Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વૃધ્ધ મહિલાએ ગાય સાથે કર્યા લગ્ન ! પ્રાણી સ્વરૂપે પતિના પુર્નજન્મનો દાવો

મહિલાનું માનવું છે કે ગાયની તમામ લાક્ષણિકતાઓ તેના મૃત પતિ જેવી જ છે

નવી દિલ્હી,તા. ૨૯: ભારતની જેમ વિશ્વના ઘણા દેશોમાં પુનર્જન્મની માન્યતા છે. લોકો માને છે કે મનુષ્યનો જન્મ ફરીથી પૃથ્વી પર બીજા સ્વરૂપમાં થાય છે. આ મુદ્દો વિજ્ઞાન અને આસ્થા વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ વિશ્વના ઘણા લોકો તેને સાચું માને છે.

તાજેતરમાં કંબોડિયાની એક મહિલા સાથે પણ આવું જ બન્યું હતું. તેમણે એક ગાય સાથે તેના મૃત પતિ માનીને લગ્ન કર્યા. મહિલાનું માનવું છે કે તેમનો પતિ ગાય તરીકે જન્મ્યો છે

કંબોડિયાના ક્રાટીપ્રાંતમાં રહેતા ૭૪ વર્ષીય ખીમ હેંગ તેમના વિસ્તારમાં પ્રખ્યાત છે. તેનું કારણ એ છે કે મહિલાએ એક ગાય સાથે લગ્ન કર્યા છે. મહિલાનું માનવું છે કે ગાયની તમામ લાક્ષણિકતાઓ તેના મૃત પતિ જેવી જ છે. ધ સન વેબસાઈટના જણાવ્યા અનુસાર, મહિલા ગાય સાથે લગ્ન કરે છે તેનો કોઈ વીડિયો નથી, પરંતુ ગામના ઘણા લોકો દાવો કરે છે કે તેઓએ લગ્ન જોયા છે અને તેમાં જોડાયા પણ હતા.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે મહિલાને આવું કેવી રીતે લાગ્યું કે તેના પતિએ પુનર્જન્મ કર્યો છે અને ગાય તરીકે પાછો ફર્યો છે? હકીકતમાં જયારે ગાયનો જન્મ થયો ત્યારે સ્ત્રીએ તેની સાથે ઘણો સમય પસાર કર્યો હતો. પછી ગાયે તેનો હાથ અને ચહેરો ચાટ્યો અને કયારેક તે તેના ચહેરા પર ચુંબન કરતી. ખીમે સમજાવ્યું કે ગાય તેને તેવી જ રીતે પ્રેમ કરે છે જેમ તેમનો પતિ તેમની સાથે કરતો હતો. તેથી કિમ સમજી ગઈ કે તે બીજું કોઈ નહીં પણ તેનો પતિ છે જે પાછો ફર્યો છે.

તે સ્ત્રી હવે ગાયને તેના પતિ તરીકે પ્રેમ કરે છે. તેણે ગાયને તેના પતિનું ઓશીકું આપ્યું છે જે તેના રૂમમાં રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં ગાય મહિલાના ઘરમાં સાથે રહે છે. ખીમે તેના બાળકોને પણ આ જ સૂચના આપી છે. તેના પુત્રો પણ હવે માને છે કે ગાય તેમના પિતા છે, તેથી તેઓ ગાયની પણ ખૂબ સેવા કરે છે. ખીમે બાળકોને કહ્યું છે કે તેઓ મૃત્યુ પામ્યા પછી ગાયને તેમના પિતાની જેમ પ્રેમ કરે, તેને કયારેય વેચતા નહિ અને તેમને સારી રીતે ખવડાવે. જયારે ગાય મરી જાય છે, ત્યારે તેઓએ મનુષ્યની જેમ જ તેના અંતિમ સંસ્કાર પણ કરે.

(10:01 am IST)