Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સ્થૂળતાના કારણે મહિલાને નોકરી ના આપવાનો નિર્ણય યોગ્ય : હાઇકોર્ટ

સરકારી નોકરી મેળવવામાં મોટાપો બની શકે છે વિલન

નવી દિલ્હી તા. ૨૯ : સરકારી નોકરી, ખાસ કરીને સેના અને અર્ધસૈનિક દળો માટે ફકત ભણી લેવું પુરતું નથી પણ શારીરિક રીતે ફીટ રહેવું પણ જરૂરી છે. જો તમે મોટાપાથી ગ્રસ્ત હો તો ભરતી પરીક્ષામાં સફળ થયા પછી પણ નોકરીથી વંચિત રહી જશો. હાઇકોર્ટે લેખિત પરિક્ષામાં સફળ થયા પછી અને અન્ય માપદંડો પુરા કર્યા પછી મોટાપાના કારણે કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળ (સીઆરપીએફ) દ્વારા મહિલાને નોકરી આપવાનો ઇન્કાર કરવાને યોગ્ય પગલું ગણાવ્યું છે.

જસ્ટીસ મનમોહન અને નવીન ચાવલાની બેંચે મોટાપાના કારણે સીઆરપીએફ દ્વારા નિમણૂંક આપવાની ના પાડવાના નિર્ણય સામે કરાયેલ અરજી ફગાવી દીધી છે. બેંચે કહ્યું કે, બોડી માસ ઇન્ડેક્ષ (બીએમઆઇ)ના માપદંડોને ત્યારે લાગુ કરી શકાય છે જ્યારે વધારે વજન હોવા બાબતે શંકા હોય. આ કેસમાં સીઆરપીએફના મેડીકલ બોર્ડ અને રીવ્યુ મેડીકલ બોર્ડના રિપોર્ટથી સ્પષ્ટ છે કે, અરજદારનું વજન નક્કી કરાયેલ માપદંડો કરતા પાંચ કિલો વધારે છે.

આ ટીપ્પણી કરીને અર્ધસૈનિક દળમાં ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની ભરતી પરીક્ષામાં પાસ થનાર અપરાજીતાની અરજીને આધાર વિનાની ગણીને ફગાવી દીધી હતી.

(12:36 pm IST)