Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

યે દિલ માંગે મોર... કૃષિ બિલની વાપસી... ખેડૂતોની નહિ !

સાંસદના ચોમાસુ સત્રનો શોરબકોર વચ્ચે પ્રારંભ : સંસદના બંને ગૃહોમાં ત્રણેય કૃષિ કાનુનોની વાપસી બિલ પાસ : કાર્યવાહી સ્થગિત : બિલની વાપસી બાદ ટિકૈતનું એલાન... આંદોલન ચાલુ જ રહેશે : MSP કાયદો સહિત અનેક મુદ્દા પર હજુ વાત કરવી જરૂરી

નવી દિલ્હી તા. ૨૯ : ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ્દ કરતું બિલ આજે સંસદના બંને ગૃહમાં રજૂ કરવામાં આવ્યું. વિપક્ષના હોબાળા વચ્ચે આ બીલ બપોર પહેલા લોકસભામાં પસાર થયું. ત્યારબાદ રાજ્યસભામાં પણ આ બીલ પસાર થઇ ગયું હતું. સરકારે આજે બંને ગૃહમાંથી આ બિલને પસાર કરાવીને ખેડૂતોને કરેલો વાયદો પૂરો કરીને કડક સંદેશો આપવા ઇચ્છે છે.

કૃષિ કાયદા વાપસીનું બિલ લોકસભામાં પાસ થયાં બાદ પણ ખેડૂતોએ આંદોલન યથાવત રાખવાની જાહેરાત કરી છે. આમ સરકાર દ્વારા ત્રણેય કૃષિ કાયદા પરત લેવા અંગેના નિર્ણયનું આ પ્રથમ પગલું હતું. જો કે, ગાઝીપુર બોર્ડર પર મોરચો માંડીને બેઠેલા ખેડૂત આંદોલનકારીઓએ ઘર વાપસીને નનૈયો ભણ્યો છે.

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર ઇચ્છી રહી છે કે દેશમાં કોઈ આંદોલન ન થાય. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, MSP, મૃતક ખેડૂતોના પરિવારજનોને આર્થિક સહાય સહિતના અનેક મુદ્દાઓનો હજી કોઇપણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. ત્યારે આ મુદ્દાઓનો જયાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે હજી ઘરવાપસી નહીં કરીએ અને આંદોલન પણ યથાવત જ રહેશે.

વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવા લોકસભાએ કૃષિ કાયદા રદબાતલ બિલ, ૨૦૨૧ની ચર્ચા કર્યા વિના મંજૂરી આપી દીધી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશને સંબોધિત કરતી વખતે આ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે કયાંકને કયાંક ખેડૂતોને તેના ફાયદા સમજાવવામાં સફળ નથી થઈ શકયા.

અગાઉ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના સાંસદોએ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ વિરૂદ્ઘ સંસદ ભવન સંકુલમાં પ્રદર્શન કર્યું હતું. પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે એકઠા થયેલા કોંગ્રેસના સભ્યોએ એક મોટું બેનર હાથમાં લીધું હતું, જેના પર અંગ્રેજીમાં લખેલું હતું - અમે કાળા કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ કરીએ છીએ. વિપક્ષ કૃષિ કાયદા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર કૃષિ કાયદા પર ચર્ચા માટે તૈયાર નથી. સરકારનું કહેવું છે કે, જ્યારે વડાપ્રધાન ખુદ માફી માંગી ચુકયા છે તો પછી ચર્ચા કરવાનો કોઇ અર્થ નથી.

કોંગ્રેસે એમએસપીની ગેરંટી પર કાયદો બનાવા અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરીજનોને વળતર આપવાની માંગ કરી છે. કોંગ્રેસે વધતી કિંમતો પર ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

લોકસભામાં કોંગ્રેસ અધિર રંજન ચૌધરીએ આ વિધેયક પર ગૃહમાં ચર્ચા કરવાની માંગ કરી છે. વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહને બપોર સુધી સ્થગિત કરવામાં આવ્યું.

(3:18 pm IST)