Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જીડીપીના આંકડા પૂર્વે બજારમાં કડાકો : ૩૩૬ પોઇન્ટનો ઘટાડો

સેંસેક્સ કારોબારના અંતે ૪૦૭૯૪ની નીચી સપાટી પર બંધ : ફરી યશ બેંક શેરમાં સૌથી વધુ ઘટાડો તેમજ ભારતી એરટેલના શેરમાં સૌથી મોટો ઉછાળો : સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૫૪ ટકા સુધીનો સુધારો

મુંબઈ, તા. ૨૯ : શેરબજારમાં છેલ્લા બે દિવસથી જારી તેજી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. મુંબઈ સ્ટોક એક્સચેંજમાં સેંસેક્સ ૩૩૬ પોઇન્ટ ઘટીને આજે બંધ રહ્યો હતો. જીડીપી વૃદ્ધિ આંકડા જારી કરવામાં આવે તે પહેલા રોકાણકારો સાવધાન દેખાયા હતા. સેંસેક્સ કારોબાર દરમિયાન એક વખતે ૪૬૬ પોઇન્ટ સુધી ઘટી ગયો હતો. જો કે, મોડેથી તેમાં આંશિક સુધારો થયો હતો. અંતે સેંસેક્સ ૩૩૬ પોઇન્ટ ઘટીને ૪૦૭૯૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૨૦૫૬ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સના શેરોમાં યશ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. બેંકના શેરમાં ૨.૫૦ ટકા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. ત્યારબાદ એચયુએલના શેરમાં ૨.૩૭ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૨.૧૨ ટકા, એસબીઆઈના શેરમાં ૨.૦૩ ટકા અને તાતા મોટર્સના શેરમાં ૨.૦૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. વેદાંતાના શેરમાં પણ ૧.૯૭ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.

                     ભારતી એરટેલ, એચડીએફસી બેંક, એનટીપીસીના શેરમાં તેજી રહી હતી. નિષ્ણાતોના કહેવા મુજબ બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિદર પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં નીચે પહોંચે તેવી શક્યતા છે. વૈશ્વિક બજારોમાં કમજોરીના વલણની અસર જોવા મળી રહી છે. એશિયાના અન્ય બજારોમાં હોંગકોંગ, ટોકિયો, કોસ્પી અને દક્ષિણ કોરિયાના બજારોમાં નુકસાનની સ્થિતિ રહી હતી. હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક દેખાવને લઇને અમેરિકી કાનૂન મારફતે સમર્થન આપવાથી અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતિને ફટકો પડ્યો છે. યુરોપના મુખ્ય બજારોમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી હતી. આજે શેરબજારમાં જુદા જુદા પરિબળોની અસર રહી હતી. સેંસેક્સમાં ઉલ્લેખનીય ઘટાડો રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૫૩ ટકા અન નિફ્ટીમાં ૦.૬૬ ટકાનો સુધારો થયો છે. બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપમાં ૧૭૨૨૨ની ફ્લેટ સપાટી રહી હતી જ્યારે નિફ્ટી સ્મોલકેપમાં આશરે એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

                       ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં આશરે છ ટકાનો ઘટાડો રહ્યો હતો. આ શેરમાં આજે દબાણની સ્થિતિ રહી હતી. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના શેરમાં ૧૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, કારોબારના અંતે તેના શેરની કિંમતમાં ૧૩ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારના દિવસે તેના શેરમાં ૨૫ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર અને એસબીઆઈના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. આજે મિડિયાનાશેરમાં સૌથી વધુ કડાકો રહ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૨૮૨ની સપાટી રહી હતી. પીએસયુ બેંક, મેટલ અને ઓટોના શેરમાં પણ કડાકો રહ્યો હતો.

(7:25 pm IST)