Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

કૃષિ બિલના વિરોધમાં સિંધુ બોર્ડર પર પ્રદર્શન : ખેડૂતોની દેશભરમાં પ્રદર્શન શરૂ કરવાની ચીમકી

ખેડૂતોએ કહ્યું -અમે જંતરમંતર જવા માંગીએ છીએ. બુરાડી એ ખુલ્લી જેલ છે. પ્રદર્શનની જગ્યા નથી. મંચ પર કોઇ પણ રાજકીય નેતાને આવવાની પરવાનગી આપીશું નહીં

નવી દિલ્હી : સિંધુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ તેમનું અભિયાન તેજ કરવાનું આહ્વાન કર્યું છે. ખેડૂતોએ 1 ડિસેમ્બરથી દેશના અન્ય રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ જણાવ્યું કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટા પાયે એકત્ર થઇને પહોંચી રહ્યા છે.

  ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતો પણ દિલ્હી આવી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ અપીલ કરી છે કે ખેડૂતોને સમર્થન આપનારી સંસ્થાઓ તેમજ કોર્પોરેટ વિરોધી તાકાતો અમને સમર્થન આપે. ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે જો સરકાર ખેડૂતોની માંગણીઓ પ્રત્યે ગંભીર હોય તો સરકારે ખેડૂતો સામે શરતો મુકવાનું બંધ કરવું જોઇએ. ખેડૂતોને નવા બિલનો લાભ ગણાવવાનો કોઇ અર્થ નથી. ખેડૂતો તેમની માંગણીઓ મુદ્દે બહુ સ્પષ્ટ છે. આથી સરકાર સીધી રીતે જણાવે કે તેમની પાસે ખેડૂતોની સમસ્યાનું શું સમાધાન છે.

કૃશિ બિલ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો તેમની માંગણી પર અડગ છે. ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારની માંગણી ફગાવી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ખેડૂત સંગઠનોના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકારની બુરાડી જવાની માંગણી ફગાવી દીધી છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે અમે બુરાડી નહીં જઇએ. સરકાર કોઇ પણ શરત વગર અમારી સાથે વાતચીત કરે. અમે અમારી સાથે 4 મહિનાનું રાશન લઇને પણ આવ્યા છીએ. અમે 4 મહિના સુધી અહીં બેસી શકીએ છીએ. તેમણે જણાવ્યું કે સરકારના પ્રસ્તાવને અમે નામંજૂર કરી દીધો છે. અમે જંતરમંતર જવા માંગીએ છીએ. બુરાડી એ ખુલ્લી જેલ છે. પ્રદર્શનની જગ્યા નથી. અમે છેલ્લા બે મહિનાથી પંજાબમાં સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે અમારા મંચ પર કોઇ પણ રાજકીય નેતાને આવવાની પરવાનગી આપીશું નહીં.

(10:32 pm IST)