Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન પર ભારત એલર્ટ: ટ્રેસિંગ અને વેક્સિનનો વ્યાપ વધારવા રાજ્યોને કેન્દ્રનો આદેશ

દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત સહિતના રાજ્યોએ કેન્દ્રની એડવાઈઝરી બાદ મોટાપાયે કામ શરુ કરી દીધું

નવી દિલ્હી : દુનિયામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેલાવા લાગતા ભારત સરકારે અત્યારથી તૈયારી કરી છે. ભારતમાં આ વેરિયન્ટ ઘર ન કરી જાય તે માટે કેન્દ્ર સરકારે રાજ્યોને કેટલાક ખાસ કામો કરવાનો ઓર્ડર કર્યો છે તે પ્રમાણે રાજ્યોએ કેન્દ્રના આદેશાનુસાર કામ કરવાનું શરુ કરી દીધું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત સહિતના રાજ્યોએ કેન્દ્રની એડવાઈઝરી બાદ મોટાપાયે કામ શરુ કરી દીધું છે.

ભારત સરકારે રાજ્યોને અલટ્ કરીને ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવાની તથા વેક્સિન કવરેજમાં ઝડપ લાવવાની સલાહ આપી છે. 

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે કહ્યું કે રાજ્યોએ કોવિડ હોટસ્પોટ પર દેખરેખ રાખવી જોઈએ. મંત્રાલયે કહ્યું કે અગમચેતીના પગલા તરીકે જે દેશોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે તેની ઓળખ કરી લેવાઈ છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે વધારાના ઉપાયો અપનાવવામાં આવે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ઓમિક્રોન વેરિએન્ટ અંગે વધતી ચિંતા વચ્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. પત્રમાં 'જોખમ' દેશો અને 14 દિવસના ક્વોરેન્ટાઇનની સલાહ અપાઈ છે. 

 હોટસ્પોટવાળા વિસ્તારો પર નજર રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. હોટસ્પોટ વિસ્તારોમાં મળી આવેલા પોઝિટીવ દર્દીઓના નમૂના જીનોમ સિક્વન્સને આઈએનએસએસીઓજી લેબ મોકલવાનું કહેવામાં આવ્યું છે.

રાજ્યોને વહેલી તકે હોટસ્પોટ વિસ્તારોની ઓળખ કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યોને મહત્તમ પરીક્ષણ કરવાની અને ચેપનો દર 5 ટકાથી નીચે રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.

દિલ્હી સરકારે રવિવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ની બેઠક પણ બોલાવી હતી. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે તમામ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે. તેમણે સમજાવ્યું કે હજી સુધી કોઈ કેસ આવ્યો નથી, પરંતુ એવું માની લેવું જોઈએ કે નવા પ્રકારો આપણી વચ્ચે છે. તેમણે લોકોને ગીચ વિસ્તારોમાં જવાનું ટાળવા જણાવ્યું છે.

બોત્સવાના, હોંગકોંગ, સાઉથ આફ્રિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ચેક રિપબ્લિક, ઈટાલી, જર્મની, ઈઝરાયલ અને નેધરલેન્ડમાં કોરોનાનો નવો એમિક્રોન વેરિયન્ટ ફેલાયો છે

(8:49 pm IST)