Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

૨૪ કલાકમાં ૮,૩૦૯ નવા કેસઃ ૫૪૪ દિવસોમાં સૌથી ઓછા સક્રિય કેસ

ભારતમાં રિકવરી રેટ હાલમાં ૯૮.૩૪% છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે

નવી દિલ્હી, તા.૨૯: કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે. ત્યારે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના ૮,૩૦૯ નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન ૯,૯૦૫ લોકોએ કોરોના વાયરસને હરાવીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૪૦,૦૮,૧૮૩ લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. ભારતમાં રિકવરી રેટ હાલમાં ૯૮.૩૪% છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે. તે જ સમયે, સક્રિય કેસોની વાત કરીએ તો, તેમની સંખ્યા હવે ૧,૦૩,૮૫૯ છે. જે છેલ્લા ૫૪૪ દિવસમાં સૌથી નીચો છે. સક્રિય કેસ કુલ કેસના ૧ ટકા કરતા ઓછા છે, ૦.૩૦ ટકા.
આવા સમયમાં દિલ્હીની એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, ઓમિક્રોન સ્વરૂપ સામે કોરોના વિરોધી હાલની રસીઓ અસરકારક સાબિત ન થવાની આશંકા છે. બીજીબાજુ થાણેના એક ઘરડાં ઘરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેવા છતાં વૃદ્ધો સહિત ૭૦થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
ઓમિક્રોન અંગે દિલ્હીની એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં ૩૦ થી વધુ પરિવર્તનો થયા હોવાનું જણાયું છે. નવા સ્વરૂપમાં ‘ઇમ્યુનોએસ્કેપમિકેનિઝમ’ વિકસવાની સંભાવના છે, જેથી તેની સામે કોરોનાની રસીની અસરકારકતા ઘટી શકે છે.
પરિણામે ભારતમાં હાલમાં ઉંપયોગમાં લેવાતી કોરોના વિરોધી રસીઓ સહિતની રસીઓની અસરકારક્તાનું ગંભીર મૂલ્યાંકન કરવાની જરૂર છે.
રવિવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સાવધાની વરતવાની સલાહ આપી છે. કેન્દ્ર સિવાય રાજય સરકાર પણ એલર્ટ પર છે. રાજય સરકારોએ કેટલાક પ્રકારના આદેશ જારી કરી દીધા છે. કોવિડ-૧૯નો નવો વેરિઅન્ટ ગ્.૧.૧૫૨૯ આ અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. ષ્ણ્બ્એ આને શુક્રવારે વેરિઅન્ટ ઓફ કંસર્ન ચિંતાજનક ગણાવી છે. આને ઓમિક્રોન નામ આપવામાં આવ્યુ છે. આને કોરોનાના બાકી વેરિઅન્ટથી વધારે સંક્રમક ગણાવાયુ છે.

 

(10:58 am IST)