Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

શિયાળુ સત્ર પહેલા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે બહિષ્કાર કર્યો : આ બેઠકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, એનસીપી નેતા શરદ પવાર સામેલ

નવી દિલ્હી, તા.૨૮ : સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થતાં પહેલા બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદી સર્વદળીય બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા નહીં.

સંસદ સત્રના એક દિવસ પહેલા સરકાર તરફથી બોલાવવામાં આવેલી આ બેઠકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બેનર્જી, ડેરેક ઓબ્રાયન, ડીએમકીના ટીઆર બાલૂ, ટી શિવા અને એનસીપી નેતા શરદ પવાર સામેલ થયા હતા. આ દરમિયાન ટીએમસી તરફથી સરકાર સમક્ષ ૧૦ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

ટીએમસી તરફથી જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તે છે- બેરોજગારી, ઈંધણ અને જરૂરી વસ્તુની વધતી કિંમતો, એમએસપીને કાયદામાં સામેલ કરવી, રાજ્યોને નબળા પાડવા, બીએસએફનું અધિકાર ક્ષેત્ર, પેગાસસનો મુદ્દો, કોરોનાની સ્થિતિ, મહિલા અનામત બિલ અને ડૂ નોટ બુલડોઝ બિલ્સ (સ્ક્રૂટનાઇઝ બિલ્સ). તો આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સર્વદળીય બેઠકનો બહિષ્કાર કરતા બહાર નિકળી ગયા હતા. સંજય સિંહનો આરોપ હતો કે તેમને ન સંસદમાં બોલવા દેવામાં આવે છે ન સર્વદળીય બેઠકમાં. તે પીએમ આવ્યા પહેલા બહાર નિકળી ગયા હતા. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સંજય સિંહે કહ્યુ કે, સરકારે સર્વદળીય બેઠક દરમિયાન તેમને બોલવા દીધા નહીં. તેમણે કહ્યું કે, તે સત્ર દરમિયાન એમએસપી ગેરંટીને કાયદા તરીકે લાવવા અને બીએસએફ અધિકાર ક્ષેત્રના મુદ્દાને સંસદ સત્રમાં લાવવાનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. પરંતુ તેમને સર્વદળીય બેઠકમાં બોલવા દેવામાં આવ્યા નહીં.

સંસદનું શિયાળુ સત્ર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે સરકાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પરત લેવા માટે એક બિલ રજૂ કરશે. આ બિલ પર પક્ષ અને વિપક્ષમાં જોરદાર તકરાર જોવા મળી શકે છે. વિપક્ષ જ્યાં આ કાયદાને પરત લેવાના મામલામાં સરકારને ઘેરવાના પ્રયાસમાં છે તો સરકારનો પ્રયાસ રહેશે કે વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દાનો સંતુલિત જવાબ આપવામાં આવે.

સંસદના આ સત્રમાં વિપક્ષ પેગાસસ સ્પાઈવેયરથી ફોન ટેપિંગના મુદ્દાને પણ ઉઠાવી શકે છે.

(9:16 pm IST)