યાપક નીતિ સાથે બહાર આવવા જઈ રહ્યું છે. જ્યાં સુધી બાળકોના રસીકરણની વાત છે ત્યાં સુધી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં બાળકોને આમાં પ્રાથમિકતા આપવી જોઈએ જેથી કરીને રોગોથી પીડિત બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે કોવિડ વિરોધી રસી આપી શકાય. બીમાર બાળકોના રસીકરણ પછી, તંદુરસ્ત બાળકો માટે કોવિડ વિરોધી રસીઓ ધ્યાનમાં લેવામાં આવશે.

નવી નીતિ કોને, ક્યારે અને કયા પ્રકારની રસીની જરૂર છે તે અંગેની રહેશે. જ્યાં સુધી કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો સવાલ છે, અમારી પાસે હવે સમય છે. આનો ફાયદો થશે કે અમને વેરિઅન્ટ વિશે વધુ માહિતી મળશે. એટલું નહીં, હાલની રસીઓની સુસંગતતા અને અસરકારકતા પણ સ્પષ્ટ થશે.

ડૉ. એન.કે. અરોરાએ કહ્યું કે બૂસ્ટર ડોઝ અને એન્ટી-કોવિડ રસીના વધારાના ડોઝ વચ્ચે તફાવત છે. વેક્સિસનનો બૂસ્ટર ડોઝ બે પ્રાથમિક ડોઝ પછી નિર્ધારિત સમયગાળા દરમિયાન આપવામાં આવે છે, જ્યારે વધારાનો ડોઝ ફક્ત એવા લોકોને આપવામાં આવે છે જેમને પ્રાથમિક ડોઝ પછી પણ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં સમસ્યા હોય. જો કોઈ વ્યક્તિ પાસે એન્ટિબોડીઝ અથવા રોગપ્રતિકારક શક્તિ નથી, તો તેને વધારાના ડોઝ આપી શકાય છે. બે અલગ અલગ વસ્તુઓ છે.

બાળકોના રસીકરણના મુદ્દે અરોરાએ કહ્યું કે હું વારંવાર કહું છું કે બાળકો આપણી સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ છે. અમે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના અમારા ૪૪ કરોડ બાળકોને રસી આપવા માટે એક વ્યાપક યોજના વિકસાવી છે. વિવિધ રોગોથી પીડિત બાળકોને રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવે તે માટે પ્રાથમિકતા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. યોજના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઝાયકોવ ડી, કોવેક્સિન, કોરબેવેક્સ અને પછી એમરન રસીઓ બાળકો માટે ઉપલબ્ધ છે. હું પુનરોચ્ચાર કરવા માગુ છું કે બાળકો માટે પણ રસીઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હશે.

(7:06 pm IST)