Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

શાળાના ઓફલાઇન વર્ગમાં ભૂલકાંઓની એકાગ્રતા, વાંચન અને લેખન ક્ષમતા ઘટી

૨૦ મહિના પછી શાળામાં પ્રત્યક્ષ ભણતા ધો. ૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે પળોજણ : કુમળી વયના બાળકો એકધારૃં વાંચન-લેખન માટે તૈયાર ન હોવાથી વ્યાપક ફરિયાદો

નવી દિલ્હી,તા. ૨૯ : ૨૦ મહિના બાદ શાળાઓમાં ધોરણ- ૧ થી ૫ના ઓફલાઇન વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ, ઉમંગ, અને ઉન્માદ દેખાઇ રહ્યો છે. જો કે તે સાથે જ સામે બાજુએ શિક્ષકો માટે નવી ચિંતા ઉભી થઇ છે. કારણ કે ઓફલાઇન વર્ગોના આરંભ સાથે જ ભૂલકાંઓની એકાગ્રતા, વાંચન અને લેખનની ક્ષમતા ઘટી હોવાની ફરિયાદો મુજબ કુમળી વયના બાળકો વાંચવા, લખવા તૈયાર નથી. મર્યાદિત સમયગાળા માટે રોજેરોજ ઓનલાઇન ભણતા બાળકોને હવે ઓફલાઇન શિક્ષણ વેળાએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેઓના સ્વભાવ અને વર્તનમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. સુરતની શાળાના આચાર્ય અને શિક્ષકોમાં બાળકો વર્ગખંડમાં પુરતી એકાગ્રતા સાથે વાંચી કે લખી રહ્યા નથી એવી ફરિયાદો સાંભળવા મળી રહી છે. (૨૨.૧૦)

સ્વભાવ સાથે શિસ્તમાં બદલાવ

ઓફલાઇન વર્ગો શરૂ થતા બાળકોની શારીરિક હાજરી શાળામાં દેખાઇ રહી છે. પરંતુ અભ્યાસ સંબંધિત બાબતોમાં ઘણી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. કુમળી વયના બાળકો હોવાથી તેઓની ચંચળતા વધી છે. સ્વભાવની સાથે શિસ્તમાં પણ બદલાવ આવ્યો છે. તે સાથે જ વાંચવા અને લખવાની ટેવ ઘટી હોય અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે.

- ડો. વિરલ નાણાવટી (રેડિયન્ટ ઇન્ટ. સ્કૂલ)ધો.૧,૨ના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી

લોકડાઉનમાં ઓનલાઇન માધ્યમથી બાળકોને ઘરે તો બેસાડ્યા, પણ વાંચન જેવી જરૂરી પરિસ્થિતીને અવગણી શાળામાં જ્યારે હવે આ બાળકોને વાંચનનું કહેવામાં આવે તો તેમની પાસે હવે શબ્દજ્ઞાત ઓછુ કે નહિવત દેખાઇ રહ્યુ છે. ખાસ કરીને ધો. ૧ અને ૨ના બાળકોમાં આ મુશ્કેલી વધુ દેખાઇ રહી છે. શિક્ષકો માટે તે મોટો પડકાર છે

-કુંતલ પટેલ (શિક્ષિકા)અઠવાડિયા માટે અભ્યાસમાં ફેરફાર

ઓફલાઇન અભ્યાસમાં પડતી મુશ્કેલીને જોતા શાળામાં એક અઠવાડિયામાં માટે અભ્યાસને ગૌણ બનાવી  'હું પોતે બાળક' અઠવાડિયાની ઉજવણી શરૂ કરી છે. જેમાં શિક્ષક, માતા-પિતા, બાળકોની ટીમ બનાવી ભૂલકાંઓને યોગા, ચિત્રો, રંગોળી, વાર્તા જેવા કાર્ય-પ્રવૃતિ કરાવી ૧૫-૨૦ દિવસમાં અભ્યાસ તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે

-આનલ દેસાળ (શિક્ષિકા)

ધો. ૧ થી ૫ના વિદ્યાર્થીઓને સતાવી રહેલા પ્રશ્નો -પડકારો

(૧) એકાગ્રતા ઘટી : ઓનલાઇન અભ્યાસને કારણે બાળકોને વર્ગખંડમાં એકાગ્રતા ઘટી છે. એક જગ્યાએ સ્થિર બેસી ભણવંુ પસંદ નથી. મોબાઇલ, લેપટોપ પર મનફાવે તે જગ્યાએ અભ્યાસ બાદ શાળામાં તે શકય ન હોય મુશ્કેલી નડી રહી છે.

(૨) સૂચનાથી અવગણના : મોબાઇલ -લેપટોપ પર નજીકથી સાંભળવા ટેવાયેલા બાળકો હવે વર્ગખંડમાં અવારનવાર સૂચના આપવા છતાં શિક્ષકોના આદેશ -ઓર્ડરને ધ્યાનમાં લેતા નથી. પોતાની મસ્તીમાં રહેતા હોય તેમની વર્તુણૂક બદલાઇ છે

(૩) ચંચળતા વધી : ઘરે ભણવાની સાથે બાળકોની ચંચળતા વધી ગઇ છે. એક વિષય કે એક મુદ્દા બાબત પર ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. કોઇક વાર રમવું તો કોઇક વાર લખવું, વાંચવું એવી વાત કરી ખૂદ મુંઝવણમાં રહે છે.

(૪) લેખન ક્ષમતા ઘટી : ઓનલાઇન માધ્યમથી ભણ્યા બાદ બાળકોની લેખન ક્ષમતા અસરગ્રસ્ત થઇ ગઇ છે. પેન્સીલ કે પેન પકડવાની ગ્રીપ કહો કે પછી ટેવ રહી જ નથી. જેથી બાળકો સુંદર અને સુવાકય સાથેના અક્ષય યોગ્ય રીતે લખી શકતા નથી.

(૫) વાંચન ક્ષમતા ઘટી : ઓનલાઇન ભણેલા વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતા ઘટી છે. શાળામાં બાળકોને વાંચવાનું કહેવામાં આવે તો શબ્દજ્ઞાન ઓછું થયાનું નોંધાયુ છે. ઓનલાઇન ભણ્યા બાદ હાલ વર્ગખંડમાં વાંચવામાં તકલીફ પડી રહી છે.

(૬) સ્વભાવ અને શિસ્ત બદલાયા : ઓનલાઇન અભ્યાસને કારણે બાળકોમાં ચીડિયાપણુ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. મિત્રો અને શિક્ષકો સાથે ઘરમાં ઉપયોગમાં લેવાતી ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા છે. શિસ્ટાચારમાં ઘટાડો થયો છે.

(10:24 am IST)